પ્રચંડ હીટવેવથી આ રાજ્યમાં માત્ર 2 કલાકમાં 16 લોકોનાં મોતથી હડકંપ, 8 જૂન સુધી રજા જાહેર
Image : IANS |
Heat Wave: ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિહારમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત થયા છે.
8 જૂન સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
બિહારમાં કાળઝાળ ગરમીને લીધે રાજ્ય સરકારે બુધવારે તમામ ખાનગી અને સરકારી શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કાળઝાળ ગરમીના કારણે શેખપુરા, બેગુસરાય, મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ સહિતના ઘણા વિસ્તારોમાંથી સરકારી શાળાના શિક્ષકો બેહોશ થઈ જવાના બનાવો પણ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવામાં આવી છે, શિક્ષકો માટે નહીં.
હજુ પણ ગરમી ચાલુ રહે તેવી સંભાવના
હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આગામી દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી ચાલુ રહેશે તેવી સંભાવના છે. જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું તેમાં ઔરંગાબાદ (46.1 ડિગ્રી સેલ્સિયસ), દેહરી (46 ડિગ્રી સેલ્સિયસ), ગયા (45.2 ડિગ્રી સેલ્સિયસ), અરવલ (44.8 ડિગ્રી સેલ્સિયસ) અને ભોજપુર (44.1 ડિગ્રી સેલ્સિયસ)નો સમાવેશ થાય છે. બિહારની રાજધાની પટનામાં બુધવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.