કાળું નાણું સગેવગે કરવા કુખ્યાત મોરેશિયસ રૂટ, જાણો મની લોન્ડરિંગમાં કેવી રીતે તેનો ઉપયોગ થાય છે!

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
કાળું નાણું સગેવગે કરવા કુખ્યાત મોરેશિયસ રૂટ, જાણો મની લોન્ડરિંગમાં કેવી રીતે તેનો ઉપયોગ થાય છે! 1 - image


Mauritius Route: વર્ષ 2023માં ગૌતમ અદાણી (Gautam Adani) પર નાણાકીય ગેરરીતિનો આરોપ મૂકીને ચર્ચાસ્પદ બનેલી અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) તાજેતરમાં સેબીના વડા માધબી પુરી બુચ (Madhabi Puri Buch) અને તેમના પતિ ધવલ બુચ (Dhaval Buch) પર આરોપ લગાવ્યો છે કે, ‘એમણે અદાણી સાથે સંકળાયેલા મોરેશિયસ ફંડ્સમાં રોકાણ કર્યું છે; બંનેએ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી (Vinod Adani)ની જેમ જ જટિલ માળખાનો ઉપયોગ કરીને ફંડમાં નાણાંનું રોકાણ કર્યું છે.’ જે ફંડમાં પૈસા રોકવાનો આરોપ લગાવાયો છે તેનું નામ 'આઈપીઈ પ્લસ ફંડ' છે, જે મોરેશિયસમાં નોંધાયેલું છે. આ આરોપને કારણે મોરેશિયસ રૂટ દ્વારા થતું મની લોન્ડરિંગ ફરી ચર્ચામાં આવી ગયું છે. ચાલો જાણીએ કે શું છે આ મોરેશિયસ રૂટ અને કાળાં નાણાંને ધોળા કરવા માટે કઈ રીતે એનો ઉપયોગ થાય છે.

'કુખ્યાત ગલી' ગણાતો મોરેશિયસ રૂટ 

હિંડનબર્ગ દ્વારા 2023માં અદાણી ગ્રૂપ પર પણ 'કુખ્યાત ગલી' ગણાતા મોરેશિયસ રૂટ (Mauritius route) દ્વારા જ કાળું નાણું ડાયવર્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે આ ગલી હિંડનબર્ગ રિસર્ચનો ઉદય થયો એ અગાઉથી જ બ્લેક મની લોન્ડરિંગ માટે કુખ્યાત રહી છે. એને કારણે શેરબજારમાં સમયાંતરે હોબાળો થતો રહે છે, કૌભાંડના આક્ષેપો થતા રહે છે. 

આ રીતે થાય છે ‘મોરેશિયસ રૂટ’ થકી ભારતમાં પૈસાનું રોકાણ 

ભારતના ધનકુબેરો પાસે રહેલા કાળાં નાણાંંને ધોળું કરી આપતો રસ્તો છે ‘મોરેશિયસ રૂટ’. ભારતમાંથી કાળું નાણું મોરેશિયસ લઈ જઈને એ નાણું ત્યાંથી ફરી ભારતીય બજારમાં પાછું લાવવાનું માધ્યમ બની ગયો છે આ રૂટ. અમેરિકા, સિંગાપોર અને લક્ઝમબર્ગ પછી ભારત માટે ‘ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ’ (FPI)નો ચોથો સૌથી મોટો સ્ત્રોત મોરેશિયસ છે. ભારતીય કંપનીઓ મોરેશિયસ અને ભારત વચ્ચેના 'ડબલ ટેક્સ બચાવ' કરારની આડમાં મોરેશિયસમાં નકલી કંપનીઓ બનાવે છે અને પછી ભારતથી મોરેશિયસ મોકલવામાં આવેલા કાળાં નાણાંંનું રોકાણ ભારતીય બજારમાં જ કરે છે. આ રીતે મોરેશિયસથી આવેલું ‘વિદેશી રોકાણ’ મૂળ ભારતનું કાળું નાણું હોવા છતાં ‘ધોળું’ ગણાઈ જાય છે. આ તો ભરપૂર પાપ કરીને પછી ગંગામાં ડુબકી મારીને ‘ઉજળા’ થઈ જવા જેવું જ થયુંને?

આટલું રોકાણ આવ્યું મોરેશિયસથી

માર્ચ 2024ના અંત સુધીમાં મોરેશિયસથી ભારતમાં FPI રોકાણ રૂપિયા 4.19 લાખ કરોડનું થયું છે, જે ભારતમાં થયેલા કુલ FPI રોકાણ (રૂપિયા 69.54 લાખ કરોડ)ના 6 ટકા જેટલું થાય છે. માર્ચ 2023 ના અંત સુધીમાં આ આંકડો 3.25 લાખ કરોડ રૂપિયા હતો. વર્ષ 2001 થી 2011 સુધીમાં ભારતમાં આવેલા કુલ વિદેશી રોકાણમાંથી 39.6 ટકા એકલા મોરેશિયસમાંથી આવ્યા હતા. એક નાનકડા ટાપુ દેશમાંથી આવેલું આટલું તોતિંગ રોકાણ એના મૂળ બાબતે પ્રશ્નો તો ઊભા કરે જ ને?

મોરેશિયસ ટેક્સ હેવન છે

દુનિયામાં અમુક દેશ ‘ટેક્સ હેવન’ ગણાય છે. ‘ટેક્સ હેવન’ એવા દેશોને કહેવાય છે જ્યાં ટેક્સ સાવ ઓછો હોય. લક્ઝમબર્ગ, કેમેન ટાપુઓ, બર્મુડા, સ્વિત્ઝર્લેન્ડ, બ્રિટીશ વર્જિન ટાપુઓ, બહામાસ અને મોરેશિયસ જેવા દેશ ટેક્સ હેવન ગણાય છે. આ દેશોનું લક્ષ્ય એ જ કે ટેક્સ ઓછો રાખીએ તો દુનિયાભરના લોકો નાણાંનું રોકાણ એમના દેશની બેંકોમાં અથવા ધંધાઓમાં કરે, જેથી એમની તિજોરી તગડી થતી રહે. એવું ન માનશો કે, ટેક્સ હેવનમાં થતું બધ્ધેબધ્ધું રોકાણ કાળું નાણું જ હોય. પોતાના દેશમાં વધારે ટેક્સ હોવાથી લોકો કાયદેસર કમાયેલું ધન પણ ટેક્સ હેવન દેશોમાં રાખતા હોય છે.

મોરેશિયસ જ શા માટે? 

ભારત અને મોરેશિયસ વચ્ચે ખાસ પ્રકારનો ‘ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ’ (DTAA) નામનો કરાર થયો છે, જેને લીધે બંને દેશોએ વ્યાવસાયિક કંપનીઓને ડબલ ટેક્સેશનમાંથી મુક્તિ આપી છે. તેનો અર્થ એ કે કંપનીઓએ ભારત અથવા મોરેશિયસ એમ ફક્ત એક જ દેશમાં ટેક્સ ભરવાનો થાય છે. ભારતની સરખામણીમાં મોરેશિયસમાં નજીવો ટેક્સ ભરવો પડતો હોવાથી સ્વાભાવિક છે કે મોટાભાગની કંપનીઓ મોરેશિયસમાં જ ટેક્સ ભરવાનું પસંદ કરે.

કેવી રીતે કામ કરે છે મોરેશિયસ રૂટ?

મોરેશિયસમાં કાળું નાણું મોકલવાના ઘણાં રસ્તા છે. જેમ કે, નકલી નિકાસ, ઓવર ઇન્વોઇસિંગ (હોય એના કરતાં મોટી કિંમતના બિલ બનાવવા) અથવા હવાલા. ભારતના લોકો મોરેશિયસમાં ‘શેલ કંપની’ ખોલે છે. શેલ કંપની એટલે એવી કંપની જેનું અસ્તિત્વ ફક્ત કાગળ પર હોય છે. કાળાં નાણાંંને થાળે પાડવા માટે મોરેશિયસમાં ખોલવામાં આવેલી શેલ કંપની એ જ કાળાં નાણાંની લોન ભારતમાં બીજી કંપનીઓને આપે છે. એ લોન પર ભારતીય કંપની શેલ કંપનીને વ્યાજ ચૂકવે છે. શેલ કંપનીને જે વ્યાજ મળે એ ધોળું નાણું હોય છે. આ રીતે કાળાં નાણાંને કાયદેસર બનાવવામાં આવે છે. 

વિશેષ કરારનો દુરુપયોગ થાય છે

ભારત-મોરેશિયસ વચ્ચે થયેલા DTAA કરારને કારણે મોરેશિયસમાં ચૂકવવામાં આવેલી વ્યાજની આવક ભારતમાં કરપાત્ર નથી હોતી, કેમ કે એના પર મોરેશિયસમાં જ નજીવો ટેક્સ ચૂકવી દેવામાં આવે છે. ધાંધલીબાજ ભારતીયો વિદેશી નાગરિકો સાથે મળીને મોરેશિયસમાં કંપનીઓ બનાવે છે અને પછી એ કંપની દ્વારા ભારતીય શેરબજારમાં ભારતીય નાણાનું રોકાણ કરે છે. બજારને લાગે છે કે વિદેશી રોકાણ થઈ રહ્યું છે. જ્યારે વાસ્તવમાં તે ભારતમાંથી પહેલાં મોરેશિયસને મોકલવામાં આવેલા કાળાં નાણાં જ હોય છે.

આ પણ વાંચો : હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની?

કોઈ ઉપાય છે આ ગેરરીતિ રોકવાનો?

ભારતને નુકસાનકારક એવી આ ગેરરીતિ અટકાવવા હવે ભારત-મોરેશિયસ કરારમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ કંપનીએ માત્ર ઓછો ટેક્સ ભરવા માટે જ મોરેશિયસનો માર્ગ પસંદ કર્યો હોય તો તેને DTAA કરારનો લાભ નહીં મળે. ભારત સરકાર હવે તપાસ કરી શકશે કે કોઈ કંપની કરારનો દુરુપયોગ કરી રહી છે કે કેમ. એ માટે કરારમાં નવો નિયમ ‘પ્રિન્સિપલ પર્પઝ ટેસ્ટ’ (PPT) સામેલ કરવામાં આવ્યો છે. જો એવું સાબિત થાય છે કે કોઈ પણ કંપનીનો નાણાકીય વ્યવહાર ફક્ત કર ચૂકવવાનું ટાળવા માટે કરવામાં આવ્યો હતો, તો તેને આ કરારના દાયરામાં ગણવામાં આવશે નહીં. કરારમાં કરવામાં આવેલા આ સુધારાથી મોરેશિયસ રૂટની ‘કુખ્યાત ગલી’માં ભારતીય ધનપતિઓના આંટાફેરા પર લગામ લાગશે કે પછી તિકડમબાજો નવો કોઈ દાવ અજમાવીને કાળાને ધોળા કરવાનું જારી રાખશે, એ તો સમય જ કહેશે.

આ પણ વાંચો : હિંડનબર્ગના લેટેસ્ટ ધડાકાની કઈ કઈ કંપનીના શેર્સ પર થઈ શકે છે અસર? રોકાણકારો ખાસ વાંચે

કાળું નાણું સગેવગે કરવા કુખ્યાત મોરેશિયસ રૂટ, જાણો મની લોન્ડરિંગમાં કેવી રીતે તેનો ઉપયોગ થાય છે! 2 - image


Google NewsGoogle News