'બની શકે કે 3 વર્ષની છોકરીએ યૌન હિંસા માટે ઉશ્કેરણી કરી હોય..' કલેક્ટરના નિવેદનથી હોબાળો
Image: Freepik
Rape Case in Tamil Nadu: તમિલનાડુના મયિલાદુથુરાઈ જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીની સાથે થયેલી યૌન હિંસા અને હત્યાના પ્રયત્નના મામલે કલેક્ટરના વિવાદિત નિવેદનથી આક્રોશ ફેલાઈ ગયો છે. જિલ્લાના સીરકાજીમાં એક બાળકીની સાથે થયેલી યૌન હિંસાની ઘટનાને જણાવતાં કલેક્ટરે કહ્યું કે 'શક્ય છે કે પીડિત બાળકીના વ્યવહારે હુમલાખોરને આવું કરવા માટે ઉશ્કેર્યો હોય. મને જે રિપોર્ટ મળ્યો છે તે અનુસાર ઘટનાના દિવસે બાળકીએ યુવકના ચહેરા પર થૂંક્યું હતું. શક્ય છે કે આ ઘટના આગળ વાળી ઘટનાનું કારણ બની હોય.' કલેક્ટરના આ નિવેદન બાદ લોકોની વચ્ચે આક્રોશ ભડકી ગયો. તેને જોતાં કલેક્ટરની ટ્રાન્સફર કરી દેવાઈ છે.
કલેક્ટર મહાભારતીએ યૌન હિંસાના ગુનેગાર પ્રત્યે પોતાની સહાનુભૂતિ બતાવતાં કહ્યું કે 'આવા મામલામાં આપણે બંને પક્ષોને જોવા જોઈએ. બાળકોની ઉંમર એવી હોય છે કે આપણે તેમને સમજાવી શકીએ છીએ પરંતુ માતા-પિતાએ એ વાતનો ખ્યાલ રાખવો પડશે, તેમણે આની જવાબદારી લેવી પડશે. આપણે આ વિષયો પર સંવેદનશીલતા વધારવી પડશે. લોકોને જાગૃત કરવા પડશે.' કલેક્ટરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આક્રોશ ભડકી ગયો. લોકોએ કલેક્ટરને પીડિતાને દોષ આપવા અને અસંવેદનશીલતા બતાવવાનો આરોપ લગાવ્યો.
ભાજપે કરી નિવેદનની નિંદા
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ કલેક્ટરની ટીકા કરતાં લખ્યું કે 'કલેક્ટરનું કહેવું છે કે એક 3.5 વર્ષની બાળકીએ ગુનેગારને યૌન હિંસા માટે ઉશ્કેર્યો હશે. હું સંપૂર્ણ તમિલનાડુ ભાજપ એકમ તરફથી આની નિંદા કરું છું. અન્નામલાઈએ રાજ્ય સરકારની ઉપર નિશાન સાધતાં કહ્યું કે સમગ્ર રાજ્યમાં સતત મહિલાઓ, સ્કુલની વિદ્યાર્થિનીઓ એટલે સુધી કે નાની બાળકીઓ વિરુદ્ધ યૌન હિંસા વધી રહી છે. મુખ્યમંત્રી અને મંત્રી આ વિશે કંઈક કરવાના બદલે પીડિતોની ઓળખને ઉજાગર કરી દે છે. એક જિલ્લા કલેક્ટરનું આવું સંવેદનહીન નિવેદન સરકારની જ પ્રવૃત્તિની આગામી કડી છે.'
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ જોરદાર આક્રોશ જોવા મળ્યો. તમિલ સિંગર શ્રીપદાએ ટ્વિટર પર લખ્યું કે 'એક જિલ્લા કલેક્ટરે આંગણવાડીમાં 3.5 વર્ષની બાળકીની સાથે થયેલી યૌન હિંસા માટે બાળકીને જ દોષી ઠેરવી દીધી. તેનો ગુનો શું હતો કે નાની એક બાળકીએ સવારે બળાત્કારીના મોઢા પર થૂંકી દીધું હતું. તેથી તે હેવાને તેનો બળાત્કાર કરી દીધો. હદ છે... એવું લાગે છે કે આ કલેક્ટર સાહેબને બળાત્કારના મામલામાં અલગથી ટ્રેનિંગ મળી છે.'