મેડિકલ ખર્ચના મોંઘવારી દર મામલે ભારત એશિયામાં ટોચે, હેલ્થ ચેકઅપ કરાવવામાં ભારતીયો 'આળસુ'
એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં મેડિકલ મોંઘવારી દર 14 ટકાએ પહોંચી ગયો છે
કમાણીનો 10 ટકા હિસ્સો તો બીમારીઓની સારવાર પાછળ જ ખર્ચ થઈ જાય છે
Medical Inflation in India: સરેરાશ ભારતીયોની કમાણીનો એક મોટો હિસ્સો તો મેડિકલ બિલ પાછળ જ ખર્ચાઈ જાય છે. દેશમાં આ વર્ષે મોંઘવારીએ લોકોને જ્યાં ભારે મુશ્કેલીમાં મૂક્યા છે ત્યાં વધતાં મેડિકલ બિલોએ (Medical Bill) પણ ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. એશિયામાં મેડિકલ ખર્ચનો મોંઘવારી દર (Medical Inflation) સૌથી વધુ ભારતમાં જોવા મળ્યો.
રિપોર્ટમાં કરાયો મોટો દાવો
એક રિપોર્ટ અનુસાર ભારતમાં મેડિકલ મોંઘવારી દર 14 ટકાએ પહોંચી ગયો છે. એવામાં દેશની સામાન્ય પ્રજા પર સતત મેડિકલ ખર્ચનું ભારણ વધતું જઈ રહ્યું છે. વધતાં જતા મેડિકલ બિલને લીધે કર્મચારીઓ પર વધારાનું આર્થિક ભારણ વધી રહ્યું છે. દેશના 71 ટકા કર્મચારી મેડિકલ બિલની ચૂકવણી જાતે કરે છે અને ફક્ત 15 ટકા જ એવી કંપનીઓ છે જે કર્મચારીઓને હેલ્થ વીમાનું કવર આપે છે.
9 કરોડથી વધુ ભારતીયોના જીવન પર અસર
રિપોર્ટમાં દાવો કરાયો છે કે વધતાં મેડિકલ ખર્ચને કારણે 9 કરોડથી વધુ ભારતીયોના જીવન પર અસર થઈ છે અને તેમની કમાણીનો 10 ટકા હિસ્સો તો બીમારીઓની સારવાર પાછળ જ ખર્ચ થઈ જાય છે. અગાઉ નીતિ આયોગે રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશમાં નોકરિયાત વર્ગની સંખ્યા 2030માં વધીને 56.9 કરોડ થઈ જશે. જ્યારે 2022 માં આ લોકોની સંખ્યા ફક્ત 52.2 કરોડ જ હતી. એવામાં નોકરિયાત લોકોની સંખ્યામાં વધારા બાદ પણ દેશમાં હેલ્થ ઈન્શ્યોરન્સ કવરમાં વધારો જોવા મળ્યો નથી જે એક ચિંતાજનક સ્થિતિ છે.
હેલ્થ ઈન્શ્યોરન્સ અંગે જાગૃકતા ઓછી
કંપનીઓ દ્વારા અપાતી હેલ્થ ઈન્શ્યોરન્સ સુવિધા અંગે 20થી 30 વર્ષના યુવાઓ વચ્ચે ખૂબ જ ઓછી જાગૃકતા છે. જ્યારે 51 કે તેનાથી વધુ વયના લોકો સ્વાસ્થ્ય વીમો વધુ ખરીદે છે. આ સાથે જ 42 ટકા એવા પણ છે જે કંપની દ્વારા અપાતી હેલ્થ ઈન્શ્યોરન્સ સેવાને કર્મચારીઓને અનુકૂળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકેછે. આ રિપોર્ટથી એ જાણ થાય છે કે ભારતમાં કાર્યરત ફક્ત 15 ટકા જ કંપનીઓ એવી છે જે તેમના કર્મચારીઓને હેલ્થ ઈન્શ્યોરન્સની સાથે સાથે ટેલીહેલ્થ વગેરે જેવી અનેક સુવિધાઓ આપે છે.
હેલ્થ ચેકઅપ કરાવવામાં ભારતીયો 'આળસુ'
કોર્પોરેટ ઈન્ડિયાનું સ્વાસ્થ્ય રિપોર્ટ 2023 શીર્ષક હેઠળના રિપોર્ટમાં જાણ થઇ કે ફક્ત હેલ્થ ઈન્શ્યોરન્સ જ નહીં પણ દેશના લોકો હેલ્થ ચેક અપ કરાવવા મામલે પણ ઘણાં પાછળ છે. દેશના 59 ટકા લોકો એવા છે જે તેમના વાર્ષિક હેલ્થ ચેકઅપ નથી કરાવતા. જ્યારે 90 ટકા લોકો એવા છે જે પોતાની હેલ્થ પર યોગ્ય રીતે ધ્યાન નથી આપતા.