દોઢ ડઝન નોન-બીજેપી CM અને પૂર્વ સીએમ EDના સકંજામાં, જાણો કોની સામે છે કયો કેસ
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે તપાસ એજન્સીનો સામનો કરી રહ્યા છે.
નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની EDએ ગઈકાલે કલાકો સુધી પછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી હતી. હેમંત સોરેન ઉપરાંત પણ વિપક્ષી પાર્ટીના અનેક સીએમ અને પૂર્વ સીએમ કેન્દ્રીય તપાસ એજન્સીના સકંજામાં છે. સ્વાભાવિક છે કે, સોરેન વાળા ઘટનાક્રમ પર આ તમામ નેતાઓની ચાંપતી નજર હશે. તો ચાલો જાણીએ આ કયા નેતાઓ છે અને તેમની સામે કયો કેસ છે.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે તપાસ એજન્સીનો સામનો કરી રહ્યા છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે તેમની સરકારે 100 કરોડ રૂપિયાની લાંચ લઈને દારૂના વેપારીઓના પક્ષમાં નીતિ બનાવી હતી. કેજરીવાલ અત્યાર સુધીમાં EDના ચાર સમન્સની અવગણના કરી ચૂક્યા છે. EDએ તેમને પાંચમી વખત સમન્સ પાઠવ્યા છે અને 2 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
રેવંત રેડ્ડી
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસ હેઠળ છે. વિધાનસભામાં ટીડીપીના તત્કાલિન નેતા રેડ્ડી પર 2015માં એમએલસી ચૂંટણીમાં તેમની તરફેણમાં મત આપવા માટે નામાંકિત ધારાસભ્યને 50 લાખ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પિનરાઈ વિજયન
EDએ એપ્રિલ 2021માં કેરળના સીએમ પિનરાઈ વિજયન વિરુદ્ધ PMLA તપાસ શરૂ કરી હતી. આ મામલો ઈડુક્કીમાં હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કેનેડિયન ફર્મ એસએનસી લવલિનને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. ત્યારે વિજયન વીજ મંત્રી હતા.
વાયએસ જગન મોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી યુપીએના કાળથી અનેક તપાસનો સામનો કરી રહ્યા છે. EDએ 2015માં નવા પીએમએલએ મામલે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલો જગનની માલિકીની ભારતી સિમેન્ટ્સના નાણાકીય મામલે સબંધિત છે.
ભૂપેશ બઘેલ
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ તેમની સરકાર દરમિયાન કોલસાના પરિવહન, દારૂની દુકાનોના સંચાલન અને મહાદેવ ગેમિંગ એપમાં અનિયમિતતાઓ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગના ઓછામાં ઓછા ત્રણ કેસમાં EDની તપાસનો સામનો કરી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ કથિત IRCTC કૌભાંડ અને લેન્ડ ફોર જોબ મામલે મુખ્ય આરોપી છે.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા
હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રર સિંહ હુડ્ડાની માનેસર જમીનના સોદા મામલે અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને પંચકુલામાં જમીન ફાળવણીના મામલે ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અશોક ગેહલોત
'રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડ' મામલે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને એક સમયે તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા સચિન પાયલટ સહિત કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમનું નામ પણ સામેલ છે. આ કેસની તપાસ 2015માં શરૂ થઈ હતી.
અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ માઈનિંગ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓ માટે CBI અને ED બંનેના સકંજામાં છે.
માયાવતી
બસપાના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીનું નામ કોઈ પણ કેન્દ્રીય એજન્સીની FIRમાં નથી પરંતુ તેમના સીએમ કાર્યકાળ દરમિયાનની યોજનાઓ તપાસ હેઠળ છે.
ફારૂક અબદુલ્લા
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનને BCCI દ્વારા આપવામાં આવેલા અનુદાનમાં કથિત અનિયમિતતાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની તપાસ ચાલી રહી છે.
ઓમર અબદુલ્લા
ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની ED દ્વારા 2022માં જમ્મુ અને કાશ્મીર બેંકની નાણાકીય બાબતો અને તેના ડિરેક્ટરોની નિમણૂક સાથે સંબંધિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.
મહેબૂબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીર બેંક કેસમાં EDની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. જે કથિત રીતે દરોડા દરમિયાન ED દ્વારા જપ્ત કરવામાં આવેલી બે ડાયરીઓ પર આધારિત છે.
નબામ તુકી
જુલાઈ 2019માં CBIએ કથિત ભ્રષ્ટાચાર મામલે અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ વિરુદ્ધ દાખલ કર્યો હતો. CBIની FIRના આધાર પર ED કથિત મની લોન્ડરિંગ મામલે તુકીની તપાસ કરી રહી છે. જેમાં આરોપ છે કે તત્કાલીન મંત્રી તુકીએ તેના ભાઈ સાથે મળીને નાણાંની ઉચાપત કરી હતી.
ઓકરમ ઈબોબી સિંહ
નવેમ્બર 2019માં CBIએ કથિત ભ્રષ્ટાચાર મામલે મણિપુરના પૂર્વ સીએમ ઓકરમ ઈબોબી સિંહના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ મામલો મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીમાં 332 કરોડ રૂપિયાની કથિત હેરાફેરી સાથે સંબંધિત છે.
શંકરસિંહ વાઘેલા
ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી હતા ત્યારે મુંબઈમાં કિંમતી જમીન વેચીને સરકારી તિજોરીને રૂ. 709 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે CBI અને ED તપાસ કરી રહી છે. CBIએ તેમની સામે 2015માં કેસ નોંધ્યો હતો.
શરદ પવાર
NCPના પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર જેઓ હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી છે તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં કથિત અનિયમિતતાઓ મામલે EDની મની લોન્ડરિંગ તપાસનો સામનો કરી રહ્યા છે.