નિયમોનો ભંગ કરનારી મેડિકલ કોલેજોને રૂ. એક કરોડનો દંડ થશે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
નિયમોનો ભંગ કરનારી મેડિકલ કોલેજોને રૂ. એક કરોડનો દંડ થશે 1 - image


નેશનલ મેડિકલ કમિશન દ્વારા વધુ કડક નિયમો જાહેર

વાર્ષીક રિપોર્ટ આપવો ફરજિયાત, દર્દીઓના રેકોર્ડ, દસ્તાવેજો જુઠા હશે તો ડોક્ટર, ડીન, ડાયરેક્ટરને પાંચ લાખનો દંડ

નવી દિલ્હી: નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) નિયમોનું પાલન ના કરનારી મેડિકલ કોલેજો માટે કડક નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન જે મેડિકલ કોલેજો નહીં કરે તેને પ્રત્યેક ઉલ્લંઘન પર એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવશે. જે શૈક્ષણિક સંસ્થાઓની ફેકલ્ટીએ બનાવટી ડોક્યૂમેન્ટ્સ આપ્યા હશે તેને પણ પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. મેડિકલ કોલેજો અને મેડિકલ ક્ષેત્રના વ્યવસાયને લઇને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.  

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોઇ ડોક્ટર, ફેકલ્ટી, ડિપાર્ટમેન્ટના હેડ, ડીન, ડાયરેક્ટર દ્વારા બનાવટી અને જુઠા દસ્તાવેજો જેવા કે દર્દીઓનો રેકોર્ડ, રિપોર્ટ, ડોક્યુમેન્ટ્સ, ડિક્લરેશન રજુ કરવામાં આવશે તેને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. 

એટલુ જ નહીં તેમની સામે રજિસ્ટરેડ મેડિકલ પ્રેક્ટિશનર રેગ્યુલેશન અને મેઇન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન ૨૦૨૩ હેઠળ દંડ કરવામાં આવશે અને કાર્યવાહી કરાશે. 

સાથે જ એનએમસી બોર્ડ દ્વારા જે જોગવાઇઓ અને નિયમો જાહેર કરાયા છે તેનું ઉલ્લંઘન કરનારી મેડિકલ કોલેજોને પ્રત્યેક ઉલ્લંઘન બદલ એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવશે. 

૨૭મીથી સમગ્ર દેશમાં લાગુ આ નિયમો અનુસાર મેડિકલ કોલેજોએ એનએમસીના બોર્ડ સમક્ષ વાર્ષીક ડિસ્ક્લોઝર રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત રહેશે. જે વાર્ષિક રિપોર્ટ જમા કરવાનો રહેશે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટીની યોગ્યતા, ક્લિનિકલ મટેરિયલ, એસેસમેન્ટની મેથડ, વિદ્યાર્થીઓના ગ્રેડિંગ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. જો કોઇ ડોક્ટર કે ડીન કે જવાબદાર અધિકારી દર્દીઓ અંગે પણ ખોટી માહિતી આપશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.     


Google NewsGoogle News