માયાવતીએ ભત્રીજા આકાશને ફરી ઉત્તરાધિકારી જાહેર કર્યા, રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Mayawati And Akash Anand

Mayawati Declared Akash Anand As Her Successor : બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ફરી ઉત્તરાધિકારી જાહેર કરવાની સાથે રાષ્ટ્રીય સંયોજકની પણ જવાબદારી સોંપી છે. આકાશને એક દિવસ પહેલા જ ઉત્તરાખંડ પેટા-ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચાર બનાવ્યા હતા. માયાવતીએ લખનઉમાં બસપાના તમામ પ્રદેશ પ્રમુખોની બેઠક યોજી હતી, જેમાં આકાશ પણ ઉપસ્થિત હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ માયાવતીએ ભત્રીજાના માથે પ્રેમથી હાથ મુકી, પીઠ થપથપાઈ હતી.

લોકસભા ચૂંટણીમાં માયાવતીએ ભત્રીજાની કરી હતી ટીકા

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન માયાવતી (Mayawati)એ આકાશ આનંદ (Akash Anand) અંગે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. તેમણે ભત્રીજાને અપરિપક્વ ગણાવી પાર્ટીના નેશનલ કો-ઓર્ડિનેટર પદ પરથી હટાવી દીધો હતો. આ ઉપરાંત તેમણે પરિપક્વ ન હોવાના કારણે પોતાનો ઉત્તરાધિકારી પણ બનાવવાનો ઈન્કાર કરી દીધો હતો. વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં આકાશે આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રેલીમાં વિરોધી પાર્ટી પર હાવી થઈ આક્રમક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ તેમના ઘણા ભાષણોની ચર્ચાઓ થઈ હતી.

માયાવતીએ આકાશ સામે કરી હતી કાર્યવાહી

આકાશે એક ભાષણમાં ભાજપને આતંકવાદી કહેતા તેમની સામે એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ માયાવતીએ તેમને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવ્યા બાદ કહ્યું હતું કે, તેમણે વધુ પરિપક્વ થવાની જરૂર છે. લોકસભા ચૂંટણીમાં બસપા બેકફુટ પર આવી ગઈ હતી. ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. એટલું જ નહીં પાર્ટીને મળતા મતોની ટકાવારીમાં પણ 19 ટકાનો ઘટાડો થયો હતો. આ વખતે પાર્ટીના માત્ર 10 ટકાની આસપાસ મત મળ્યા હતા. રાજકીય નિષ્ણાંતોનો મતે, આકાશના તેવરોથી પાર્ટીમાં નવો પ્રાણ ફુંકાયો છે.

આકાશ આનંદની રાજકીય સફર

આકાશે રાષ્ટ્રીય સંયોજક પદથી રાજકારણમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. માયાવતીના સંગઠનને મજબૂતી સાથે ઉભુ કરવા અને ચૂંટણી પ્રચાર કરવા માટે આકાશ આનંદને પ્રથમવાર રાષ્ટ્રીય સંયોજક બનાવાયા હતા. ત્યારબાદ 2023માં 10મી ડિસેમ્બરે માયાવતીએ આકાશને ઉત્તરાધીકારી જાહેર કર્યો હતો. આકાશે લોકસભા ચૂંટણીમાં દમદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. 

આકાશ આનંદ બસપાના સ્ટાર પ્રચારક

શનિવારે ઉત્તરાખંડમાં યોજાનારી પેટા-ચૂંટણીમાં આકાશને પાર્ટીનો સ્ટાર પ્રચારક બનાવાયો હતો. પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે પાર્ટીએ પોતાના 13 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં BSP ચીફ માયાવતીનું નામ પ્રથમ સ્થાને છે અને આકાશ આનંદનું નામ બીજા ક્રમાંકે છે. જેના પરથી સ્પષ્ટ થયું હતું કે, આકાશ આનંદે ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ઉત્તરાખંડની બે વિધાનસભા બેઠકો અને પંજાબની એક વિધાનસભા બેઠક પર 10 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.

રાજકારણમાં બહુજન સમાજ પાર્ટીની ચડતી-પડતી

  • 2014ની લોકસભા ચૂંટણીમાં બસપાએ એક પણ બેઠક જીતી ન હતી, જોકે વિધાનસભામાં તેના 19 ધારાસભ્યો હતા
  • 2019ની લોકસભા ચૂંટણીમાં બસપાએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી રાજ્યમાં 10 લોકસભા બેઠકો જીતી હતી
  • 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાના માત્ર એક જ ધારાસભ્યની જીત થઈ હતી
  • 2024ની લોકસભા ચૂંટણીમાં બસપાનો તદ્દન નિષ્ફળ ગઈ હતી અને એકપણ બેઠક જીતી શકી ન હતી

Google NewsGoogle News