સાંસદ દાનિશ અલીને માયાવતીએ BSP પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, પત્રમાં જણાવ્યું કારણ
Image Source: Twitter
- દાનિશ અલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2023, શનિવાર
બહુજન સમાજ પાર્ટી (BSP)એ પોતાના સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. બસપા સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. બસપાએ ઘણી વખત દાનિશ અલીને સૂચના આપી હતી અને કહ્યું હતું કે પાર્ટી તેમના મુદ્દા પર તેમની સાથે છે તેમ છતાં દાનિશ અલી સતત કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ઉભી હતી. ત્યારે હવે તેમને સસ્પેન્ડ કરવાનું આ સૌથી મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ દાનિશ અલી સાથે કરી હતી મુલાકાત
બસપા સાંસદ દાનિશ અલી પર બીજેપી સાંસદ રમેશ બિધૂડીના વાંધાજનક નિવેદનથી રાજકારણ ગરમાયુ હતું. બિધૂડીના નિવેદનથી ચારે બાજુ થઈ રહેલી ટિકા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં દાનિશ અલી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને સાંસદ ઈમરાન પ્રતાપગઢી પણ હતા.
દાનિશે પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ભાવુક થતાં કહ્યું હતું કે, તેમને રાહુલ સાથે મુલાકાત કરીને લાગ્યુ કે, તેઓ એકલા નથી. રાહુલ ગાંધી મને મને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. તેમણે મને કહ્યું કે આ બાબતોને દિલ પર ન લેવી અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તેમના શબ્દોથી મને રાહત મળી અને સારું લાગ્યું કે હું એકલો નથી.
સતીશ મિશ્રાએ જણાવ્યું કે, એચડી દેવગૌડાના અનુરોધ પર બસપાએ અમરોહાથી દાનિશ અલીને ટિકિટ આપી હતી. આ દરમિયાન દેવેગૌડાએ આશ્વાસન આપ્યું હતું કે ટિકિટ મળ્યા બાદ દાનિશ અલી હંમેશા બસપાની તમામ નીતિઓ અને નિર્દેશોનું પાલન કરશે અને પાર્ટીના હિતમાં જ કામ કરશે. આ ખાતરી દેવેગૌડા પહેલા દાનિશ અલીએ પણ દોહરાવી હતી. ત્યારબાદ દાનિશ અલીને બસપાની સદસ્યતા ગ્રહણ કરાવવામાં આવી હતી.
સતીશ મિશ્રાએ જણાવ્યું કે, દાનિશ અલી તમામ આશ્વાસનો ભૂલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ ગયા. આવી સ્થિતિમાં પાર્ટીના હિતમાં દાનિશ અલીને તાત્કાલિક અસરથી બસપાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.