Get The App

દિલ્હી અને બંગાળની આ બેઠક પર ‘બિહારવાળી’, અનેક રસપ્રદ ફેક્ટરના કારણે અહીં છે જોરદાર ટક્કર

Updated: May 15th, 2024


Google NewsGoogle News
દિલ્હી અને બંગાળની આ બેઠક પર ‘બિહારવાળી’, અનેક રસપ્રદ ફેક્ટરના કારણે અહીં છે જોરદાર ટક્કર 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણી પાંચ તબક્કા તરફ આગળ વધી રહી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ અને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો દમદાર ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આજે આપણે દિલ્હીની નોર્થ ઈસ્ટ બેઠક અને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક અંગે ચર્ચા કરીશું, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અન્ય રાજ્યોના દિગ્ગજ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હીની નોર્થ ઈસ્ટ બેઠક પર ભાજપના મનોજ તિવારી વિ. કોંગ્રેસના કન્હૈયા કુમાર

રાજધાની દિલ્હીની નોર્થ ઈસ્ટ દિલ્હી બેઠક (North East seat of Delhi) પર ભાજપે ભોજપુરી સીને સ્ટાર મનોજ તિવારી (Manoj Tiwari)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)ને ઉમેદવાર બનાવ્યા છે. મનોજ તિવારી આ બેઠક પર વર્ષ 2014 અને 2019માં ચૂંટણી જીત્યા હતા અને તેઓ આ જ બેઠક પરથી ફરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના બંને ઉમેદવારો બિહાર (Bihar) સાથે સંકળાયેલા છે. મનોજ તિવારી કૈમૂર (ભભુઆ) જિલ્લાના રહેવાસી છે, જ્યારે JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર બેગૂસરાયના છે.

મનોજ તિવારી અગાઉ સમાજવાદી પાર્ટીમાં હતાં

મનોજ તિવારી અને કન્હૈયા કુમાર, બંને નેતાઓ અગાઉ જુદા જુદા રાજ્યોમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, હવે બંનેએ દિલ્હી તરફ મીટ માંડી છે. મનોજ તિવારી અગાઉ સમાજવાદી પાર્ટીમાં હતાં. તે દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠક પર ભાજપના યોગી આદિત્યનાથ સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ત્યારબાદ તિવારી ભાજપમાં જોડાઈ ગયા હતા અને પાર્ટીએ વર્ષ 2014માં તેમને નોર્ત ઈસ્ટ દિલ્હીની ટિકિટ આપી હતી, જ્યારે તેઓ પ્રથમવાર ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા.

નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણાના લોકો વધુ

કન્હૈયા કુમારની વાત કરીએ તો વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ લેફ્ટની ટિકિટ પર બિહારની બેગૂસરાય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. કન્હૈયા કુમારે પણ મનોજ તિવારીની જેમ પોતાની પ્રથમ ચૂંટણીમાં હાર જોવાની નોબત આવી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા અને ફરી બેગૂસરાય બેઠક પરથી ટિકિટની માંગ કરી હતી. પરંતુ ઈન્ડિયા ગઠબંધનની બેઠક વહેંચણીની રણનીતીના કારણે આ બેઠક લેફ્ટને મળી છે. ત્યારબાદ કોંગ્રેસે કન્હૈયાને નોર્થ ઈસ્ટ દિલ્હીની ટિકિટ આપી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણાના લોકોની વસ્તી વધુ છે અને કદાચ આ જ કારણે ભાજપ અને કોંગ્રેસે બિહારી ચહેરા પર દાવ અજમાવ્યો છે.

આસનસોલમાં TMCના શત્રુઘ્ન વિ. ભાજપના અહલૂવાલિયા

પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) ચૂંટણી મેદાનમાં છે, જ્યારે ભાજપે વર્ધમાન-દુર્ગાપુરના સાંસદ એસ.એસ.અહલૂવાલિયા (SS Ahluwalia)ને ટિકિટ આપી છે. ભાજપે અગાઉ ભોજપુરી ફિલ્મ જગતના સુપરસ્ટાર પવન સિંહને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ ભાજપે અહલૂવાલિયાને ટિકિટ આપી છે. આ બંને ઉમેદવારો બિહારના રહેવાસી છે.

શત્રુઘ્ન સિન્હા અને અહલૂવાલિયા વચ્ચે જામશે ટક્કર

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હા પટના સાબિત બેઠક પર વર્ષો સુધી સાંસદ રહ્યા હતા, ત્યારે અહલુવાલિયા આ જ મતવિસ્તારના મતદાતા છે. આહલુવાલિયાનો જન્મ આસનસોલમાં થયો હતો પરંતુ તેમનું કાયમી સરનામું પટનામાં બોરિંગ કેનાલ રોડ છે. અહલુવાલિયાનું નામ બાંકીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાર તરીકે નોંધાયેલું છે અને આ ક્ષેત્ર પટના સાહિબ લોકસભા મતવિસ્તારમાં આવે છે. કોંગ્રેસમાંથી રાજકીય સફર શરૂ કરનાર અહલુવાલિયા બે વખત બિહારમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2014માં તેઓ દાર્જિલિંગથી અને 2019માં દુર્ગાપુર-બર્ધમાન બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

શત્રુઘ્ન પટણા શાહિબ બેઠક પરથી બે વખત ચૂંટણી જીતી

શત્રુઘ્ન સિન્હા 1996 અને 2002માં ભાજપના રાજ્યસભા સભ્ય હતા. તેમણે વર્ષ 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં પટણા શાહિબ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. બાબુલ સુપ્રિયોએ રાજીનામું આપ્યા બાદ આસનસોલ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ બેઠક પર સિન્હાએ ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી જીત મેળવી હતી. આસનસોલમાં બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના મતદારોની સંખ્યા વધુ છે. આ મતવિસ્તારના 45 ટકા લોકો હિન્દી ભાષી છે. આ ઉપરાંત અહીં શીખોની સંખ્યા આશરે 10 ટકા છે.


Google NewsGoogle News