નક્સલી હુમલામાં શહીદ થનારા SIની બહેનના લગ્નમાં પહોંચી ગઈ આખી બટાલિયન, ભાઈની ફરજ નિભાવી
Battalion at Martyr's Sister's Wedding: CRPFની 205 કોબ્રા બટાલિયનના SI રોશન કુમાર 2019માં નક્સલવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. રોશનકુમારની એક માત્ર બહેનના આ વર્ષે લગ્ન નક્કી થયા હતા. પરિવારે આ અંગેની જાણકારી કોબ્રા બટાલિયનના અધિકારીઓ અને જવાનોને પણ આપી હતી. જે બાદ કોબ્રા બટાલિયનના સૈનિકો લગ્નના દિવસે બહેનને આશિર્વાદ આપવા આવ્યા હતા અને ભાઈની ફરજ નિભાવી હતી, એટલું જ નહીં તેઓએ આર્થિક મદદ પણ કરી હતી.
CRPF જવાનોની ઉદારતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની
લગ્નના દિવસે જે રીતે સીઆરપીએફના જવાનો ગામમાં પહોંચ્યા અને ભાઈની ખોટ પૂરી કરી, તે જોઈને ગામલોકો પણ નવાઈ પામ્યા હતા. બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચેલા જવાનોને જોઈ શહીદના પરિવારના સભ્યો પણ ભાવુક થયા હતા.
લગ્નમાં આવેલા કોબ્રા બટાલિયનના અધિકારીએ કહ્યું કે, સૈનિકોની ફરજ દેશની સેવા કરવાની હોય છે. રોશન પોતાની ફરજ નિભાવતાં શહીદ થયા હતા. શહીદની એકમાત્ર બહેનના લગ્નમાં પરિવારના સભ્યોને ભાઈની ખોટ ન વર્તાય તે માટે બટાલિયનના જવાનોએ લગ્નમાં હાજરી આપીને ભાઈનું ફરજ નિભાવી હતી. આ દરમિયાન લગ્નમાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.
લગ્નનો વીડિયો જવાનોએ પોતે જ પોસ્ટ કર્યો
શહીદ રોશનકુમારની બહેનના લગ્નનો ફોટો અને વીડિયો સૈનિકોએ ખુદ પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર શેર કર્યો હતા. શેર કરવામાં આવેલા વીડિયોમાં શહીદ જવાનની બહેનને કોબ્રા બટાલિયનના સૈનિકો વરમાળા માટે લઈ જવામાં આવી રહી છે. જ્યારે કેટલાક યુવાનો લગ્નની વ્યવસ્થા સંભાળી રહેલા જોવા મળે છે.
રોશન કુમાર 2 વર્ષ પહેલા શહીદ થયા હતા
CRPFની 205 કોબરા બટાલિયનમાં પોસ્ટિંગ દરમિયાન SI રોશન કુમાર શહીદ થયા હતા. માહિતી પ્રમાણે 13 ફેબ્રુઆરી 2019 ના રોજ અસુરૈન, પોલીસ સ્ટેશન - લુટુવા, જિલ્લા - ગયા, બિહારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં રોશન કુમાર પોતાની ફરજ બજાવતાં શહીદ થયા હતા.