'...તો બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ જશે, લોકસભા ચૂંટણી પરિણામને લઈને સટ્ટાબજાર પણ ગરમાયું

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
'...તો બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ જશે, લોકસભા ચૂંટણી પરિણામને લઈને સટ્ટાબજાર પણ ગરમાયું 1 - image


Lok Sabha Elections 2024: એક બાર ફિર મોદી સરકાર. આ વખતની ચૂંટણી પણ મોદી વિરૂધ્ધ બાકીના રાજકીય પક્ષો સામેની રહી છે. સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ સટ્ટાબજારમાં ગરમાવો ચરમસીમા ઉપર છે. દેશભરના એક ડઝન જેટલા સ્થાનિક સટ્ટાબજારો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન સટ્ટો રમાડતી એક ડઝન જેટલી સટ્ટા એપ્લિકેશન ઉપર રમાતો ચૂંટણી સટ્ટો ખરેખર કેટલા અબજ રૂપિયાનો હશે તેનું અનુમાન લગાવવું શક્ય જ નથી. મતદાને પૂર્ણ થયાં પછી સટ્ટાબજારના સરેરાશ અનુમાન મુજબ ફરી એક વખત મોદી સરકાર બને છે તેના ઉપર 80 ટકાથી વધુ પન્ટરોએ દાવ લગાવ્યાં છે.

પ્રાથમિક અનુમાન મુજબ ભાજપને આટલી બેઠક મળશે

પ્રાથમિક અંદાજ મુજબ, જો ફરી મોદી સરકાર આવે તો પન્ટરો કમાય અને બુકીઓ રૂ. 15,000 કરોડમાં ધોવાય તેવી શક્યતાઓ છે. બુકી બજારના ANK OF INDIA પ્રાથમિક અનુમાન મુજબ ભાજપને જ આ વખતે 305થી 307 બેઠક મળશે. જે વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકો કરતાં વધારે છે. સટ્ટાબજારના સૂત્રો કહે છે કે, ભાજપની બેઠકોમાં વધારો થશે તે વાત નિશ્ચિત છે. પણ, તેટલી બેઠકો વધશે તેના ઉપર સટ્ટા બજાર ખરો ખેલ છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતશે તેવો સટ્ટાબજારનો સ્પષ્ટ અંદાજ છે.

બુકી બજાર ખોટનો ધંધો કરે તેવું શક્ય નથી

સટ્ટાબજારના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, બુકી બજાર ભાજપ જીતશે એટલે ખોટનો ધંધો કરે તેવું શક્ય નથી. આથી જ, બુફ બ બિઝ કેટલી બેઠકો જીતશે તેના ઉપર બુકીંગ લઈને પન્ટરોને ધોઈ નાંખવાનો ખેલ નાંખી ચૂકી છે. સટ્ટાબજાર ભાજપને 305થી 307 બેઠકો તો મળશે જ તેવું જાહેર કરી ચૂકી છે તેમાં સતત અપડેટ આવતાં રહે છે. પરંતુ, પન્ટરોને ભાજપને 310, 315, 320 અને 325થી વધુ બેઠકો મળે છે તેના અલગ ભાવ કાઢવામાં આવ્યાં છે. 

એક રૂપિયા સામે 4 રૂપિયા પચ્ચીસ પૈસા પન્ટરને ચૂકવવા બુકીઓ તૈયાર

જો ભાજપને 325 કે વધુ બેઠકો મળે છે તેના ઉપર ભાવ કોઈ પન્ટર લગાવે તો તેને ચારગણા પૈસા મળે છે. મતલબ કે, એકલા ભાજપને 325 બેઠકો મળવાની સંભાવના ઓછી હોવાનું સટ્ટાબજાર માને છે. 310 બેઠક જીતે છે તેમ કહેનાર પન્ટર જીતે તો બુકી તેમને 1 રૂપિયા સામે 1.70 રૂપિયા ચૂકવે છે. જ્યારે, 310 બેઠક નહીં જીતે તેનો ભાવ લગાવનારને 1 રૂપિયા સામે 1.45 રૂપિયા ચૂકવશે. ભાજપને 325 બેઠકો માટે એક રૂપિયા સામે 4 રૂપિયા પચ્ચીસ પૈસા પન્ટરને ચૂકવવા બુકીઓ તૈયાર છે. 325 બેઠકો નહીં આવે તેમ કહેનારને 3 રૂપિયા પચ્ચીસ પૈસા ચૂકવાશે. બુકી સૂત્રોના મતે, ઊંચા ભાવ દર્શાવીને બુકીઓ ભાજપની જીત ઉપર સટ્ટો લગાવનાર પન્ટરોને ચૂકવવાના થતાં પૈસા ભાજપની વધુ બેઠકોની આશા રાખનાર પન્ટરો પાસેથી કમાઈ લેશે.

ગુજરાતની ચાર સહિત આ બેઠક પર નોંધપાત્ર સટ્ટો નોંધાયો

કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તે ઉપરાંત કેટલી બેઠકો મળશે તેના ઉપર ઓનલાઈન સટ્ટો અમર્યાદિત માત્રામાં રમાવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઓનલાઈન સટ્ટાથી પણ વધુ સટ્ટો જે તે રાજ્યની સ્થાનિક સટ્ટા બજારમાં રમાશે. બુકી બજારનું કહેવું છે કે, જે તે રાજ્યની સ્થાનિક રસાકસીવાળી બેઠકો ઉપર સ્થાનિક બુકી બજાર તરફથી હજારો કરોડનો સટ્ટો નોંધવામાં આવ્યો છે. ગુજરાતની ચાર સહિત બનાસકાંઠા, આણંદ, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પાટણ બેઠક ઉપર નોંધપાત્ર સટ્ટો નોંધાયો છે. આ જ પ્રકારે દેશના અન્ય રાજ્યોમાં પણ રસાકસીભરી મનાતી બેઠકો ઉપર સટ્ટાબુકીંગ થઈ રહ્યું છે. અમુક રાજ્યમાં સ્થાનિક બુકીઓએ મતદાન પૂર્ણ થયા પછી અમુક સિટીના સટ્ટા બુકિંગ થોડા કલાક માટે લોક કર્યા છે. બુકી બજાર કહે છે કે, ચૂંટણી સટ્ટો રમવામાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળ મોખરે છે.

ચૂંટણી પરિણામોનો સમય આવતાં ચૂંટણી સટ્ટો ચરમસીમા ઉપર

બુકીબજારનું કહેવું છે કે, આઈપીએલ સિઝન પૂર્ણ થઈ છે અને 20-20 વર્લ્ડ કપ પહેલાં ચૂંટણી પરિણામોનો સમય આવતાં ચૂંટણી સટ્ટો ચરમસીમા ઉપર છે. 400 પારના સૂત્ર વચ્ચે સટ્ટાબજારમાં ગરમાવો આવ્યો છે તેમ કહેતાં બુકી વર્તુળોનું કહેવું છે કે, ભાજપ વર્તમાન સટ્ટાના ભાવ કરતાં વધુ બેઠકો મેળવી જશે તેવી સટ્ટાબજારની ધારણા છે. ભાજપની જીત ઉપર મહત્તમ દાવ લગાવવામાં આવે છે. ત્રીજી વખત ભાજપ સાથે એન.ડી.એ. ભારે બહુમતીથી સરકાર બનાવશે તેવી ધારણા સાથે સટ્ટો બુક કરનારાં પન્ટરોની સંખ્યા 80 ટકા જેવી છે.

ભાજપ અને એનડીએની જીત ઉપર મહત્તમ સટ્ટો બુક થયો

બુકીઓનું કહેવું છે કે, સટ્ટા બુકિંગનો ટ્રેન્ડ જોવા જઈએ તો ભાજપ અને એનડીએ માટે લગભગ 80 ટકાથી વધુ બુકીંગ થઈ રહ્યાં છે. તો, વીસેક ટકા પન્ટરો કમાણી કરવાની ગણતરી સાથે ઈન્ડી ગઠબંધનની બેઠકો ઉપર પણ સટ્ટો બુક કરી રહ્યાં છે. સરવાળે, બુકી બજારના મતે ભાજપ અને એનડીએની જીત ઉપર મહત્તમ સટ્ટો બુક થયો છે તે જોતાં બુકી બજારે 15000 કરોડ કે તેથી વધુનું વલણ ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. ભાજપ જીતશે તેમ માનતી બુકી બજાર હારીને પણ પન્ટરો પાસેથી પૈસા જીતવાનું ગણીત કઈ રીતે માંડે છે તે સમજવું ખરેખર અઘરૂં બની રહ્યું છે.


Google NewsGoogle News