મનમોહન સિંહે પાકિસ્તાન પર હુમલો કરવાનું મન બનાવી લીધું હતું: બ્રિટનના પૂર્વ PMએ પુસ્તકમાં કર્યો હતો ઉલ્લેખ
Manmohan singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની ઉંમરે ગુરુવારે (26 ડિસેમ્બર) એઇમ્સમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધન પર દેશભરમાં તમામ દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તે દેશના પહેલાં શીખ વડાપ્રધાન હતાં. મનમોહન સિંહ સંત છબી ધરાવતા નેતાના રૂપે જાણીતા હતાં, પરંતુ એકવાર એવું પણ બન્યું જ્યારે મનમોહન સિંહે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું મન બનાવી લીધુ હતું.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાને કહી મોટી વાત
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને પોતાની પુસ્તકમાં ખુલાસો કર્યો કે, મનમોહન સિંહે પાકિસ્તાન પર હુમલો કરવાનો વિચાર કર્યો હતો. કેમરન 2010થી 2016 સુધી બ્રિટનના વડાપ્રધાન રહ્યા. તે મનમોહન સિંહને પોતાના મિત્ર જણાવે છે. તેઓએ પોતાના પુસ્તકમાં મનમોહન સિંહને સંત પુરુષની સંજ્ઞા આપી હતી.
પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી
પોતાના કાર્યકાળ દરમિયાન ત્રણવાર ભારત આવેલા કેમરને યુરોપીયન સંઘને બહાર કાઢવા માટે 2016માં થયેલા જનમત સંગ્રહ બાદ રાજીનામું આપી દીધું હતું. કેમરને પોતાના પુસ્તકમાં કહ્યું કે, 'મનમોહન સિંહ સાથે મારા સારા સંબંધ હતાં. તે એક સંત પુરૂષ હતાં, પરંતુ ભારતની સામે આવતા જોખમો વિશે તે ખૂબ જ કઠોર હતાં. એક યાત્રા દરમિયાન તેઓએ મને કહ્યું હતું કે, જુલાઈ 2011માં મુંબઈમાં થયેલાં આતંકવાદી હુમલા જેવો બીજો એકપણ હુમલો થયો તો ભારતને પાકિસ્તાનની સામે સૈન્ય કાર્યવાહી કરવી પડશે.'
પ્રી-મેડિકલ કોર્સમાં લીધું હતું એડમિશન
મનમોહન સિંહે એક સમય પ્રી-મેડિકલ કોર્સમાં એડમિશન લીધું હતું, કારણકે તેમના પિતા ઇચ્છતા હતા કે, તે ડૉક્ટર બને. પરંતુ, થોડા મહિના બાદ જ તેઓને આ વિષયમાં રસ ન પડતા મેડિકલનો અભ્યાસ મૂકી દીધો. પૂર્વ વડાપ્રધાનની દીકરી દમન સિંહે તેમના પર લખેલા પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસના તમામ કાર્યક્રમ સાત દિવસ માટે રદ્દ
કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં પોતાના તમામ સત્તાવાર કાર્યક્રમોને સાત દિવસ માટે રદ્દ કરી દીધા છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરી, 'દિગ્ગજ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના સન્માનમાં સ્થાપના દિવસ સમારોહ સહિત રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ સત્તાવાર કાર્યક્રમ આવનારા સાત દિવસ માટે રદ્દ કરવામાં આવ્યા છે. આમાં તમામ આંદોલનાત્મક અને સંપર્ક કાર્યક્રમ પણ સામેલ છે.'