અયોધ્યા: ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં માતા સીતાની મૂર્તિની સ્થાપના નહીં થાય, માત્ર રામલલા જ બિરાજશે, જાણો કારણ
Image Source: Twitter
લખનૌ, તા. 30 ડિસેમ્બર 2023 શનિવાર
700 એકરમાં બનેલુ ભવ્ય રામ મંદિર અત્યારે ખૂબ ચર્ચામાં છે. અયોધ્યાનું આ મંદિર 500 વર્ષની લડતની જીત, ધાર્મિક આસ્થા, પૌરાણિક માન્યતા, વિશ્વાસ અને ભગવાન રામની જન્મભૂમિ સાથે જોડાયેલુ છે.
મંદિરનું કાર્ય લગભગ પૂરુ થઈ ચૂક્યુ છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. જે માટે 22 જાન્યુઆરી 2024ની તારીખ નક્કી થઈ છે. 22 જાન્યુઆરી 2024નો સ્વર્ણિમ દિવસ ઈતિહાસના પાનામાં નોંધાઈ જશે. સનાતન પ્રેમીઓ માટે ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કોઈ વિશાળ ઉત્સવની જેમ છે.
અયોધ્યામાં મુખ્ય મંદિર સિવાય જન્મભૂમિ પરિસરમાં 7 અન્ય મંદિર બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યુ છે. જેમાં ભગવાનના ગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વાલ્મીકિ, અગસ્ત્ય મુનિ, રામભક્ત કેવટ, નિષાદરાજ અને માતા શબરીના મંદિર સામેલ છે. 2024ના અંત સુધી આ મંદિરોનું કાર્ય પણ પૂરુ થઈ જશે. પરંતુ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં માતા સીતાની મૂર્તિ હશે નહીં. રામ-સીતાના સાથે હોવાનો ઉલ્લેખ રામચરિતમાનસના આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. જેમાં નીલકમલ સમાન શ્યામ અને કોમળ જેના અંગ છે, શ્રીસીતાજી જેમના વામ-ભાગમાં બિરાજમાન છે અને જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશના સ્વામી શ્રીરામચન્દ્રજીને હુ નમસ્કાર કરુ છુ. રામચરિતમાનસના આ શ્લોકમાં પણ રામજી અને માતા સીતાની સાથે રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પછી અયોધ્યાના રામ મંદિરમાં કેમ માતા સીતાની મૂર્તિ હશે નહીં.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે મંદિર પરિસરના જે ગર્ભગૃહમાં રામલલા બિરાજશે, ત્યાં માતા સીતાની કોઈ મૂર્તિ હશે નહીં. અહીં માત્ર રામલલાની મૂર્તિ બિરાજશે. અહીં રામલલાની મૂર્તિ 5 વર્ષના બાળક સ્વરૂપે બિરાજશે. એટલે કે આ ભગવાનનું એવુ સ્વરૂપ હશે જેમાં તેમના લગ્ન થયા હશે નહીં.
આ જ કારણ છે કે અહીં માતા સીતાની મૂર્તિ રહેશે નહીં. કેમ કે અહીં રામલલા બાળક સ્વરૂપે બિરાજમાન થશે. ભગવાન રામના જ્યારે માતા સીતા સાથે લગ્ન થયા હતા ત્યારે તેમની ઉંમર 27 વર્ષની હતી. તેનું વર્ણન તુલસીદાસજી દ્વારા લેખિત રામચરિતમાનસમાં એક દુહોમાં કરવામાં આવ્યુ છે.
દુહો:
वर्ष अठारह की सिया, सत्ताईस के राम।
कीन्हो मन अभिलाष तब, करनो है सुर काम।।