મરાઠી લોકો પાસે સત્તા, સીટ અને સંસાધનોની ચાવી... જાણો મરાઠા અનામત આંદોલનની આખી વાત
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે, જે હવે હિંસક બન્યું છે
આ દરમિયાન શિંદે સરકારે પણ મરાઠાઓને અનામત આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, આખરે શું છે મરાઠા અનામત આંદોલનની આખી બાબત જોઈએ
Maratha Quota: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને હવે હિંસાનું રૂપ ધારણ કર્યું છે. આંદોલનકારીઓ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે તેઓએ સરકારી બસોને નિશાન બનાવતા પુણેથી બીડ અને લાતુર જતી બસોને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, આંદોલનકારીઓએ બીડ જિલ્લાના માજલગાંવમાં NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકીનો બંગલો પણ સળગાવી દીધો હતો. જેના કારણે બંગલામાં પાર્ક કરાયેલા આઠથી દસ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
25 ઓક્ટોબરથી મરાઠા અનામતની માંગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર્તા મનોજ જરાંગે સોમવારે કહ્યું કે મરાઠા કેટલાક વિસ્તારોમાં નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં અનામત ઈચ્છે છે. હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. NCP નેતા સુપ્રિયા સુલેએ મરાઠા અનામતની માંગને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી પણ છે.
મરાઠા કોણ છે?
મરાઠા અનામતની માંગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર્તા મનોજ જરાંગના મતે મરાઠા અને કુણબી એક જ છે. કુણબી એક પ્રજાતિ છે જે મરાઠા અનામતની વાત કરે છે. તેમજ સંભાજી બ્રિગેડના પ્રવીણ ગાયકવાડ કહે છે કે મરાઠા કોઈ જાતિ નથી, રાષ્ટ્રગાનમાં મરાઠા એક ભૌગોલિક વિસ્તાર છે, જે લોકો મહારાષ્ટ્રમાં રહે છે તે મરાઠી કહેવાય.
ગાયકવાડના મત પ્રમાણે, વ્યવસાયના આધારે જાતિ નક્કી કરવામાં આવી છે. કુણબીઓ વરસાદ પર આધારિત સીમાંત ખેડૂતો હતા. તેઓ ખેતીકામ પૂરું કર્યા પછી, ક્ષત્રિયની જેમ યોદ્ધાની ભૂમિકા ભજવતા હતા અને તેઓ મરાઠા કહેવાતા હતા અને ધીરે ધીરે તે કમાન્ડર જેવા મોટા હોદ્દા પર પહોંચી ગયા.
1 જૂન, 2004માં રિટાયર જસ્ટીસ એસ.એન. ખત્રીની આગેવાની હેઠળના રાજ્ય પછાત પંચે મરાઠા-કુણબીઓ અને કુણબી-મરાઠાઓનો OBC શ્રેણીમાં સમાવેશ કરવાની મંજૂરી આપી હતી.
શું છે મરાઠાઓની માંગ?
મરાઠાઓમાં જમીનદારો અને ખેડૂતો ઉપરાંત અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી લગભગ 33 ટકા છે. મોટા ભાગના મરાઠા મરાઠી ભાષી છે, પરંતુ દરેક મરાઠી ભાષા બોલતા લોકો મરાઠા જ હોય તે જરૂરી નથી. મરાઠા અનામતને લઈને ચાલી રહેલ આ આંદોલન 1 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. જેઓ મરાઠાઓ માટે OBC દરજ્જાની માંગ કરી રહ્યા છે.
નિઝામના શાસનથી જ તેઓનો OBCમાં સામેલ હોવાનો દાવો
તેઓ દાવો કરે છે કે સપ્ટેમ્બર 1948માં નિઝામના શાસનના અંત સુધી, મરાઠાઓને કુણબી ગણવામાં આવતા હતા અને તેઓ OBCમાં સામેલ હતા. તેથી હવે તેમને ફરીથી કુણબી જ્ઞાતિનો દરજ્જો આપીને તેમનો OBCમાં સમાવેશ કરવો જોઈએ. કુણબી એ ખેતી સાથે સંકળાયેલો સમુદાય છે. તેને મહારાષ્ટ્રમાં OBCમાં સામેલ કરવામાં આવ્યો છે. કુણબી જાતિના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મળે છે.
મરાઠા અનામત આંદોલનની શરૂઆત ક્યારથી?
વર્ષ 1982માં મરાઠા અનામત બાબતે પહેલીવાર મોટું અંદોલન થયું હતું. ત્યારે મરાઠી નેતા અન્નાસાહેબ પાટીલે આર્થિક સ્થિતિના આધારે અનામતની માંગ કરી હતી. 2014ની ચુંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠાને 16 ટકા અનામત આપવાનું ઓર્ડીનન્સ પાસ કરાવ્યું હતું. પરંતુ તે ચુંટણી હારી ગયા અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. નવેમ્બર 2014માં હાઈકોર્ટે આ ઓર્ડીનન્સ અટકાવ્યું હતું.
ફડણવીસની સરકારમાં મરાઠા અનામત બાબતે એમ.જી. ગાયકવાડની આગેવાની હેઠળ પછાત વર્ગ આયોગ બન્યું. આ આયોગની ભલામણના આધારે સરકારે સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એક્ટની વિશેષ જોગવાઇઓ હેઠળ મરાઠા અનામત આપવમાં આવ્યું. જેમાં ફડણવીસ સરકારમાં મરાઠાને 16 ટકા અનામત મળ્યું હતું. પરંતુ બોમ્બે હાઈકોર્ટે તે ઘટાડીને સરકારી નોકરીમાં 13 ટકા અને શૈક્ષણિક સંસ્થાઓમાં 12 ટકા કર્યું હતું. મે 2021માં સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ જજની બંધારણીય બેંચ બનાવીને 50 ટકાની અનામત સીમાને ન તોડી શકાય એવું કારણ આપીને કોર્ટે આ અનામત રદ કર્યું હતું.
અનામત બાબતે શિંદે સરકારનું શું વલણ છે?
મરાઠા આંદોલન બાબતે શિંદે સરકાર ફસાતી જોવા મળે છે. ઠાકરે જૂથની શિવસેનાએ આ મુદ્દા પર વિધાનસભાના વિશેષ સત્ર બોલવવાની માંગ કરી છે. જયારે શિંદે જૂથની શિવસેના સાંસદ હેમંત પાટીલ લોકસભા સચિવાલયમાં અને હેમંત ગોડસેએ એકનાથ શિંદેને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
સોમવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે 11,530 રેકોર્ડમાં કુણબી જ્ઞાતિનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત મંગળવારે આ મામલે બનેલી રીટાયર્ડ જસ્ટીસ સંદીપ શિંદેની કમિટી તેનો રિપોર્ટ રજુ કરશે, જેના પર કેબીનેટમાં ચર્ચા કરવામાં આવશે.
અનામત આપ્યા બાદ પણ સમસ્યાનો અંત નહી આવે
જો મરાઠાઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મળે તો પણ સમસ્યાનો અંત આવવાના બદલે સમસ્યા વધી શકે છે. વાસ્તવમાં, મરાઠાઓને આ આરક્ષણ OBC ક્વોટામાં જ મળશે. OBCને 27 ટકા અનામત મળે છે. અને તેની અંદર જ મરાઠાઓને અનામત આપવાની વાત છે. આવી સ્થિતિમાં, OBC સમુદાયને ડર છે કે મરાઠાઓ તેમનું આરક્ષણ હડપ કરી લેશે.