રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે આ 2 કલાકના સમયગાળામાં થાય છે સૌથી વધુ અકસ્માત, આ વર્ષે 225 લોકોએ ગુમાવ્યા જીવ
Image Source: Twitter
- છેલ્લા બે વર્ષોથી સતત રાત્રે 10:00 થી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોત થઈ રહ્યા છે
નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર 2023, ગુરૂવાર
દેશની રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતની ઘટના ગત વર્ષે બની છે. આ ખુલાસો દિલ્હી ટ્રાફિક પોલીસના એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, છેલ્લા બે વર્ષોથી સતત રાત્રે 10:00 થી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોત થઈ રહ્યા છે. વર્ષ 2021માં આ બે કલાક દરમિયાન 219 લોકોના મોત થયા હતા ત્યારે બીજી તરફ વર્ષ 2022માં 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે દિવસના મુકાબલે રાત્રે વધુ જીવલેણ માર્ગ અકસ્માત સર્જાય છે. વર્ષ 2022માં દિવસમાં દિવસે 622 જીવલેણ અકસ્માત થયા હતા તો રાત્રે 806 ઘટના નોંધાઈ હતી. ટ્રાફિક પોલીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, વર્ષ 2022માં રાત્રે 10:00 થી 12:00 વાગ્યાની વચ્ચે સૌથી વધુ માર્ગ અક્સમાત થયા જેમાં 225 લોકોના મોત થઈ ગયા હતા.
રાત્રે 12:00 થી 2:00 વાગ્યા વચ્ચે 177 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે રાત્રે 8:00થી 10:00 વાગ્યા વચ્ચે 163 લોકોનો મોત થઈ ગયા. સવારે 10:00 થી 12:00 વાગ્યા વચ્ચે સૌથી ઓછા 83 જીવલેણ અકસ્માત સર્જાયા હતા. સોમવારના દિવસે સૌથી વધુ ઘટના બની હતી. ટ્રાફિક પોલીસના રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ 2021માં મંગળવારે સૌથી ઓછા જીવલેણ માર્ગ અકસ્માત (152) થયા. બીજી તરફ વર્ષ 2022માં બુધવારે સૌથી ઓછા જીવલેણ માર્ગ અકસ્માત (180) નોંધાયા.
દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, 2021ની સરખામણીમાં 2022માં રાજધાનીમાં માર્ગ અકસ્માતમાં 25 ટકા વધુ મોત થયા છે. વર્ષ 2021માં માર્ગ અકસ્માતમાં 504 લોકોના મોત થયા હતા જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં 629 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2022માં ટુ-વ્હીલર સવારોને કારણે થતા મૃત્યુમાં પણ 18%નો વધારો થયો છે. વર્ષ 2021માં 472 ટુ-વ્હીલર સવારોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં 552 ટુ-વ્હીલર સવારોના મોત થયા હતા.