સંભલ હિંસાના પ્રત્યક્ષદર્શીનો દાવો - હિંસા બહારના લોકોએ કરી, મસ્જિદમાં એનાઉન્સમેન્ટ થયું પણ...
Image Source: Twitter
Sambhal Violence: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વેને લઈને ફાટી નીકળેલી હિંસામાં ચાર લોકોના મોત થયા છે. આ દરમિયાન ચાર અધિકારીઓ સહિત 19 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા છે અને લાઠીચાર્જ કર્યો છે. આ ઉપરાંત ખૂણે-ખૂણે પોલીસ દળો તેહનાત કરવામાં આવ્યા છે અને ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે સંભલ હિંસાના પ્રત્યક્ષદર્શી હિંસા સમયેના દ્રશ્યનું વર્ણન કર્યું છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'અમે ઘરની બહાર નીકળીને જોયું તો હંગામો થઈ રહ્યો હતો. અમે ઘર બંધ કરી દીધું હતું. મસ્જિદમાં એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું કે, ગભરાવો નહીં, શાંતિ જાળવો, આવું કંઈ નથી થયું. પંરતુ પબ્લિકનો આક્રોશ એટલો હતો કે તેઓ એક વાત ન માન્યા.'
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા મામલે સપાના સાંસદ અને ધારાસભ્યોને પણ બનાવાયા આરોપી
હિંસા બહારના લોકોએ કરી
તેમણે કહ્યું કે, 'જેટલા પણ લોકો હિંસા કરી રહ્યા હતા, તેઓ અહીંના નહોતા, આ હિંસા બહારના લોકોએ કરી છે. કારણ કે, અમે તો કામમાંથી જ નવરા નથી પડતા. અહીં તો ઘરના લોકો ઘરની અંદરથી નીકળ્યા જ નથી. અમે તો ગેટ બંધ કરી દીધા હતા, કારણ કે, પથ્થરમારો થઈ રહ્યો હતો અને પથ્થર ઘરની અંદર આવી રહ્યા હતા.'
આ પણ વાંચો: Explainer: સંભલ જામા મસ્જિદ વિવાદ, અહીં મંદિર હતું કે નહીં એવો સરવે કરવાની જરૂર કેમ પડી?
સંભલ હિંસામાં 800 બદમાશો પર કેસ નોંધાયા
પોલીસે સંભલ હિંસા મામલે સાત FIR નોંધી છે, જેમાં 800 બદમાશો સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત સંભલના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સોહેલ ઈકબાલ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. સંભલ એસપીએ જણાવ્યું કે, બદમાશોની ઓળખ કરવા માટે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રોનથી બદમાશોની નાની-નાની તસવીરો પણ લેવામાં આવી રહી છે. હાલમાં સંભલમાં કલમ 163 (અગાઉ 144) લાગુ છે અને આવતીકાલે એટલે કે મંગળવારે પણ ઈન્ટરનેટ સસ્પેન્ડ રહેશે. આ ઉપરાંત હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઘણા પોલીસ સ્ટેશનોની પોલીસ તેહનાત છે.