મનમોહનસિંહજી લોકશાહી મજબૂત કરવા માટે હંમેશા યાદ રહેશે : વડાપ્રધાન મોદીએ કરેલી પ્રશંસા
- કાર્યકાળ સમાપ્ત થવાથી રાજ્યસભામાંથી મનમોહનસિંહ નિવૃત્ત થયા
- 2004થી 14 સુધી વડાપ્રધાન પદે રહી તેઓ આ ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહ્યા, ભારતના ઇતિહાસમાં તેઓનાં પ્રદાનની ચર્ચા થશે
નવી દિલ્હી : રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થતાં નિવૃત્ત થનારા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે દેશમાં લોકશાહી મજબૂત કરવામાં તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. રાજ્યસભાના સાંસદ તરીકે અને વડાપ્રધાન તરીકે ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં તેઓએ કરેલાં પ્રદાનની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહજીએ જે રીતે તેઓના કાર્યકાળ દરમિયાન ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું તે લોકશાહીના અને ભારતના ઇતિહાસમાં સતત સ્મરણીય બની રહેશે.
આ સાથે તેઓએ જણાવ્યું કે મનમોહનસિંહજી હંમેશાં રાજ્યસભામાં ઉપસ્થિત રહેતા અને ગૃહમાં મતદાન યોજાવાનું હોય ત્યારે તો અચૂક ઉપસ્થિત રહેતા. તેઓ છેવટે વ્હીલચેરમાં બેસીને પણ સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવા ાવી પહોંચતા હતા. આથી કોઈ બળવત્તર બન્યું હશે કે ન પણ બન્યું હોય. પરંતુ લોકશાહી તેથી બળવત્તર બની જ છે.
૯૧ વર્ષના મનમોહનસિંહનો રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે. તેઓ છ ટર્મ સુધી રાજ્યસભાના સાંસદ પદે રહ્યા હતા. આ વખતે ૫૭ સભ્યો ક્રમાનુસાર નિવૃત્ત થવાના છે તે પૈકી મનમોહનસિંહ પણ છે.