દુનિયામાં માર્ચ મહિનો અત્યાર સુધીમાં સૌથી ગરમ પુરવાર થયો, પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ વધ્યું
- પ્રથમવાર આખા વર્ષનું સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્શિયસ વધતાં રેર્કોર્ડ તુટયો
- કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ ઝડપથી વધ્યુ હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો
નવી દિલ્હી : અલ નીનોની સ્થિતિ અને માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે ગયા વર્ષના જુન મહિનાથી સતત દસ મહિના નવો તાપમાનનો વિક્રમ સર્જાયો હોવાનું યુરોપિયન યુનિયનની હવામાન સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું. કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ-સી૩એસ-દ્વારા જણાવવામાં આવ્યું હતું કમાર્ચ મહિનામાં સરેરાશ તાપમાન ૧૪.૧૪ ડિગ્રી રહ્યું હતું જે ૧૮૫૦થી ૧૯૦૦ના ઓદ્યોગિક ક્રાંતિ પૂર્વેના તાપમાનની સરેરાશ કરતાં ૧.૬૮ ડિગ્રી સેલ્શિયસ વધારે હતું.
૧૯૯૧-૨૦૨૦ દરમ્યાન દુનિયાના સરેરાશ તાપમાન કરતાં આ તાપમાન માર્ચમાં ૦.૭૩ ડિગ્રી વધારે હતું. અગાઉ માર્ચમાં નોંધાયેલાં સર્વાધિક તાપમાન કરતાં આ તાપમાન ૦.૧૦ ડિગ્રી સેલ્શિયસ વધારે હતું. સી૩એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાન્યુઆરીમાં પહેલીવાર સમગ્ર વર્ષના સરેરાશ તાપમાન વધારાનો દોઢ ડિગ્રીનો રેકોર્ડ તુટી ગયો હતો. દોઢ ડિગ્રી તાપમાનની મર્યાદા પેરિસ કરારમાં નિશ્ચિત કરાઇ હતી. જે લાંબા ગાળાના ગરમ તાપમાનના સંદર્ભે છે.
હવામાન વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર જળવાયુપરિવર્તનની ખરાબ અસરો નિવારવા દુનિયાના દેશોએ તેમના સરેરાશ તાપમાનમાં ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના તાપમાનમાં દોઢ ડિગ્રીથી વધારે વધારો ન થાય તે જોવું જોઇએ. ૧૮૫૦-૧૯૦૦ની સરેરાશ તાપમાનની સરખામણીમાં પૃથ્વીની સપાટીનું તાપમાન ૧.૧૫ ડિગ્રી તો ક્યારનું વધી ચૂક્યુ છે. જે સવા લાખ હજાર વર્ષ પૂર્વે જોવા મળ્યું હતું. આ ગરમ વાતાવરણને કારણે દુકાળ, દવ અને પૂરની ઘટનાઓ વધી છે.
હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઝડપથી વધી રહ્યુ હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયો હોવાનું મનાય છે. ૧૭૪ વર્ષના ઓબ્ઝર્વેશનલ રેકોર્ડ અનુસાર ૨૦૨૩નું વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ હતું. જેમાં સપાટી પર સરેરાશ તાપમાનમાં ૧.૪૫ ડિગ્રીનો વધારો જણાયો હતો.