મથુરા: રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા આવેલા બે શ્રદ્ધાળુઓના ભારે ભીડ વચ્ચે શ્વાસ રૂંધાવાથી મોત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
મથુરા: રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા આવેલા બે શ્રદ્ધાળુઓના ભારે ભીડ વચ્ચે શ્વાસ રૂંધાવાથી મોત 1 - image

Image Source: Twitter

- મહિલા શ્રદ્ધાળુ ડાયાબિટીસથી પીડિત હતી

બરસાના/મથુરા, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવેલા બે શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. 

અભિષેક દરમિયાન શ્રદ્ધાળુઓના મોત

આ દુર્ઘટના આજે સવારે લાડલી જી મંદિરમાં અભિષેક દર્શન દરમિયાન બની હતી. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુ સામેલ છે. પ્રયાગરાજની રહેવાસી 60 વર્ષીય શ્રદ્ધાળુ રાજમણિ રાધારાણીના દર્શન કરવા માટે પોતાના પરિવાર સાથે બરસાના પહોંચી હતી. સવારે 4:00 વાગ્યે અભિષેક દર્શન માટે શ્રદ્ધાળુ સીડીઓથી લાડલી જી મંદિર જઈ રહી હતી. આ દરમિયાન ભીડના દબાણમાં તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. 

મહિલા શ્રદ્ધાળુને તેના સંબંધીઓ અને પોલીસ સીએચસીમાં લઈ ગયા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ સુદામા ચોકમાં ભીડના દબાણ હેઠળ અન્ય એક વૃદ્ધ બેહોશ થઈ ગયા હતા. તેમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતકની ઓળખ નથી થઈ શકી. 

સીએચસી પ્રભારી ડો. મનોજ વશિષ્ઠે જણાવ્યું કે, બંને જ શ્રદ્ધાળુઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મહિલા શ્રદ્ધાળુ ડાયાબિટીસથી પીડિત હતી. 


Google NewsGoogle News