મનમોહનસિંહ BMWના બદલે મારુતી 800ને વધારે પસંદ કરતા
- વડા પ્રધાન હોવા છતાં કાફલામાં મારુતી 800નો સમાવેશ કરવાનો આગ્રહ રાખતા પણ સિક્યોરિટી અધિકારીઓ માનતા નહીં
- મનમોહનસિંહના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપમાં રહેલા યુપીના વર્તમાન સાંસદ આસિમ અરુણે પૂર્વ પીએમની સહજ ભાવના વર્ણવી
- પીએમ કાર્યાલયની બારીમાંથી પણ મારુતીને જોતા રહેતા, જાણે કે આ ગાડી જ તેમને એક મિડલક્લાસ વ્યક્તિ હોવાનો અનુભવ કરાવતી હતી
દેશના પૂર્વ પીએમ મનમોહનસિંહે આ ફાની દુનિયાને અલવીદા કહ્યું છે ત્યારે તેમના વ્યક્તિત્ત્વના અને તેમની કામગીરીના ચાહક અને પ્રશંક રહેલા લાખો લોકો તેમની સાથે જોડાયેલી વાતનો વાગોળી રહ્યા છે. વર્તમાન સમયમાં યુપી સરકારમાં સમાજ કલ્યાણ વિભાગના મંત્રી આસિમ અરુણે પોતાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં રજૂ કર્યો છે. તેઓ જ્યારે આઈપીએસ હતા અને દિલ્હીમાં પોસ્ટેડ હતા ત્યારે તેમને પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહના એસપીજી સિક્યોરિટી લેયરમાં સમાવવામાં આવ્યા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી મનમોહનસિંહની સુરક્ષા માટે કામ કર્યું હતું.
આસિમ અરુણે જણાવ્યું કે, એસપીજીમાં ક્લોઝ પ્રોટેક્શન ટીમના ભાગ તરીકે એક વ્યક્તિએ સતત પીએમની સાથે રહેવાનું હોય છે. તે સમયે મનમોહનસિંહ સાથે હું ત્રણ વર્ષ એઆઈજી તરીકે રહ્યો હતો. હું સતત પડછાયાની જેમ તેમની સાથે રહેતો હતો. વડા પ્રધાન માટે ગાડીઓનો મોટો કાફલો તૈયાર રહેતો હતો અને તેમાંય તેમના માટે વિશેષ બીએમડબ્લ્યૂ રાખવામાં આવેલી હતી. તેઓ ઘણી વખત કહેતા કે આસિમ મને આ લક્ઝુરિયસ ગાડી ગમતી નથી. મારી ગમતી ગાડી તો એક જ છે મારુતી ૮૦૦. તે મારી પોતાની ગાડી છે અને તે મને સામાન્ય માણસ સાથે જોડી રાખે છે.
આસિમે વધુમાં જણાવ્યું કે, તેઓ કાયમ પોતાના સામાન્ય વ્યક્તિ માનતા અને ખૂબ જ સરળ સ્વભાવ સાથે રહેતા. હું ત્રણ વર્ષ તેમના પડછાયાની જેમ રહ્યો છું. તેમના માટે એક બીએમડબ્લ્યૂ લેવામાં આવી હતી. તેઓ તે ગાડીમાં બેસવાની આનાકાની કરતા હતા. તેમની પાસે મારુતી ૮૦૦ હતી જે કાયમ કાફલામાં બીએમડબ્લ્યૂની પાછળ ઊભી રહેતી. તેઓ મોટાભાગે મારુતીમાં જ ફરવાનું પસંદ કરતા. એસપીજી પ્રોટોકોલના કારણે અમે તેમને તેમ કરવા દેતા નહીં. તેઓ કહેતા કે, આસિમ આ મારી ગાડી નથી. મારી ગાડી તો આ મારુતી છે. હું સમજાવતો કે સર આ ગાડી તમારા પ્રભાવને વધારવા નહીં પણ તમારી સુરક્ષા માટે જરૂરી છે. ત્યારબાદ તેઓ થોડી આનાકાની કરીને માની જતા. જ્યારે પણ તેમનો કાફલો નીકળતો ત્યારે તેઓ ખૂબ જ સ્નેહ અને જોડાણ સાથે મારુતીને જોઈ રહેતા. તેઓ પોતાની જાતને કહેતા હતા કે, આ મારી ગાડી છે, હું મિડલ ક્લાસ વ્યક્તિ છું. તેમનું ધ્યાન રાખવું મારી જવાબદારી છે.
મનમોહનસિંહના અન્ય એક પાસા વિશે તેમણે જણાવ્યું કે, મનમોહનસિંહ પોતાના સ્ટાફ માટે ખૂબ જ સાવચેત અને લાગણીશિલ રહેતા હતા. તેઓ દરેક વ્યક્તિનું ખાસ ધ્યાન રાખતા હતા. તેમણે મારુતીની જવાબદારી મને આપી હતી. મારે દરરોજ તે ગાડી સાફ કરવાની અને ચાલુ કરીને ચેક કરવાની. પીએમ હાઉસમાં એક ચક્કર મારીને ગાડી ચેક કરવાનું મને કહેવામાં આવ્યું હતું. હું દરરોજ તેમના આદેશ પ્રમાણે ગાડીને સાચવતો હતો. તેઓ ખૂબ જ પ્રતિબદ્ધ, શિસ્તબદ્ધ અને લાગણીશિલ વ્યક્તિ હતા, ખાસ કરીને તેઓ પોતાના સ્ટાફ માટે વધારે લાગણીશિલ હતા. દેશના સંચાલનનું મોટું કામ તેમના માથે હોવા છતાં મનમોહનસિંહ વાચંવાનું ચુકતા નહીં. તેઓ દરરોજ એકાદ પુસ્તક તો વાંચી જ કાઢતા. તેઓ પોતાના કારકિર્દીના સુવર્ણ યુગમાં પણ પુસ્તક વાંચવાનું ચુકતા નહીં. તેઓ એક જ બેઠકમાં ૧૫૦ પાના સુધી વાંચી કાઢતા. તેઓ હંમેશા પોતાની સાથે પુસ્તકો રાખતા અને વાંચતા. આ વાંચનનો તેઓ સંસદમાં પણ ઘણી વખત ઉપયોગ કરતા અને લોકો તેમની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા.