ભારતમાં આ વર્ષે મેમાં સૌથી ભયંકર હીટવેવ જોવા મળી, શું છે તેનું કારણ? જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ભારતમાં આ વર્ષે મેમાં સૌથી ભયંકર હીટવેવ જોવા મળી, શું છે તેનું કારણ? જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું 1 - image


- મેમાં ગરમીના કારણે દેશમાં 46 લોકોનાં મોત

- હીટવેવ માટે  અલ નીનો, મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરની અસામાન્ય ગરમ સપાટી અને ગ્રીનહાઉસ ગેસનું વધતું ઉત્સર્જન જવાબદાર

- હવે ભારતમાં હીટવેવ માનવીય સહનશીલતાથી વધતી જઇ રહી છે અને તેનું કારણ જીવાશ્મ ઇંધણનો વધારે ઉપયોગ છે

- દેશના 150 મોટા જળાશયોમાં પાણી ઘટીને 22 ટકા રહી ગયું : ઉર્જાનો ઉપયોગ વધવાથી કેટલાક રાજ્યો વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે

નવી દિલ્હી : મેમાં ચાલેલી હીટ વેવે ગરમીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈજ્ઞાાનિકોના એક  જૂથે કલાયમેટની સમીક્ષા કર્યા પછી જણાવ્યું કે ભારતમાં જોવા મળેલી હીટ વેવ અત્યાર સુધીની સૌથી વધારે ગરમ હીટ વેવથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ રહી હતી.

ક્લાઇમેેટમીટરના સમીક્ષકોએ જણાવ્યું છે કે મેમાં ભારતમાં ચાલેલી હીટવેવ માટે  અલ નીનોની અસર, મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરની સપાટીનું અસામાન્ય રીતે ગરમ થવું અને ગ્રીનહાઉસ ગેસનું વધતું ઉત્સર્જન જવાબદાર છે.

વૈજ્ઞાાનિકોએ વર્ષ ૧૯૭૯-૨૦૦૧ અને વર્ષ ૨૦૦૧-૨૦૨૩ની વચ્ચેના તાપમાનની સરખામણી કરી હતી. આ સરખામણીના આધારે વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીની સૌથી વધારે ગરમ હીટવેવ કરતા પણ મેની હીટવેવ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ હતી.

વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે હવે ભારતમાં હીટવેવ માનવીય સહનશીલતાથી વધતી જઇ રહી છે અને તેનું કારણ જીવાશ્મ ઇંધણનો વધારે ઉપયોગ છે.

 ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના ડેવિડ ફ્રાંડાએ જણાવ્યું છે કે ભારતમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે અને તેનો કોઇ ટેકનિકલ ઉકેલ દેખાઇ રહ્યો નથી. આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાના પ્રયત્નો કરવા જોઇએ.

સિંગાપોર યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે ભવિષ્યમાં હીટવેવ વધારે ગંભીર બનશે. વિશ્વનું તાપમાન વધવાનું કારણ અલ નીનો અસરની સાથે માનવ નિર્મિત કલાયમેટ ચેન્જ છે. 

દેશના મોટા ૧૫૦ જળાશયોમાં પાણી ઘટીને ૨૨ ટકા રહી ગયું છે. ઉર્જાનો ઉપયોગ વધવાને કારણે કેટલાક રાજ્યો વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ૨૫ હજાર હીટ સ્ટ્રોકના કેસો સામે આવ્યા છે જેમાં ૫૬ લોકોના મોત ગરમીથી સંબધિત બિમારીઓને કારણે થયા છે. જે પૈકી ૪૬ મોત એકલા મે મહિનામાં જ થયા છે. 


Google NewsGoogle News