ઓડિશામાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના: પરિણીત શખ્સે ગર્લફ્રેન્ડની હત્યા કરીને મૃતદેહના 31 ટૂકડા કર્યા
Image Source: Freepik
- મૃતક આદિવાસી યુવતીની ઉંમર માત્ર 22 વર્ષની હતી
નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2023, રવિવાર
એક યુવતીએ પોતાના પ્રેમની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી છે. તેને એવું દુ:ખદ મૃત્યુ આપવામાં આવ્યું કે, જેને સાંભળીને જ કંપારી છૂટી જશે. યુવતીનો દોષ માત્ર એટલો જ હતો કે, તે જે વ્યક્તિને પ્રેમ કરતી હતી અને જેની સાથે તે પોતાની આખી જીંદગી વિતાવવા માંગતી હતી તે પહેલાથી જ પરિણીત હતો. આમ છતાં યુવકે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને તેનો અંજામ યુવતીએ પોતાનો જીવ આપીને ભોગવવો પડ્યો.
આ મામલો ઓડિશાના નબરંગપુર જિલ્લાનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક આદિવાસી યુવતીની ઉંમર માત્ર 22 વર્ષની હતી. યુવતીના પિતાએ જણાવ્યું કે, તેની પુત્રી બુધવારે ઘરની બહાર નીકળી હતી. લાંબા સમય સુધી યુવતી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોને તેની ચિંતા થવા લાગી. ત્યારબાદ પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને આસપાસના વિસ્તારોમાં યુવતીની તલાશ શરૂ કરી. દરેક જગ્યાએ તલાશ કરવા છતાં યુવતીની કોઈ જાણ ન થતા પરિવારે પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જમીનની અંદર દટાયેલા હતા મૃતદેહના 31 ટૂકડા
બીજી તરફ રાયઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) આદિત્ય સેને જણાવ્યું કે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બરંગપુર જિલ્લાના એક જંગલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીને કેટલી દર્દનાક મોત આપવામાં આવી હતી તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, તેના શરીરના નાના-નાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતદેહના 31 ટૂકડા કરવામાં આવ્યા હતા અને તેને જમીનની અંદર ડાટી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન શરીરના ટૂકડા મળી આવ્યા હતા.
પ્રેમી અને તેની પત્નીની ધરપકડ
આ મામલે પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે જેની સાથે યુવતીનો પ્રેમ સંબંધ હતો અને તેની સાથે તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિના પાંચ બાળકો પણ છે. પોલીસને પતિ-પત્ની પર હત્યાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, બુધવારે યુવતી તેના પ્રેમીના ઘરે ગઈ હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. જે બાદ પ્રેમીએ તેની પત્ની સાથે મળીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
હાલ પોલીસે યુવતીના શરીરના ટૂકડાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છ. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરીને હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાથી યુવતીના પરિવારજનોમાં કોહરામ મચી ગયો છે. બીજી તરફ આ ઘટનાએ ફરી એકવાર શ્રદ્ધા હત્યાકાંડની યાદો તાજી કરી દીધી છે. જેમાં શ્રદ્ધાના પ્રેમીએ તેની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા.