NEET પેપર લીકના માસ્ટર માઇન્ડની ધરપકડ: CBIએ MBBSના બે વિદ્યાર્થીઓને પણ દબોચ્યા
NEET-UG Paper Leak Case : NEET-UG પેપર લીક કેસમાં CBI સતત એક્શન મોડમાં કામ કરી રહી છે, ત્યારે એજન્સી દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પેપર લીક ગેંગના માસ્ટર માઇન્ડ શશિકાંત પાસવાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પેપર લીક ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
પેપર લીક ગેંગના માસ્ટર માઇન્ડ શશિકાંતની સાથે બે વિદ્યાર્થીઓની ધરપકડ
CBI દ્વારા ધરપકડ કરાયેલા આરોપી ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. શશિકાંતના સહયોગી પંકજ અને રાજુની પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી. 5મી મેના દિવસે હજારીબાગમાં પેપર સોલ્વ કરવા માટે આરોપીઓ હાજર રહ્યાં હતા. જ્યારે ધરપકડ કરાયેલા વિદ્યાર્થી કુમાર મંગલમ અને દીપેન્દ્ર શર્મા પ્રથમ વર્ષનો અને બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો : NEET UGમાં રાજકોટના એક જ પરીક્ષા કેન્દ્રના 12 વિદ્યાર્થીના 700થી વધારે માર્કથી અનેક તર્કવિતર્ક
રાંચીમાંથી MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત
આ પહેલા 19 જુલાઈના દિવસે CBI એ NEET-UG પેપર લીક કેસમાં ઝારખંડના રાંચીમાંથી MBBS ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. જ્યારે રામગઢ જિલ્લાની રહેવાસી સુરભી કુમારીની 2023ની બેચમાં રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)ની વિદ્યાર્થિની હોવાની ઓળખ થઈ હતી. જેમાં સુરભી સામે 5 મેના દિવસે હજારીબાગમાં પેપર સોલ્વ કરવા માટે પહોંચી હોવાનો આરોપ છે.
પટનાની હોટલમાં જઈને AIIMS ના વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યું
18 જુલાઈએ CBI એ પેપર લીક કેસમાં પટનાની અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાનના (AIIMS) ચાર MBBS ના વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પેપર લીકને લઈને પટના AIIMS ના વિદ્યાર્થીઓ પર નાલંદાની કુખ્યાત સોલ્વર ગેંગને મદદ કરવાનો આરોપ છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચમા વ્યક્તિની ઓળખ સુરેન્દ્ર કુમાર તરીકે થઈ છે. બીજી તરફ, પેપર લીક અંગે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, 5 મેના રોજ લેવાયેલી પરીક્ષાના પેપરને સોલ્વ કરવા માટે પટના AIIMS ના વિદ્યાર્થીઓને પટનાની એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.