Get The App

બસપાએ જાહેર કરી આગામી લોકસભા ચૂંટણીની વ્યૂહનીતિ, માયાવતીએ કહ્યું- 'હવે મફતમાં કોઈને સમર્થન નહીં'

માયાવતીએ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
બસપાએ જાહેર કરી આગામી લોકસભા ચૂંટણીની વ્યૂહનીતિ, માયાવતીએ કહ્યું- 'હવે મફતમાં કોઈને સમર્થન નહીં' 1 - image


Mayawati Press Conference: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનો આજે 68મો જન્મદિવસ છે, આ અવસરે માયાવતીએ લખનઉમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ,કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યો હતા. આ સાથે તેમણે આગામી લોકસભા ચૂટણી એકલા હાથે લડવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે,'બસપા હવે પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે અને હવે મફતમાં કોઈને સમર્થન નહીં આપે.'

માયાવતીએ જણાવ્યું હતું કે, "પાર્ટી સાથે જોડાયેલા લોકો 15મી જાન્યુઆરીએ મારા જન્મદિવસને જન 'કલ્યાણકારી દિવસ' તરીકે ઉજવે છે.જ્યારે ઉત્તર પ્રદેશમાં આમારી સરકાર હતી ત્યારે અમે દલિતો, મુસ્લિમ અને ગરીબો સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કર્યું છે. અમારી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની નકલ અન્ય પક્ષોની સરકારો દ્વારા કરવામાં આવી રહી છે."

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા અંગે માયાવતીએ શું કહ્યું?

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, "મને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે, પરંતુ હું અન્ય કોઈ કામમાં વ્યસ્ત હોવાથી મેં કોઈ નિર્ણય લીધો નથી. અમે 22મી જાન્યુઆરીમાં યોજાનાર કાર્યક્રમનું સ્વાગત કરીએ છીએ. અમે બાબરી મસ્જિદને લગતા ભવિષ્યના કોઈપણ કાર્યક્રમનું પણ સ્વાગત કરીએ છીએ. અમે તમામ ધર્મોની સમાનતાની વિચારધારામાં વિશ્વાસ કરીએ છીએ."

લોકસભાની ચૂંટણીને લઈને માયાવતીએ જણાવ્યું કે, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.'

માયાવતીએ કહ્યું, 'આકાશ આનંદને મારા રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. ત્યાર બાદ એવી અટકળો ચાલી રહી છે કે હું રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકું છું. પરંતુ સ્પષ્ટ કરવા માંગુ છું કે હું રાજનીતિમાં જ રહીશ અને પક્ષને મજબૂત બનાવવાની દિશામાં કામ કરીશ.'



Google NewsGoogle News