'જે મુસ્લિમો નવા વર્ષની ઉજવણી કરે તે ગેર-ઈસ્લામિક છે', મૌલાના બરેલવીએ જાહેર કર્યો ફતવો
Fatwa On New Year Celebration : નવું વર્ષ 2025ને હવે ફક્ત બે દિવસો બાકી છે, ત્યારે લોકો તેની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. આ બધાની વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ આજે રવિવારે નવા વર્ષની ઉજવણી કરવા અંગે ફતવો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, 'મુસ્લિમો માટે નવા વર્ષની ઉજવણી કરવી ગેરકાનૂની છે.' રઝવીના જણાવ્યા અનુસાર, આ ફતવો ચશ્મે દરફ્તા બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
નવા વર્ષને લઈને ફતવો કર્યો જાહેર
મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે, 'અમે નવા વર્ષ અંગે ફતવો બહાર પાડ્યો છે કે, યુવક-યુવતીઓ માટે નવા વર્ષની ઉજવણી કરવી યોગ્ય નથી. ફતવામાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઈએ અને ન તો અભિનંદન આપવા જોઈએ.'
'જો કોઈપણ નવા વર્ષની ઉજવણી કરશે તો એ બિન-ઈસ્લામિક છે'
મૌલાનાએ કહ્યું કે, 'નવા વર્ષની ઉજવણી એ ખ્રિસ્તીઓનું ધાર્મિક કાર્ય છે અને કોઈપણ બિન-ધાર્મિક તહેવારની ઉજવણી કરવી એ મુસ્લિમો માટે સખ્ત વિરોધી છે. નવા વર્ષની ઉજવણી મુસ્લિમો માટે ગેરકાયદેસર છે અને ખાસ કરીને મુસ્લિમ યુવક-યુવતીઓએ નવા વર્ષની ઉજવણી ન કરવી જોઈએ. જો કોઈપણ નવા વર્ષની ઉજવણી કરશે તો એ ગેર-ઈસ્લામિક છે અને કોઈપણ મુસ્લિમ જે નવું વર્ષ ઉજવશે તે શરિયતની વિરુદ્ધ ગણાશે.'
આ દરમિયાન લેખક સલમાન રશ્દીનું પુસ્તક 'ધ સેટેનિક વર્સીસ' દેશમાં પ્રતિબંધિત થયાના ત્રણ દાયકા પછી વેચાણ માટે ઉપલબ્ધ હોવાના સમાચાર સામે બરેલવીએ વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે 'પ્રતિબંધ ચાલુ રાખવો જોઈએ.'