લગ્નનો વેપાર ના હોય, કાયદા પતિઓ પાસેથી વસૂલી માટે નથી
- હિન્દુ લગ્ન એક પવિત્ર સંસ્થા, કાયદા મહિલાઓના રક્ષણ માટે છે, પતિને ધમકાવવા કે હાવી થવા નહીં : સુપ્રીમની ટકોર
- લગ્નના વિવાદોમાં એકસાથે રેપ, ઘરેલુ હિંસા અને ગુનાઇત ધમકી સહિતનું એક પેકેજ બનાવી ફરિયાદ કરવાનું પ્રમાણ વધ્યું : સુપ્રીમ
- પથારીવશ વૃદ્ધોને પણ પોલીસ ઉઠાવી જાય છે, ગંભીર ગુનાની કલમો લગાવાઇ હોવાથી જામીન પણ નથી મળતા
નવી દિલ્હી : મહિલાઓના સંરક્ષણ માટે બનાવવામાં આવેલા ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પિડન વિરોધી કાયદાઓના દુરુપયોગને લઇને સુપ્રીમ કોર્ટે ફરી ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ આ કાયદાનો દુરુપયોગ કરનારાઓને ટકોર કરતા કહ્યું છે કે કાયદાઓ મહિલાઓની ભલાઇ માટે છે પતિઓ પાસેથી બળજબરીથી વસુલી કરવા કે ધમકાવવા, તેમના પર હાવી થવા અથવા દંડિત કરવા માટે નથી. હિન્દુ લગ્ન એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, તેનો ઉપયોગ કોમર્શિયલ વેન્ચર તરીકે ના કરી શકાય.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્ના અને ન્યાયાધીશ પંકજ મિથલની બેંચે પતિ-પત્નીના વિવાદના એક મામલાની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે વૈવાહિક વિવાદો સંબંધિત મોટાભાગની ફરિયાદોમાં રેપ, આપરાધિક ધમકી અને પરણિત મહિલા સાથે ક્રૂરતા કરવા જેવી આઇપીસીની કલમો પેકેજ તરીકે એક સાથે સામેલ કરવામાં આવી રહી છે. મહિલાઓએ એ ધ્યાનમાં રાખવુ કે આ કલમો તેમના રક્ષણ માટે છે. પતિઓને દંડિત કરવા, ધમકાવવા કે બળજબરીથી વસૂલી કરવા માટેનું સાધન નથી.
સુપ્રીમ કોર્ટે અલગ રહેતા પતિ-પત્ની વચ્ચેના લગ્નને ભંગ કરતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં મહિલાએ પતિ પાસેથી કાયમી ભરણપોષણ તરીકે ૫૦૦ કરોડ રૂપિયામાં મામલાનો નિકાલ કરવાની શકત મૂકી હતી. જોકે સુપ્રીમ કોર્ટે પતિને કહ્યું હતું કે તે પત્નીને એક મહિનામાં ૧૨ કરોડ રૂપિયા ચુકવીને મામલો પતાવે. દલીલો સમયે મહિલાએ દાવો કર્યો હતો કે મારા પતિના અમેરિકા અને ભારતમાં અનેક પ્રકારના વ્યવસાય છે જેની કુલ સંપત્તિ પાંચ હજાર કરોડ રૂપિયા છે. અગાઉ તેની એક પત્નીથી અલગ થયા ત્યારે તેને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા માટે મને પણ એટલા જ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે પત્નીની આ દલીલ પર નોંધ્યું હતું કે બન્ને અલગ થયા હોય તે બાદ જો પતિ પોતાના જીવનમાં આગળ વધે તો તેની વર્તમાન સંપત્તિના આધારે પત્ની ભરણપોષણની માગણી ના કરી શકે. અલગ થયા બાદ પતિની વર્તમાન સ્થિતિ મુજબ જ પત્નીને આજીવન ભરણપોષણ આપવા દબાણ કરવું તેના પર બોજ સમાન ગણાય. જો છૂટા પડયા બાદ પતી કંગાળ થઇ ગયો હોત તો ? ભરણપોષણ માટે કોઇ એક જ ફોર્મ્યુલા ના આપવાની શકાય. પત્ની બાદમાં ૧૨ કરોડ રૂપિયાથી સહમત થઇ ગઇ હતી અને પતિ તેમજ તેના પરિવાર સામે કરેલા તમામ કેસો પરત ખેંચવા માટે પણ તૈયાર થઇ ગઇ હતી.
સુપ્રીમ કોર્ટે કેસોને લઇને પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે પોલીસ ક્યારેક કેટલાક મામલાઓમાં ઉતાવળ કરતી હોય છે, પતિ અને તેના પરિવારોની ધરપકડ કરી લે છે. જેમાં વૃદ્ધો અને પથારીવશ માતા-પિતા કે દાદા-દાદીને પણ સામેલ કરી લે છે. ફરિયાદમાં ગંભીર અપરાધોની કલમો લગાવાયેલી હોવાથી ટ્રાયલ કોર્ટ પણ આવા લોકોને જામીન આપવાથી દૂર રહે છે. ભોપાલની એક કોર્ટમાં છૂટાછેડાની અરજી પેન્ડિંગ હતી જેને પુણેની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી પત્નીએ કરી હતી, જ્યારે પતિએ લગ્ન ભંગ કરી દેવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં નોંધ્યું હતું કે પતિ અને પત્ની બન્ને પક્ષ અને તેના પરિવારના સભ્યો લગ્ન સંબંધોના સમયગાળા દરમિયાન અનેક કેસોમાં ફસાયેલા રહ્યા, કપલ સાથે ના રહ્યું જેને કારણે લગ્ન સંબંધ આગળ ના વધી શક્યા.
હરિયાણામાં 70 વર્ષના વૃદ્ધો વચ્ચે 18 વર્ષ કેસ ચાલ્યો
44 વર્ષે છૂટાછેડા : પત્નીને 3 કરોડ ચુકવવા પતિએ જમીન-પાક વેચ્યા
- કાયમી ભરણપોષણ આપ્યા બાદ હવે પતિની સંપત્તિ પર પત્ની કે સંતાનો દાવો નહીં કરી શકે : કોર્ટ
કર્નાલ : હરિયાણામાં ૭૦ વર્ષના વૃદ્ધ પતિ-પત્નીએ ૪૪ વર્ષના લગ્ન જીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું, છૂટાછેડાની આ કાયદાકીય લડાઇ ૧૮ વર્ષ સુધી ચાલી હતી. લગ્ન ભંગ કરવા માટે ત્રણ કરોડ રૂપિયાનું કાયમી ભરણપોષણ ચુકવવા માટે પતિએ જમીન અને ખેતરનો પાક વેચવો પડયો હતો ત્યારે આ મામલાનો અંત આવી શક્યો હતો.
હરિયાણાના કર્નાલના રહેવાસી આ કપલના લગ્ન ૧૯૮૦માં થયા હતા, બન્નેને બે પુત્રી અને એક પુત્ર છે. જોકે લગ્નના થોડા વર્ષ બાદ બન્ને વચ્ચે વિખવાદ થવા લાગ્યા અને ૨૦૦૬માં બન્ને અલગ રહેવા લાગ્યા. પતિએ કર્નાલની કોર્ટમાં પત્ની પર ક્રૂરતાનો આરોપ લગાવી છૂટાછેડા માગ્યા હતા. જોકે તેની અરજી ફગાવી દેવાઇ હતી. તેથી પતિ ૨૦૧૩માં હાઇકોર્ટ પહોંચ્યા અને લગ્ન ભંગની માગ કરી હતી. હાઇકોર્ટમાં કેસ ૧૧ વર્ષ સુધી પેન્ડિંગ રહ્યો હતો.
હાઇકોર્ટે સમજૂતી માટે મામલાને મિડિએશન સેન્ટરમાં મોકલી આપ્યો હતો, બન્ને વચ્ચે મધ્યસ્થતાની પ્રક્રિયા દરમિયાન ત્રણ કરોડ રૂપિયાના કાયમી ભરણપોષણ સાથે મામલાનો નિકાલ કરવા માટે પત્ની-પતિ અને સંતાનો તૈયાર થઇ ગયા હતા. પતિએ પોતાની જમીન વેચીને ૨.૧૬ કરોડ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલી આપ્યા હતા જ્યારે શેરડી વેચીને એકઠા કરેલા ૫૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ રકમની ચૂકવણી બાદ હવે પતિ પાસેથી પત્ની કે તેમના બાળકો કોઇ પણ પ્રકારની સંપત્તિનો દાવો નહીં કરી શકે. જેથી હવે પતિના મોત બાદ તેના સંતાનો કે પત્ની તેમની સંપત્તિ પર કોઇ જ અધિકાર નહીં ધરાવે.
બે લાખનું ભરણપોષણ, પતિ 80 હજારના સિક્કા લઇ કોર્ટ પહોંચ્યો
કોયંબટૂર : તામિલનાડુના કોયંબટૂરમાં ૩૭ વર્ષીય પતિ છૂટાછેડાના કેસમાં પત્નીને ભરણપોષણ આપવા માટે ૮૦ હજાર રૂપિયાના એક અને બેના સિક્કા લઇને ફેમેલી કોર્ટ પહોંચ્યો હતો જેને કારણે જજ સહિત તમામ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. કોર્ટે વચગાળાના ભરણપોષણ માટે બે લાખ રૂપિયા આપવા માટે પતિને આદેશ આપ્યો હતો. આદેશથી અકળાયેલા પતિએ અનોખો રસ્તો અપનાવ્યો હતો અને કુલ ૮૦ હજાર રૂપિયાના સિક્કા લઇને કોર્ટ પહોંચી ગયો હતો. જોકે કોર્ટે સિક્કાનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી અને પતિને આદેશ આપ્યો કે નોટોના સ્વરૂપમાં ભરણપોષણ જમા કરાવવામાં આવે. બાદમાં પતિ સિક્કા પાછા લઇ ગયો હતો અને ૮૦ હજાર રૂપિયાની નોટો જમા કરાવી હતી, જેનો સ્વીકાર કર્યા બાદ કોર્ટે બાકીના ૧.૨૦ લાખ વહેલા જમા કરવા કહ્યું હતું.