રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સહિત અનેક મહાનુભાવોએ રાષ્ટ્રપિતા બાપુને અર્પેલી શ્રધ્ધાંજલી
- મોદીએ X હેન્ડલ પર લખ્યું : 'મેં તેઓનાં જીવનમાંથી પ્રેરણા મેળવી છે : તેઓની સાથે રાષ્ટ્ર માટે શહિદ થનારા સર્વેને હું પ્રણામ કરું છું'
નવી દિલ્હી : રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૭૬મી પુણ્ય તિથિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ આજે રાજઘાટ પરનાં તેઓના સમાધી સ્થળે અંજલી અર્પી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રના મંત્રી, હરદીપ સિંહ પુરી, તેમજ સોનિયા ગાંધી, પ્રિયકાં ગાંધી સહિત અન્ય અનેક મહાનુભાવોએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલી અર્પી હતી.
વડાપ્રધાને તેઓનાં X હેન્ડલ પર લખ્યું, 'હું પૂજ્ય બાપુને તેઓની પુણ્યતિથિ સમયે, શ્રદ્ધાંજલિ અર્પુ છું. સાથે જે કોઈએ, રાષ્ટ્રના સ્વાતંત્ર સંગ્રામમાં શહીદી વ્હોરી હતી તે સર્વેને આ સાથે મારી શ્રધ્ધાંજલિ.'
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓની ડાયરીમાં પણ યુવાન વયે પૂજય બાપુનાં કથનો ટાંક્યા છે. તેઓનું આ કથન 'મારી પાસે અધિકાર જમાવવા માટે પ્રેમ સિવાય અન્ય કોઈ શસ્ત્ર જ નથી,' તે તો અવિસ્મરણીય બની રહ્યું છે.
પૂજ્ય બાપુએ સંપૂર્ણ અહિંસક રીતે બ્રિટિશ સરકાર સામે લડત ચલાવી હતી અને તેઓએ દેશને ગુલામીની ચુંગાલમાંથી મુક્ત કર્યો. તેઓ સાબરમતી આશ્રમ છોડી દિલ્હી ગયા ત્યારે કહ્યું હતું કે, 'કાગડા-કૂતરાને મોતે મરીશ પરંતુ આઝાદી લીધા વગર પાછો નહીં આવું.'
તેઓએ રાષ્ટ્રને આઝાદ તો કર્યો પરંતુ કટ્ટરપંથી તેવા ગોડસેએ તેઓને ત્રણ ગોળી મારી. એ દિવસે સાંજના ૫.૨૭ મીનીટે મહાન આત્મા પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયો. પૂ. બાપુને જાણે કે તેની પૂર્વ-ચેતના થઈ હોય તેવા સાબરમતી આશ્રમ સંભાલતા પૂ. છગનભાઈ ઉપર તેઓએ પત્ર લખ્યો હતો, 'છગન, માનવીનાં રખવાળા શરૂ થયાં છે, રામનાં રખવાળા ઊઠી ગયા છે. આ તને મારો છેલ્લો પત્ર છે.
પત્ર ૩૦મીએ સવારે છગનભાઈને મળ્યો હતો. બાપુની સલામતી માટે સાદા પોષાકમાં પોલીસ રખાયા તે જાણતાં, બાપુએ આમ લખ્યું હતું. તે પૂર્વે ેકોઈ પોલીસ ન હતી.
પૂજ્ય બાપુને દુનિયાભરમાંથી શ્રધ્ધાંજલિઓ અપાઈ હતી. તે પૈકી મહાન મેધાવી આલ્બર્ટ આઈન્સ્ટાઇને લખ્યું હતું : 'ભવિષ્યની પ્રજા ભાગ્યે જ માનશે કે, આવી વિભૂતિ હાડ-ચામ ધરી પૃથ્વી પર અવતરી હતી.'
પૂ. બાપુની અંતિમયાત્રા વિષે તે સમયના વાઇસરૉય લોર્ડ લૂઈ માઉન્ટ બેટન, લેડી માઉન્ટ બેટન, જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ અંતિમ યાત્રાનો માર્ગ નિશ્ચિત કરવા ચર્ચા કરતા હતા. પરંતુ નિર્ણય વિષે અવઢવ હતો. ત્યાં નહેરૂ ઉભા થયા. કહ્યું, 'મૈં બાપુ કો પૂછલું,' સરદાર, મૌલાના અવાક થઈ ગયા. માઉન્ટ બેટને હાથ પકડી લીધો. નહેરૂ બેસી ગયા પછી ધુ્રસ્કે, ધુ્રસ્કે બાળકની જેમ રડી પડયા...
... તે દિવસની યાદમાં ગુજરાતના એક કવિએ લખ્યું, 'વિશ્વનો દીપક બુઝાયો... હિન્દનો બાપુ ખોવાયો.' પૂ. બાપુની અંતિમયાત્રામાં ૫ લાખથી વધુ માનવમેદની ઉમટી હતી.