MBBS માં એડમિશન માટે 'ધર્મ' બદલી કાઢ્યો, 8 વિદ્યાર્થીના એડમિશન રદ, 9 સીટ છોડી ભાગ્યા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
MBBS


MBBS Admission Fraud In UP: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી NEET પરીક્ષામાં કૌભાંડ બાદ વધુ એક નવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા પોતાનો ધર્મ જ બદલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશની મેરઠમાં સ્થિત સુભારતી યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં લઘુમતી ક્વોટામાંથી MBBSની બેઠકો મેળવવા માટે 17 વિદ્યાર્થીઓએ અન્ય ધર્મના સર્ટિફિકેટ રજૂ કરીને છેતરપિંડી કરી હતી. તપાસ બાદ આ 8 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે, જ્યારે 9 વિદ્યાર્થીઓ પોતાની સીટ છોડી ભાગી ગયા.

આ ધર્મના ખોટા સર્ટિફિકેટ બનાવ્યા

સુભારતી મેડિકલ કોલેજ એક ખાનગી મેડિકલ કોલેજ છે અને તે બૌદ્ધ લઘુમતી સંસ્થા હેઠળ સંચાલિત છે. કાઉન્સિલિંગના પ્રથમ તબક્કામાં 22 બેઠકો લઘુમતી ક્વોટા હેઠળ હતી. જેમાં 17 વિદ્યાર્થીઓએ બૌદ્ધ ધર્મના નકલી સર્ટિફિકેટ બનાવીને MBBSની બેઠકો મેળવી હતી. યુપી NEET UG 2024ના પ્રથમ તબક્કાના કાઉન્સિલિંગ દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટોરેટ જનરલે બનાવટી સર્ટિફિકેટની ફરિયાદની તપાસના આદેશ આપતાં રાજ્યની તમામ લઘુમતી મેડિકલ કોલેજોમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓના સર્ટિફિકેટની ફરીથી ચકાસણી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 'લોકોને લડાવી ભાજપ રાજકીય રોટલાં શેકે છે...' હેમંત સોરેનના PM પર આડકતરી રીતે પ્રહાર

દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ

મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ કિંજલ સિંહે કહ્યું હતું કે તપાસ બાદ જે ઉમેદવારોના સર્ટિફિકેટ નકલી જણાશે તેમના એડમિશન રદ કરવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં MBBSની બેઠકો વધારાઈ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં પાંચ નવી મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમજ કાનપુર દેહાત અને લલિતપુરની મેડિકલ કોલેજોમાં બેઠકની સંખ્યા 50 થી વધારીને 100 કરવામાં આવી છે. જેના કારણે MBBSની 600 નવી બેઠકો બનાવવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2024-25 માટે રાજ્યમાં MBBSની નવી બેઠકોની કુલ સંખ્યા હવે વધીને 11,200 થઈ ગઈ છે. તેમાંથી 5,150 બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં અને 6,050 બેઠકો ખાનગી મેડિકલ કોલેજોમાં છે.

MBBS માં એડમિશન માટે 'ધર્મ' બદલી કાઢ્યો, 8 વિદ્યાર્થીના એડમિશન રદ, 9 સીટ છોડી ભાગ્યા 2 - image


Google NewsGoogle News