મનમોહન સિંહ ક્લાઈમેટ ક્રાઈસિસ સામે ગ્રીન ગોલ સેટ કરનારા પ્રથમ વડાપ્રધાન
- મનમોહન સિંહે 2008માં નેશનલ સોલર મિશન લોંચ કરીને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું હતું
- તેમના કાર્યકાળમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સ્થાપના થઈ હતી : નેશનલ પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જની પોલિસી બનાવવા ઉપરાંત ફોરેસ્ટ રાઈટ એક્ટ પસાર થયો હતો
મનમોહન સિંહને યોગ્ય રીતે જ દેશની મોડર્ન ઈકોનોમીના શિલ્પી ગણવામાં આવે છે. તેમણે ભારતના અર્થતંત્રને નવી દિશા આપી હતી. પરંતુ એ સિવાય પણ તેમણે એવા ઘણાં મહત્ત્વના કાર્યો કર્યા હતા કે જેની ઓછી ચર્ચા થાય છે. મનમોહન સિંહ દેશના પ્રથમ એવા વડાપ્રધાન હતા કે જેમણે ક્લાઈમેટ ક્રાઈસિસ સામે લડવા માટે ગ્રીન ગોલ સેટ કર્યો હતો. ૨૦૦૪થી ૨૦૧૪ના તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (એનએપીસીસી)ની પોલિસી ઘડી હતી. વિશ્વના ગ્રીન ગોલમાં ભારતે સત્તાવાર રીતે એન્ટ્રી લીધી હતી. તેમણે ગ્રીન એનર્જીથી લઈને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પગલાં ભર્યા હતા.
મનમોહન સિંહની સરકારમાં સૌથી મહત્ત્વની એક સંસ્થા બની હતી, જેનું નામ છે - નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ. એનજીટીના ટૂંકા નામે ઓળખાતી આ સરકારી સ્ટેચ્યુટરી બોડીની સ્થાપના ૨૦૧૦માં થઈ હતી. પર્યાવરણને લગતાં કેસનો નિકાસ કરતી અલાયદી એજન્સી બનાવીને મનમોહન સિંહે પર્યાવરણ, કુદરતી રિસોર્સ બાબતે જે મુદ્દા ઉઠતા હતા તેના સમાધાન લાવવાનું, કાયદાકીય કાર્યવાહીનું કામ ઝડપી બનાવ્યું હતું. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ જેવી સંસ્થા બનાવનારો ભારત વિશ્વનો તે વખતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બાદ માત્ર ત્રીજો દેશ હતો. ૨૦૦૬માં મનમોહન સિંહની સરકાર ફોરેસ્ટ રાઈટ એક્ટ લાવી હતી. એ બહુ જ દૂરગામી પગલું હતું. સેંકડો વર્ષોથી જંગલમાં રહેતા આદિવાસીઓની અવગણના થતી હતી. ખાસ તો એવા કેસમાં કે જેમાં તેઓ સદીઓથી રહે છે એ જમીનનો પ્રશ્ન હોય. મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએની સરકારે પર્યાવરણ અને આદિવાસીઓના હિતોનું રક્ષણ કરતો કાયદો ઘડયો હતો. આ એક્ટના કારણે ૨૫ લાખ જમીનના વિવાદો ઉકેલાયા હતા. એમાંથી ૨૩.૭ લાખ વ્યક્તિગત વિવાદો ઉકેલાયા હતા અને એ જમીન આદિવાસી સમાજને મળી હતી.
ક્લીન એનર્જીની દિશામાં દેશ આગળ વધે તે માટે તેમણે ૨૦૦૮માં નેશનલ સોલર મિશન શરૂ કર્યું હતું અને સોલર એનર્જીમાં દેશને અગ્રેસર બનાવવાનો પાયો નાખ્યો હતો.
કોલસા કૌભાંડના આરોપીઓમાંથી સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહનું નામ હટાવ્યું
મનમોહન સિંહ બીજી ટર્મમાં વડાપ્રધાન હતા ત્યારે અન્ય મંત્રાલયોની સાથે કોલસાનો ચાર્જ પણ તેમની પાસે હતો. તાલાબીરા-૨ ખાણની ફાળવણીમાં ગરબડીનો આરોપ લાગ્યો હતો. એની તપાસ ચાલતી હતી. નીચલી કોર્ટના ન્યાયધીશે અન્ય આરોપીઓની સાથે મનમોહન સિંહને પણ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. તેની સામે મનમોહન સિંહે સુપ્રીમમાં રાહત માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહની અરજી માન્ય રાખી હતી. એ વિવાદમાં કોલસા મંત્રાલયના સચિવ એચસી ગુપ્તા પર ખાણ ફાળવણીમાં ગરબડ કર્યાનો આરોપ હતો. સુપ્રીમે કહ્યું હતું કે મનમોહન સિંહે ગુપ્તાની ભલામણોના આધારે ફાળવણી કરી હતી અને ભલામણને નજર અંદાજ કરીને પોતાનો નિર્ણય કરીને કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરી ન હતી. તેમની પાસે સચિવની ભલામણો ન સ્વીકારવાનું કોઈ કારણ ન હતું. એ બેઝ પર તેઓ આરોપી બની જતા નથી. સુપ્રીમે તેમનું નામ આરોપીઓના લિસ્ટમાંથી હટાવી દીધું હતું.
એક ફોનથી મનમોહન સિંહે વિપક્ષી મુખ્યમંત્રીના ઉપવાસ છોડાવ્યા હતા
મનમોહન સિંહ અજાત શત્રુ હતા એનો પુરાવો એમના મૃત્યુ પછી મળી રહ્યો છે. કોંગ્રેસના વિરોધી પક્ષોના નેતાઓ પણ મનમોહન સિંહના ભરપેટ વખાણ કરી રહ્યા છે. મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે જે રાજ્યોમાં વિરોધ પક્ષની સરકાર હોય એના મુખ્યમંત્રીઓ સાથે પણ સૌમ્ય વ્યવહાર રાખતા હતા. વિરોધપક્ષના મુખ્યમંત્રીઓ પણ મનમોહન સિંહની વાત ટાળી નહોતા શકતા. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે મનમોહન સિંહ હંમેશા બીજા રાજકારણીઓ કરતા અલગ રહ્યા છે. તેઓ વડાપ્રધાન હતા ત્યારે દરેક રાજ્યના મુખ્યમંત્રીને સહકાર આપતા હતા. એક વખત હું રાજ્યના ખેડૂતોની સમસ્યા બાબતે ઉપવાસ પર બેઠો હતો ત્યારે મનમોહન સિંહે મને ફોન કરીને સમસ્યાનો નિકાલ થશે એનું વચન આપીને ઉપવાસ છોડવા માટે કહ્યું હતું. એમની વાત માનીને મે તરત ઉપવાસ છોડી દીધા હતા.
મનમોહન પાકિસ્તાનના નાનપણના મિત્રને મળીને ભાવુક થયા હતા
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું નિધન થવાના પગલે તેમની સાથે જોડાયેલા અનેક કિસ્સા આવવા લાગ્યા છે. આવો એક કિસ્સો ૨૦૦૮નો છે. તે સમયે તેમની મુલાકાત બાળપણના મિત્ર રાજા મોહમ્મદ અલી સાથે થઈ હતી, જે પાકિસ્તાનથી આવ્યા હતા. મનમોહન સિંઘનો જન્મ અખંડ ભારતના પંજાબના ચકવાલ જિલ્લાના ગાહ ગામમાં ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ થયો હતો. વિભાજન સમયે તે ભારત આવી ગયા હતા. ૨૦૦૪માં મનમોહન વડાપ્રધાન બન્યા તો પાકિસ્તાનમાં તે ખબર તેમના ગામ સુધી પહોંચી, જેના લીધે તેમના જૂના મિત્ર રાજા મોહમ્મદ અલીને તેમને મળવાની ઇચ્છા થઈ. નાનપણમાં બંને પાક્કા મિત્ર હતા. રાજા અલી મનમોહનને નાનપણમાં મોહના કહીને બોલાવતા હતા. ૨૦૦૮માં રાજા અલી પોતાના મિત્ર મનમોહનને મળવા ભારત આવ્યા હતા અને તે સમયે બંને ૭૦થી વધુ વયના થઈ ચૂક્યા હતા. મનમોહને તેમના મિત્રને તરત જ ભેટી પડયા હતા. બંને મિત્રોએ એકબીજાને ભેટસોગાદો આપી હતી. અલી મનમોહન માટે ગામની માટી અને પાણી સાથે લાવ્યા હતા અને ગામની તસ્વીર પણ આપી હતી. તેમણે સિંહને ૧૦૦ વર્ષ જૂની શાલ અને તેમના પત્નીને સલવાર કમીઝ આપ્યા હતા. મનમોહન તેમને એક પાઘડી, એક શાલ અને ટાઇટનની ઘડિયાળનો એક સેટ આપ્યો હતો.
અર્થતંત્રના શિલ્પીની વિદાય...
યુવા ટેકનોક્રેટ્સને સરકારમાં જોડાવા પ્રોત્સાહિત કરતા હતા
વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય રાકેશ મોહને મનમોહન સિંહને દેશના મોડર્ન અર્થતંત્રના શિલ્પી ગણાવ્યા
વડાપ્રધાન આર્થિક સલાહકાર સમિતિના સભ્ય, રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી રાકેશ મોહને મનમોહન સિંહને ભારતના મોડર્ન અર્થશાસ્ત્રના શિલ્પી ગણાવીને કહ્યું હતું કે મનમોહન સિંહ એવા વડાપ્રધાન હતા કે જેમણે યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું હતું. મનમોહન સિંહ હંમેશા યુવા ટેકનોક્રેટ્સને સરકારમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા. યુવા અર્થશાસ્ત્રીઓ સરકાર સાથે કામ કરે એવું વાતાવરણ બનાવતા હતા અને યુવાનોને સરકારમાં તક આપતા હતા.
રાકેશ મોહને કહ્યું હતું કે મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન દેશના વડાપ્રધાન રહ્યા ત્યારે અને તે પહેલાં તેઓ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી નાણામંત્રી રહ્યા ત્યારે તેમણે તે સમયે યુવાન હોય એવા અર્થશાસ્ત્રીઓને તક આપી હતી. તેમણે વડાપ્રધાન હતા ત્યારે ઈકોનોમિક એડવાઈઝરી કમિટીમાં મારા સહિત મોન્ટેકસિંહ આહલુવાલિયા, શંકર આચાર્ય, અરવિંદ વિરમાણીને સ્થાન આપ્યું હતું.
તેમણે કિસ્સો શેર કર્યો: હું ત્યારે ૩૨-૩૩ વર્ષનો હતો. ઘણાં વર્ષો વિદેશમાં ભણીને દેશમાં પાછો ફર્યો હતો. તે વખતે મને સરકારમાં કામ કરવાની તક મળી. મને એમ હતું કે ૩૩ વર્ષના યુવાનને તો શું જવાબદારી સોંપાશે? મનમોહન સિંહ તે વખતે પ્લાનિંગ કમિશનમાં સેક્રેટરી હતા. તેમણે મને ચાર-ચાર મહત્ત્વની કમિટીની જવાબદારી સોંપી. જેમાં અર્બન હાઉસિંગ, અર્બન ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ થતો હતો.
પુત્રીઓ પણ પોતાના ક્ષેત્રમાં અવ્વલ
મનમોહન સિંહની અન્ય ખુબીઓની જેમ જ પોતાના અંગત કુટુંબને રાજકારણથી દુર રાખવાની ખુબી પણ ઉડીને આંખે વળગે એમ હતી. મનમોહન સિંહના અંગત જીવન વિશે બહુ ઓછા જાણે છે. મનમોહન સિંહને ત્રણ દીકરીઓ છે. આ ત્રણે પુત્રીઓએ પોતપોતાના ક્ષેત્રમાં નામ કાઢયું છે. ઉપિન્દર સિંહ એક જાણીતા ઇતિહાસકાર છે અને અશોકા વિશ્વ વિદ્યાલયના ડિન છે. પહેલા તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના ચીફ પણ રહી ચૂક્યા છે. બીજા પુત્રી અમૃત સિંહ માનવ અધિકારના ખૂબ જાણીતા વકીલ છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અમૃત સિંહે લોની ડીગ્રી મેળવી હતી. વૈશ્વિક માનવ અધિકાર ક્ષેત્રે એમનું મોટું નામ છે. ત્રીજા પુત્રી તમન સિંહ લેખન ક્ષેત્રે સક્રિય છે. તેમણે સિંહે મનમોહન સિંહની બાયોગ્રાફી 'સ્ટ્રીકલી પર્સનલ મનમોહન એન્ડ ગુરુશરણ મેમોરિયલ' લખી છે.
બ્રિટનના પૂર્વ પીએમ કેમેરોનના પુસ્તકમાં મનમોહનનો રસપ્રદ કિસ્સો
૨૦૧૧ના જુલાઇ મહિનામાં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ પછી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે જો પાકિસ્તાન ફરીથી આતંકવાદી હુમલો કરશે તો ભારત - પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરશે. આ વાત યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કૈમરોને ૨૦૧૯માં આત્મકથા 'ફોર ધ રેકોર્ડ' લખી હતી. આ પુસ્તકમાં કૈમરોને મનમોહન સિંહના દિલ ખોલીને વખાણ કર્યા હતા. કૈમરોને મનમોહન સિંહને એક સંત પુરુષ ગણાવ્યા હતા અને લખ્યું હતું કે ભારત સમક્ષ કોઈપણ જોખમ આવે તો એની સામે સખ્તાઇથી નિપટવા માટે તેઓ તૈયાર હતા. કૈમરોન સાથેની એક મુલાકાત દરમિયાન મનમોહન સિંહે કહ્યું હતું કે ૨૦૧૧ના જુલાઇ મહિનામાં મુંબઈમાં જે પ્રકારના આતંકવાદી હુમલા થયા હતા એ પ્રકારના હુમલા જો પાકિસ્તાન કરશે તો પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે.