Get The App

7 દિવસમાં એરલાઈન્સને કુલ 70 કરોડનું નુકસાન, નિયમોમાં ફેરફાર કરીને આકરાં પગલાં લેવાની તૈયારીમાં સરકાર

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
7 દિવસમાં એરલાઈન્સને કુલ 70 કરોડનું નુકસાન, નિયમોમાં ફેરફાર કરીને આકરાં પગલાં લેવાની તૈયારીમાં સરકાર 1 - image


Flights Bomb Threats : ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 30થી વધુ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને સોમવારે રાત્રીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીઓ બાદ જેદ્દા જનારી ઈન્ડિગોની ત્રણ ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ. ઘટનાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આમ એક અઠવાડિયાના ઓછા સમયમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 120થી વધુ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જે કોલ અને ઈ-મેઈલ મારફતે મળી છે. જોકે, અત્યાર સુધીમાં કોઈપણ ફ્લાઈટમાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.

ગત અઠવાડિયામાં ફ્લાઈટમાં બોમ્બના 70 હોક્સ કોલ

દેશમાં સિવિલ એવિયેશન નેટવર્ક ગત અઠવાડિયાથી મોટાપાયે ડખે ચડેલું છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જાણે કે મજાક કરવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ગત અઠવાડિયામાં ભારતની વિવિધ એરલાઈન્સને 70 જેટલા હોક્સ કોલ આવ્યા હતા. તમામ કોલમાં ડોમેસ્ટિક અથવા ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીઓ આપવામાં આવી હતી. તે ઉપરાંત એક કોલમાં ટ્રેનને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ કોલ ક્યાંથી આવ્યા, સોશિયલ મીડિયા ઉપર તેની પોસ્ટ કેવી રીતે કરાઈ, કોણે કરી અને તેની પાછળના એજન્ડા શું છે તેના વિશે કોઈને કોઈ જ માહિતી નથી. આ કરનારા લોકો પકડાયા છે પણ તે તમામ સગીર છોકરાઓ છે. તેમણે માત્ર તંત્રની મજા લેવા માટે કે પછી તેમના કહેવા પ્રમાણે એકબીજા સાથે શરત લગાવીને કે પછી બદલો લેવા માટે અથવા તો સોશિયલ મીડિયાનો દૂરુપયોગ કરવા માટે આ બધું કર્યું છે તે કશું જ સ્પષ્ટ થતું નથી. છેલ્લાં એક અઠવાડિયામાં આવેલા હોક્સ કોલને પરિણામે એવિયેશન ઈન્ડસ્ટ્રીને અંદાજે 70 કરોડની આસપાસ નુકસાન થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. 

એવિયેશન સેક્ટરને એક જ અઠવાડિયામાં 70 કરોડનું નુકસાન

દેશમાં છેલ્લાં સાત દિવસમાં 70 જેટલા હોક્સ કોલ આવે અને આઈબી, એનઆઈએ, સિક્ટોરિટી એજન્સીઓ, એવિયેશન ઓથોરિટી, ગૃહમંત્રાલય અને પોલીસ સહિતના તમામ લોકો કોઈપણ માહિતી વગરના હોય તે ખરેખર વિચારવા જેવી બાબત છે. આ બધાની શરૂઆત 14 ઓક્ટોબરથી થઈ હતી. આમ જોવા જઈએ તો છેલ્લાં ત્રણ મહિનાથી આવા કોલ્સની છુટી છવાઈ ઘટનાઓ બનતી હતી. તેમ છતાં સાત દિવસ પહેલાંથી બધા જ ગંભીર રીતે આ દિશામાં તપાસ માટે સજ્જ થયા છે. 14 ઓક્ટોબરે ત્રણ ફ્લાઈટમાં બોમ્બ હોવાના હોક્સ કોલ આવ્યા હતા. ત્યારબાદ 15 ઓક્ટોબરે 8 ફ્લાઈટમાં બોમ્બ હોવાના અને આતંકવાદીઓ હોવાના કોલ આવ્યા હતા. તે ઉપરાંત 16 ઓક્ટોબરે 7 ફ્લાઈટમાં બોમ્બ હોવાના કોલ આવ્યા હતા. આ તમામ કોલ અને સંદેશા સોશિયલ મીડિયા થકી ઓપરેટ કરવામાં આવ્યા હતા. તેમાં ચોક્કસ વ્યક્તિઓના નામનો ઉપયોગ કરીને તેમના એકાઉન્ટ હેક કરીને સંદેશા મોકલાયા હતા અથવા તો કોલ કરવામાં આવ્યા હતા. હવે આ માત્ર હોક્સ કોલ છે કે પછી આતંકવાદીઓ દ્વારા એજન્સીઓને દોડતી કરવાનું નવું તંત્ર છે કે પછી દેશની કોમી એકતાને તોડવા માટે ચોક્કસ જાતીના નામો સાથે વિવિધ કોલ અને મેસેજ કરવામાં આવે છે. આ કશું જ હજી સુધી સ્પષ્ટ થતું નથી. ત્યારબાદ પણ ઓછામાં ઓછા બીજા આવા 50 કોલ અલગ અલગ એરલાઈન્સને આવ્યા છે. તેને પગલે દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું શિડયુલ ખોરવાઈ ગયું છે અને તમામ એરલાઈન્સ ડખે ચડી છે.

એક હોક્સ કોલથી સરેરાશ 3થી 4 કરોડનું નુકસાન થાય છે

જાણકારોના મતે કોઈપણ ફ્લાઈટ એક વખત ટેક ઓફ થઈ પછી તેમાં હોક્સ કોલ આવે ત્યારે તેને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાની આવે છે. તમામ પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢવા, તેમની હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી, ક્રૂ મેમ્બર્સ અને પાઈલટ્સને રાખવાની વ્યવસ્થા અને બીજા ઘણા ખર્ચા કરવા પડે છે. અઠવાડિયાની શરૂઆતની જ વાત કરીએ તો ૧૪ ઓક્ટોબરે જ ભારતથી ન્યૂયોર્ક જવા માટે એક બોઈંગ ૭૭૭ ફ્લાઈટ ટેક ઓફ થઈ. તેની ગણતરીના કલાકોમાં જ એરલાઈનને કોલ આવ્યો કે ફ્લાઈટમાં બોમ્બ છે. તેને તરત જ ડાઈવર્ટ કરીને દિલ્હી એરપોર્ટ ઉપર ઉતારવામાં આવી. ૩૫૦ ટન વજનના આ વિમાનને ટેક ઓફ થઈને બે કલાકમાં લેન્ડ કરાવવામાં જ ૧૦૦ ટન ફ્યૂઅલ વેડફાઈ ગયું. તેના માટે જ એરલાઈન્સને ૧ કરોડથી વધારેનો ધુમાડો કરવાનો આવ્યો. ત્યારબાદ પેસેન્જર્સને રાખવાના, ફ્લાઈટ ક્રૂ અને પાઈલટ્સને રાખવાના, પેસેન્જર્સને વળતરની રકમ આપવાની અને ફ્લાઈટ મેનેજમેન્ટન, જે-તે એરપોર્ટ ઉપર પાર્કિંગ ચાર્જ, સિક્યોરિટી ચેકિંગ અને અન્ય ચાર્જ તથા તમામ ખર્ચા ભેગા કરીને એક હોક્સ કોલમાં ૩થી ૪ કરોડનું નુકસાન જાય છે. આ રીતે ૭૦થી વધારે ફ્લાઈટમાં અંદાજે ૭૦ કરોડથી વધારેનું નુકસાન ગયું છે. 

અમદાવાદમાં ફ્લાઈટ ડાઈવર્ટ કરીને તપાસ કરવામાં આવી

ભારત માટે ગત બુધવાર પણ અત્યંત ચિંતાજનક રહ્યો હતો. ગત બુધવારે સિવિલ એવિયેશન વિભાગને, પોલીસને, સુરક્ષા એજન્સીઓને દેશમાં જ નહીં વિદેશો સુધી દોડધામ કરવાનો વારો આવ્યો હતો. બુધવારે આઠ જેટલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના કોલ આવ્યા હતા. તેમાં એક્સા એરની દિલ્હી-બેંગ્લુરૂ ફ્લાઈટ, ઈન્ડિગોની મુંબઈ-દિલ્હી ફ્લાઈટ, ઈન્ડિગોની રિયાદ-મુંબઈ ફ્લાઈટ, ઈન્ડિગોની મુંબઈ-સિંગાપુર ફ્લાઈટ, ઈન્ડિગોની ચેન્નઈ-લખનઉ ફ્લાઈટ તથા સ્પાઈસ જેટની બે ફ્લાઈટને આવી ધમકી આપવામાં આવી હતી. તેના કારણે દેશભરના વિવિધ એરપોર્ટ ઉપર અફરા તફરી મચી ગઈ હતી. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ તાકીદે અમદાવાદ ડાઈવર્ટ કરીને તપાસ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં કશું જ મળ્યું ન હતું. તમામ ફ્લાઈટમાં કશું જ મળ્યું નહીં પણ લોકોના કલાકોનો સમય ખરાબ થયો અને તંત્ર તથા એજન્સીઓનો પણ સમય, શક્તિ અને નાણાનો વ્યય થયો.

નિયમોમાં ફેરફાર કરીને આકરાં પગલાં લેવાની તૈયારીઓ

વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓથી કંટાળીને તાજેતરમાં બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટીના વડા દ્વારા કેટલીક મહત્ત્વની વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે આ તોફાનીઓ અને ખોટી ધમકીઓ આપનારા સામે આકરાં પગલાં લેવા પડશે તેવો ઘાટ છે. સરકાર દ્વારા કાયદમાં ફેરફાર કરીને કડક સજા અને આકરા દંડની જોગવાઈઓની તૈયારીઓ કરી લેવાઈ છે. તાજેતરમાં જ શનિ-રવિમાં ૪૦થી વધારે ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ આવ્યા બાદ સરકાર અને એવિયેશન સુરક્ષા એજન્સીઓ વધારે આક્રમક થઈ છે. સિવિલ એવિયેશન સાથે સંકળાયેલા ૧૯૩૪ અને ૧૯૩૭ના નિયમોમાં સુધારા કરવામાં આવશે. આવા હોક્સ કોલ કરવાને અત્યંત ગંભીર ગુનાની કેટેગરીમાં દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત આવા કોલ કરનારા કે અફવા ફેલાવીને ભય ફેલાવનારા સામે પાંચ વર્ષથી વધારેની સજા અથવા તો ૧૦ વર્ષ સુધીની સજા કરવાની વિચારણા ચાલી રહી છે. તે સિવાય પાંચ વર્ષ સુધી નો ફ્લાય કેટેગરીમાં પણ નાખી દેવામાં આવશે જેથી આરોપી ક્યાંય ફ્લાઈટ લઈ શકશે નહીં. 

કેનેડામાં એલર્ટ અપાયું જ્યારે સિંગાપુરમાં ફાઈટર જેટ મોકલવા પડ્યા

આ પહેલાં ગત મંગળવારે તો દેશમાં આઠ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. તેમાં પણ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી જેના કારણે કેનેડા અને સિંગાપુરમાં એલર્ટ જારી કરવાનો વારો આવ્યો હતો. ત્રણ-ત્રણ દેશમાં અફરાતફરી મચી ગઈ હતી. સૌથી પહેલાં દિલ્હીથી શિકાગો જનારી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર મળતાની સાથે જ ફ્લાઈટ શિકાગો પહોંચે તે પહેલાં તેને કેનેડા ડાઈવર્ટ કરવી પડી હતી. તેને કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ ઉપર ઈમર્જન્સી લેન્ડીગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પેસેન્જરને બહાર કાઢીને કલાકો સુધી ફ્લાઈટ ચેક કરવામાં આવી જેમાં કશું જ મળ્યું નહોતું. તેવી જ રીતે મદુરાઈથી સિંગાપુર જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો સંદેશો ફરતો થયો હતો. આ ધમકી ભરેલા સંદેશાના કારણે પણ અફરાતફરી મચી હતી. તેના કારણે સિંગાપુર દ્વારા બે એફ-૧૫ એસજી ફાઈટર પ્લેન મોકલવામાં આવ્યા હતા. આ ફ્લાઈટને કોર્ડન કરીને ચાંગી એરપોર્ટ ઉપર ઉતારવામાં આવી હતી. આ કોલ પણ ખોટો હતો અને માત્ર ભય ફેલાવા કરાયો હતો તે સાબિત થયું હતું. 


Google NewsGoogle News