‘બમ્પ અહેડ’, દેશમાં વર્ષેદહાડે સરેરાશ એકાદ હજારના મોત પછીયે સ્પિડ બ્રેકરો બનાવવામાં પોલંપોલ
Road Accident: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે અકસ્માતને રોકવા માટે એક રસ્તા પર બનેલું સ્પિડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની ગયું. અહીં પંદર મિનિટમાં સાત અકસ્માત નોંધાયા હતાં. જેમાંથી અમુક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વળી, ઓક્ટોબરમાં હરિયાણાના ગુડગાંવામાં બનેલા એક સ્પિડ બ્રેકર પર એક કાર હવામાં ઉડતી જોવા મળી હતી. વળી, ગત વર્ષે માર્ચમાં મુંબઈમાં એક જગુઆર કાર એક સ્પિડ બ્રેકર પર ફસાઈ ગઈ હતી. આ સ્પિડ બ્રેકર સાથે જોડાયેલો એવો મામલો છે, જે છેલ્લાં થોડા સમયમાં સામે આવ્યા છે. આ સ્પિડ બ્રેકર રસ્તા પર ગાડીઓની સ્પિડ ધીમી કરવા માટે બનાવાયા છે, પરંતુ એવા ઘણાં મામલા છે, જેમાં સ્પિડ બ્રેકર જ અકસ્માતનું કારણ બને છે.
ચાલો જાણીએ દેશમાં સ્પિડ બ્રેકરને લઈને શું દિશા-નિર્દેશ છે અને રસ્તા પર હકીકત શું છે? માર્ગ અકસ્માતમાં સ્પિડ બ્રેકરનું કેટલું યોગદાન છે?
સ્પિડ બ્રેકર કેવા હોવા જોઈએ?
- સ્પિડ બ્રેકરની ઊંચાઈ 10 સેમી, લંબાઈ 3.5 મીટર અને કર્વેચર રેડિયસ 17 મીટર હોવું જોઈએ.
- સ્પિડ બ્રેકરથી 40 મીટર પહેલાં ચેતવણી બોર્ડ દોરેલું હોવું જોઈએ.
- આ બોર્ડ પર 20 સેમી ઊંચાઈ અને 60 સેમી લાંબા બોર્ડ પર સ્પિડ બ્રેકર લખેલું હોવું જોઈએ.
- તેના પર એક ત્રિકોણ બોર્ડ બનેલું હોવું જોઈએ, જેના પર કાળા રંગથી સ્પિડ બ્રેકરનું ચિત્ર દોરેલું હોવું જોઈએ.
- આ બંને બોર્ડની વચ્ચે 15 સેમીનું અંતર હોવું જોઈએ.
કેટલાનો જીવ લીધો સ્પિડ બ્રેકરે?
કેન્દ્ર સરકારે સંસદમાં 21 જુલાઈ, 2017ના દિવસે જણાવ્યું કે, દેશમાં સ્પિડ બ્રેકરના કારણે થતાં અકસ્માતમાં દરરોજ નવ લોકોની મોત થાય છે અને 30 લોકો ઘાયલ થાય છે. જો તેને વર્ષના હિસાબે જોઈએ તો દર વર્ષે 1104 લોકોની મોત સ્પિડ બ્રેકરના કારણે થાય છે અને આશરે 11 હજાર લોકો આ અકસ્માતમાં ઘાયલ થાય છે. સરકારે આપેલાં આંકડા મુજબ, 2015માં હાઇવે પર 11,084 અકસ્માત સ્પિડ બ્રેકરના કારણે થાય છે. આ અકસ્માતમાં 3409 લોકોની મોત થાય છે અને 9764 લોકો ઈજાગ્રસ્ત થાય છે. ભારતમાં સૌથી વધારે તકલીફ એવા સ્પિડ બ્રેકરના કારણે થાય છે, જે અનમાર્ક છે અથવા જેને કોઈ ધારા-ધોરણ વિના જ બનાવવામાં આવ્યા છે.
આ આંકડા જણાવે છે કે, સ્પિડ બ્રેકરના કારણે ભારતમાં જેટલાં લોકોની મોત થાય છે, તેમાંથી ઓછા લોકો બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતમાં મરે છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતમાં 2937 અને બ્રિટનમાં 3409 લોકોની મોત થઈ હતી.
સરકારે પણ માન્યું હતું કે, આ સમસ્યા દેશભરમાં છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તે રાજ્ય સરકારને લખશે કે, તે સુનિશ્ચિત કરે કે સ્પિડ બ્રેકર બનાવતા સમયે નિયમોનું પાલન કરવામાં આવે. અમારૂ મંત્રાલય નક્કી કરશે કે, સ્પિડ બ્રેકર એક નિશ્ચિત સ્થાન પર સમજી વિચારીને બનાવવામાં આવે. હકીકતમાં દિશા-નિર્દેશ વિનાના સ્પિડ બ્રેકર રસ્તાના બાંધકામ, ટ્રાફિક નિયંત્રક સંસ્થાઓ અને માર્ગ સલામતીની કાળજી લેતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવનું પરિણામ છે.
ભારતમાં એક વર્ષમાં કેટલાં અકસ્માત થાય છે?
દેશમાં માર્ગ અકસ્માતને લઈને સરકાર 'રોડ એક્સિડન્ટ ઇન ઈન્ડિયા'ના નામથી એક રિપોર્ટ રજૂ કર્યો છે. વર્ષ 2022 માટે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, 2022માં રસ્તા પર થયેલાં કુલ અકસ્માતમાંથી 72.4% અકસ્માત નોંધાયા છે. આ માર્ગ અકસ્માતમાં 1,86,491 લોકોની મોત થઈ અને 4,43,366 લોકો ઘાયલ થયા હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગ સુરક્ષા પર એક રિપોર્ટ મુજબ, દુનિયામાં રસ્તા પર થતાં અકસ્માતમાં દર વર્ષે 12,40,000 લોકોની મોત થઈ જાય છે. દુનિયામાં થતી મોત જે કારણે થાય છે, તેમાંથી માર્ગ અકસ્માત દસમા નંબરે છે.
ઈન્ડિયન રોડ કોંગ્રેસ (આઈઆરસી)એ 1996માં સ્પિડ બ્રેકર બનાવવાને લઈને દિશા-નિર્દેશ બનાવ્યા હતાં. આ દિશા-નિર્દેશ અનુસાર, એક આદર્શ સ્પિડ બ્રેકરની ઊંચાઈ 10 સેમી, લંબાઈ 3.5 મીટર અને કર્વેચર રેડિયસ 17 મીટર હોવી જોઈએ. આ સિવાય ડ્રાઇવરને સ્પિડ બ્રેકરની જાણકારી આપવા માટે સ્પિડ બ્રેકરથી 40 મીટર પહેલાં એક ચેતવણી બોર્ડ લગાવવાનો પણ નિયમ છે. તેના પર 20 સેમી ઊંચાઈ અને 60 સેમી લાંબુ બોર્ડ લગાવવું જોઈએ. રસ્તા પર ગાડીઓની સ્પિડ ઓછી કરવા માટે ઘણી રીત અપનાવવામાં આવે છે, જેને સાઇન બોર્ડ લગાવવું અને સ્પિડ પર નજર રાખવા માટે કેમેરા લગાવવાં.
નેશનલ હાઇવે પરથી સ્પિડ બ્રેકર કેમ હટાવ્યા
સ્પિડ બ્રેકરને ગાડીઓની સ્પિડ ઓછી કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ, કેન્દ્ર સરકારે 11 એપ્રિલ, 2016ના દિવસે આપેલા પોતાના આદેશમાં રાજ્યોને નક્કી કરવાનું કહ્યું કે, કોઈપણ નેશનલ હાઇવે પર કોઈ સ્પિડ બ્રેકર ન બનાવી શકે. સરકારે આ આદેશ એ વચન પૂરુ કરવા માટે કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે, નેશનલ હાઇવે પર ગાડીઓને કોઈપણ મુશ્કેલી વિના હાઈ સ્પિડે જવા દેવામાં આવશે. જોકે, સરકારે એવું પણ કહ્યું કે, નેશનલ હાઇવે પર દુર્ઘટના સંભવિત વિસ્તાર, મોટા વળાંક અને અમુક વિસ્તારમાં રંબલ સ્ટ્રીપ લગાવવામાં આવે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે ભારતમાં રસ્તા પર થતા અકસ્માતોમાંથી 32.9 ટકા અકસ્માત નેશનલ હાઇવે પર થાય છે. સરકારના રિપોર્ટ અનુસાર, 2022માં 61,038 લોકોની મોત નેશનલ હાઇવે પર થઈ. સરકારે હાલ ગુરૂવારે જ લોકસભામાં જણાવ્યું કે, 2013થી 2022 દરમિયાન માર્ગ અકસ્માતમાં 15,02,416 લોકોની મોત થઈ હતી.
રસ્તા પર સ્પિડ બ્રેકર બનાવવા માટે દિશા-નિર્દેશ તો નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ આ દિશા-નિર્દેશનું પાલન કેટલું થાય છે તેની જાણકારી કોઈની પાસે નથી. સામાન્ય રીતે રહેણાંક વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલોની બંને તરફ સ્પિડ બ્રેકર બનાવવાની જોગવાઈ છે. પરંતુ થાય છે એવું કે, જેને જ્યાં જરૂર જણાય ત્યાં સ્પિડ બ્રેકર બનાવી દે છે. આ સ્પિડ બ્રેકર બનાવવામાં કોઈ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં નથી આવતું. ઘણી જગ્યાએ લોકો ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ઈંટની મદદથી ડીઆઈવાઈ બમ્પર બનાવી દેવાય છે.