Get The App

ભારત પાસે માત્ર 15 દિવસનું ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું અને મનમોહન સિંહે ઐતિહાસિક બજેટ રજૂ કરી અર્થતંત્ર બચાવ્યું

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
Manmohan Singh


Manmohan Singh Historic Budget of 1991: દેશના પૂર્વ વડાપ્રધાન અને ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મોડી સાંજે તેમની તબિયત બગડતાં વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને એઇમ્સના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહ માત્ર ભારતના વડાપ્રધાન જ ન હતા, પરંતુ તેમણે નાણામંત્રી તરીકે પણ કામ કર્યું હતું. તેના નામે ઘણી સિદ્ધિઓ છે. 

1970 અને 1980ના દાયકા દરમિયાન, દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ કેન્દ્ર સરકારમાં ઘણા વરિષ્ઠ અને મહત્ત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેઓ મુખ્ય આર્થિક સલાહકાર, ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર અને પ્લાનિંગ કમિશનના ચીફ જેવા હોદ્દા પર હતા. પરંતુ 1991માં મોડી રાતે થયેલા એક ફોન કોલે ન માત્ર તેમનું આખું જીવન બદલી નાખ્યું પરંતુ તેમને મહાન લોકોની હરોળમાં પણ લાવી દીધા. 

90ના દાયકામાં જ્યારે દેશ મોટી આર્થિક સંકટમાં હતો ત્યારે નાણામંત્રી તરીકે મનમોહન સિંહે એવા મોટા નિર્ણયો લીધા કે જેણે ભારતીય અર્થવ્યવસ્થાનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું, આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન હતું. જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. 

લાયસન્સ રાજ સમાપ્ત કરવા સહિત અનેક મોટા કામો

ડૉ. મનમોહન સિંહે 1991માં નાણામંત્રી રહીને એવી નીતિઓ બનાવી હતી જે દેશની અર્થવ્યવસ્થા માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. આ નીતિઓએ લાયસન્સ રાજનો અંત લાવ્યો, અર્થતંત્રને વિદેશી રોકાણ માટે ખોલ્યું અને વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણના યુગની શરુઆત કરી જેણે દેશની દિશા કાયમ માટે બદલી નાખી. જુલાઈ 1991માં નાણામંત્રી તરીકે, તેમણે ભારતના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરીને તેમાંથી તેને બહાર કાઢ્યો હતો. 

જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી

આ એવો સમય હતો જ્યારે વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયો હતો અને દેશમાં ફુગાવાનો દર ખૂબ જ વધી ગયો હતો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે દેશ નાદારીની આરે આવી ગયો હતો. તે સમયે કેન્દ્રમાં નરસિમ્હા રાવની સરકાર હતી અને આર્થિક કટોકટી વચ્ચે રૂપિયો તૂટી ગયો હતો અને યુએસ ડૉલર સામે 18% ઘટ્યો હતો. ગલ્ફ વોરના કારણે ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી ગઈ હતી. આ એવો સમય હતો જ્યારે ભારત પાસે માત્ર $6 બિલિયન ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું, જે મહત્તમ બે અઠવાડિયા માટે પૂરતું હતું. રાજકોષીય ખાધ લગભગ 8% અને ચાલુ ખાતાની ખાધ 2.5% સુધી પહોંચી ગઈ હતી.

24મી જુલાઈનું એ ઐતિહાસિક બજેટ

આવા સંજોગોમાં તત્કાલિન નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશના 22મા નાણામંત્રી તરીકે તેમના પ્રથમ બજેટ ભાષણ(24 જુલાઈ 1991)માં આર્થિક ઉદારીકરણ માટેની મોટી જાહેરાતો કરી હતી. 1991ના આ બજેટને ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખનાર બજેટ પણ કહેવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કૉર્પોરેટ ટેક્સના દરમાં પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય નિર્ણયોમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, કસ્ટમ ડ્યુટી ઘટાડી, આયાત માટે લાયસન્સ પ્રક્રિયા સરળ બનાવવાની સાથે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની વાત કરવામાં આવી હતી. ખાનગી કંપનીઓને આયાત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવી હતી.

ભારતમાં વિદેશી રોકાણ માટેના દરવાજા ખોલ્યા 

કૉર્પોરેટ ટેક્સમાં વધારો અને TDS દાખલ કરવાની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પરવાનગી આપવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, લગભગ ખતમ થઈ ગયેલા વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે, ભારતીય રિઝર્વ બૅંકે બૅંક ઑફ ઇંગ્લૅન્ડ સહિત અન્ય સંસ્થાઓ પાસે ભારતીય સોનું ગીરવે મૂકવાનો નિર્ણય લીધો અને લગભગ 600 મિલિયન ડૉલરની રકમ એકત્ર કરવામાં આવી. આ રીતે મનમોહન સિંહ દ્વારા લાવવામાં આવેલી નીતિઓ અને સુધારાઓએ ભારતમાં વિદેશી રોકાણ માટેના દરવાજા ખોલ્યા હતા.

આ પણ વાંચો: મનમોહન સિંહ જ એવા એકમાત્ર વડાપ્રધાન છે જેમના ચલણી નોટ પર છે હસ્તાક્ષર, જાણો કારણ

આ પછી, જ્યારે ડૉ. મનમોહન સિંહ 2004થી 2014 સુધી સતત બે ટર્મ માટે દેશના વડાપ્રધાન હતા, આ સમય દરમિયાન પણ તેમના દ્વારા ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ઘણા કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા હતા, જેમાં મનરેગા, શિક્ષણનો અધિકાર કાયદો, આધાર અને ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફર સામેલ હતા.

મનરેગા અને આર.ટી.આઈ

વર્ષ 2005 માં ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારે મનરેગાની શરુઆત કરી હતી. જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની ખાતરી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગ્રામીણોની આજીવિકામાં મોટો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય સરકારને જવાબદાર બનાવવા માટે જૂન 2005માં માહિતી અધિકાર એટલે કે RTI ઍક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.

આધાર કાર્ડની શરુઆત 

મનમોહન સિંહના કાર્યકાળની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાં આધાર કાર્ડની રજૂઆત પણ સામેલ છે. આધાર કાર્ડ યોજના જાન્યુઆરી 2009માં વિવિધ સેવાઓની ઍક્સેસની સુવિધા આપવા માટે શરુ કરવામાં આવી હતી, આજે આધાર દેશના તમામ નાગરિકોની ઓળખ બની ગયું છે.

ખાદ્ય સુરક્ષા અને કૃષિ લોન માફી

મનમોહન સિંહના કાર્યકાળની અન્ય મોટી સિદ્ધિઓમાં દેશમાં કૃષિ સંકટને પહોંચી વળવા માટે રૂ. 60,000 કરોડની લોન માફી અને 2013માં તેમના બીજા કાર્યકાળ દરમિયાન દેશના ગરીબ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમનો સમાવેશ થાય છે.

ભારત પાસે માત્ર 15 દિવસનું ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું અને મનમોહન સિંહે ઐતિહાસિક બજેટ રજૂ કરી અર્થતંત્ર બચાવ્યું 2 - image


Google NewsGoogle News