રાજકીય પક્ષોને ચેકમાં દાન કરી રોકડા મેળવનારા ઈનકમ ટેક્સની રડારમાં, ધડાધડ નોટિસો ફટકારાઈ
- દાનની રકમમાં ટેક્સ મુક્તિનો ગેરફાયદો ઉઠાવાઇ રહ્યો હોવાની શંકા
- પક્ષમાંથી કોણે સંપર્ક કર્યો હતો, તમારા વિસ્તારમાં પક્ષ ચૂંટણી લડે છે વગેરે સવાલોનો આઇટીએ મારો ચલાવ્યાના અહેવાલ
- પાંચ લાખથી વધુનું દાન કરનારા નવ હજારથી વધુ લોકોએ દાનની રકમ પર ટેક્સમાં છૂટ માટે દાવો કર્યો હતો
Income Tax News : આઇટી વિભાગને ગુપ્ત માહિતી મળી છે કે અનેક કરદાતાઓએ રાજકીય પક્ષોને ચેક સ્વરુપે મોટી રકમ આપી અને અમૂક કમિશન કાપીને રોકડ સ્વરુપે આ નાણા પરત મેળવ્યા. આમ કરીને કરદાતાઓએ ટેક્સ મુક્તિનો લાભ લઇને ટેક્સની ચોરી કરી હોઇ શકે છે. આ શંકાને દૂર કરવા માટે હવે આઇટી વિભાગે મોટાપાયે તપાસ અભિયાન શરૂ કર્યું હોવાના અહેવાલો છે. આઇટી વિભાગે હજારો કરદાતાઓને સવાલ પૂછ્યો છે કે રાજકીય પક્ષમાંથી તેમનો કોણે સંપર્ક કર્યો હતો, જે પક્ષને દાન આપ્યું તે શું તમારા મતવિસ્તારમાં ચૂંટણી લડે છે?
જે લોકોએ પાંચ લાખ કે તેથી વધુની રકમ દાન કરી હોય તેમને આવા અનેક સવાલો આઇટી વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ સવાલો નાણાકીય વર્ષ 2020-21ના સમયગાળાને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યા છે. એવા ગુપ્ત રિપોર્ટ મળ્યા છે કે અનેક દાતાઓએ રાજકીય પક્ષોને ચેક સ્વરુપે મોટી રકમ દાનમાં આપી હતી અને કમિશન કપાઇ ગયા બાદ તેને રોકડ સ્વરુપમાં પાછી મેળવી હતી. આ પ્રકારના નાણાકીય વ્યવહારમાં અનેક લોકોએ વચેટિયા તરીકેની ભૂમિકા પણ નિભાવી હોઇ શકે છે અને એકથી ત્રણ ટકાનું કમિશન લઇને મની લોન્ડરિંગ મશીન તરીકે કામ કર્યું હોવાની આઇટી વિભાગને શંકા છે.
નિયમો મુજબ રાજકીય પક્ષોને આપેલા દાન પર કોઇ ટેક્સ નથી લાગતો, વળી કેટલા રૂપિયા દાન કરી શકાય તેની પણ કોઇ મર્યાદા નથી. તેથી આ છૂટનો ઉપયોગ છટકબારી તરીકે પણ થઇ શકે છે. હાલમાં જે નાણાકીય વર્ષની તપાસ ચાલી રહી છે તે સમયગાળા દરમિયાન આશરે નવ હજારથી વધુ લોકોએ પાંચ લાખ કે તેથી વધુની રકમ પર આઇટી કાયદાની કલમ 80જીજીસી હેઠળ છૂટનો દાવો કર્યો છે. આ કલમ વ્યક્તિગત દાતાઓ માટે જ્યારે 80જીજીબી કંપનીઓ માટે લાગુ પડે છે. જો કરદાતાઓ દાન અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહે તો તેવી સ્થિતિમાં તેમના પર ભારે ટેક્સ લાદવામાં આવે છે. હાલમાં આઇટી વિભાગ દ્વારા જે પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે તેમાં એ તપાસ કરવામાં આવશે કે આ દાતાઓ ખરેખર પ્રામાણિક દાતા છે કે પછી કાયદામાં મળતી છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે.