મરાઠા આંદોલન : મહારાષ્ટ્ર સરકારના મંત્રીના કાફલા પર હુમલો, સર્વપક્ષીય બેઠકમાં ઉદ્ધવને આમંત્રણ નહીં
નાસિકમાં પથ્થરમારાની ઘટના બાદ કર્ફ્યુ
અત્યાર સુધી કુલ 26 લોકોએ આપઘાત કર્યા
Maratha Reservation Protest Update : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર (Ajit Pawar NCP) જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી (CM Eknath Shinde Bring Ordinance) છે. જોકે આ વચ્ચે એવા પણ અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું જેના લીધે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પણ ભડક્યાં હતાં.
મરાઠા નેતાએ આપી છે ધમકી
બીજી બાજુ આંદોલનના નેતા મનોજ જરાંગે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે સરકાર વિશેષ સત્ર બોલાવે અને અનામત અંગે જલદી નિર્ણય કરે નહીંતર તે જળનો પણ ત્યાગ કરશે. જોકે હવે સરકાર વિવાદને ટાળવા માટે વિશેષ સત્ર બોલાવીને મરાઠા અનામત પર વટહુકમ લાવે તેવી શક્યતા છે. બીજી બાજુ નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી જેના પગલે કર્ફ્યૂ લાગુ કરાયો હતો.
કુલ 26 લોકોના આપઘાત
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ 9 લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.