મથુરા : શાહી ઇદગાહ મસ્જિદની 'કોર્ટ સુપરવાઇઝડ સર્વે' ઉપર સર્વોચ્ચ અદાલતે આપેલો પ્રતિબંધક આદેશ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
મથુરા : શાહી ઇદગાહ મસ્જિદની 'કોર્ટ સુપરવાઇઝડ સર્વે' ઉપર સર્વોચ્ચ અદાલતે આપેલો પ્રતિબંધક આદેશ 1 - image


- અલ્હાબાદ હાઇક્રોટે મથુરા સ્થિત શાહી ઇદગાહ મસ્જિદની કોર્ટ સુપરવાઇઝડ સર્વે માટે મંજૂરી આપી હતી તે પર સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે આજે (મંગળવારે) ૧૭મી સદીમાં રચાયેલી મથુરાની શાહી ઇદગાહ મસ્જિદના સર્વે માટે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલી મંજૂરી ઉપર સ્ટે આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે વારાણસી સ્થિત જ્ઞાાનવાપી મસ્જિદની કોર્ટ દ્વારા નિયુક્ત એડવોકેટનાં સુપરવિઝન નીચે, સર્વે કરવા અલ્હાબાદ હાઈકોર્ટે ગયા મહિને મંજૂરી આપી હતી. જ્યારે આજે મંગળવારે ન્યાયમૂર્તિઓ સર્વ શ્રી સંજીવ ખન્ના અને દીવંકર દત્તાએ અલ્હાબાદ હાઈકોર્ટે તે હુક્મ ઉપર સ્ટે મુકતાં જણાવ્યું હતું કે એ મસ્જિદની સર્વે માટે કમિશ્નરની નિયુક્તિ કરવા પાછળનો હેતુ બહુ અસ્પષ્ટ છે. તમે 'કોર્ટ કમિશ્નર' નિયુક્ત કરવા માટે અસ્પષ્ટ અરજી તો કરી જ ન શકો, અને મનના તરંગો પ્રમાણે કમિશ્નર નિયુક્ત કરવા જણાવી ન શકો, તે પાછળનો હેતુ બહુ જ સ્પષ્ટ રીતે જણાવવો જોઇએ. બધી જ તપાસ કરવાનું તમે કોર્ટ ઉપર છોડી ન શકો.

સર્વોચ્ચ અદાલત સમક્ષ મુસ્લીમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના તે હુક્મને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં કમીશ્નરને તે મસ્જિદની મુલાકાત લેવા સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

હિન્દુ-સંગઠનોએ જણાવ્યું હતું કે તે મસ્જિદ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મ સ્થળ ઉપર બાંધવામાં આવી છે. તેથી તેની સર્વે થવી જોઇએ, તેવી માગણી કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક કોર્ટે મંજૂરી પણ આપી હતી, અને સ્થાનિક કોર્ટનો તે હુક્મ હાઈકોર્ટે પણ સ્વીકાર્યો હતો. તેથી મુસ્લીમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

હિન્દુ પક્ષે તેની અરજીમાં એ ૧૩.૩૭ એકરમાં પથરાયેલી તે વિવાદાસ્પદ મિલ્કત ઉપર સંપૂર્ણ કબ્જો માગ્યો હતો અને જણાવ્યું હતું કે સૈકાઓ જૂની તે મસ્જિદ, પહેલાં ત્યાં રહેવાં કત્રા-કેશવદેવ મંદિર તોડી તેની ઉપર બાંધવામાં આવી હતી. તે હુક્મ મુઘલ સુલતાન ઔરંગઝેબે કર્યો હતો.

આ અરજીમાં અરજદારોએ પુરાવા તરીકે તે મસ્જિદની દિવાલો ઉપર રહેલાં અનેક કમળ કલાકૃતિઓ તથા શેષનાગની કોતરેલી આકૃતિઓનો સંદર્ભ આપ્યો હતો. હિન્દુ પુરાણો પ્રમાણે શેષનાગ અર્ધ દેવ તરીકે પુજવામાં આવે છે, તેમ પણ તે અરજીમાં જણાવવામાં આવ્યું છે.

આ પૂર્વે મુસ્લીમ પક્ષે પ્લેસીઝ ઓફ વર્શિપ એક્ટ ૧૯૫૧ ટાંક્યો હતો, જે પ્રમાણે જે કોઈ ધાર્મિક સ્થળ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે હોય, તેને તે જ સ્થિતિમાં રહેવા દેવા જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News