દેશને નાદારીમાંથી બચાવનારા ડૉ. મનમોહન મિડલ ક્લાસના હીરો હતા
ડૉ. મનમોહનસિંહે મિડલ ક્લાસને પણ ધનિક વર્ગ જે સગવડો ભોગવે છે એ બધી સગવડો ભોગવતો કર્યો. મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણ દ્વારા કાર, કોમ્પ્યુટર્સ, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે બધું સસ્તું કરી દીધું. મોબાઈલ ટેકનોલોજી અને ઈન્ટરનેટની ભારતમાં એન્ટ્રી કરાવીને રોજગારની નવી દિશા ખોલી દીધી. આજે ભારતમાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનોલોજી આધારિત કરોડો નોકરીઓ છે તેનો યશ ડો. મનમોહનસિંહને જાય છે. બ્રાન્ડેડ શૂઝ, મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં, ઈન્ટરનેશન ફૂડ ફ્રેન્ચાઈઝી સહિતનું બધું લાવીને યંગસ્ટર્સને અહેસાસ કરાવ્યો કે, આપણે પછાત નથી. દુનિયાના બીજા વિકસિત દેશોમાં છે એ બધું ભારતમાં લાવીને મનમોહનસિંહે મિડલ ક્લાસની જીંદગી સુધારી નાંખી.
ભારતના વડાપ્રધાનપદે ૧૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી સેવા આપનારા ડો. મનમોહનસિંહ કોહલીએ અંતે આપણી વચ્ચેથી કાયમી વિદાય લઈ લીધા. આધુનિક ભારતની આર્થિક સમૃધ્ધિના પ્રણેતા અને દેશના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણના હીરો ડો. મનમોહનસિંહ લાંબા સમયથી બિમાર હતા. ગુરૂવારે રાત્રે તબિયત વધારે બગડી ગઈ તેથી આઠેક વાગે નવી દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા પણ ડોક્ટરો તેમને ફરી સાજા ના કરી શક્યા. દોઢેક કલાકની મથામણ પછી છેવટે પોણા દસ વાગ્યાની આસપાસ તેમને મૃત જાહેર કરાયા.
ડો. મનમોહનસિંહના નિધન સાથે આઝાદ ભારતના ઈતિહાસનો એક યુગ પૂરો થઈ ગયો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. મનમોહનસિંહે પહેલાં નાણાં મંત્રી તરીકે અને પછી દેશના વડાપ્રધાન તરીકે અત્યંત પ્રસંશનિય કામગીરી કરી. નાણાં મંત્રી તરીકે તો તેમણે નાદારીના આરે આવીને ઉભેલા દેશના અર્થતંત્રને માત્ર ઉગાર્યું જ નહીં પણ એક મજબૂત ઈકોનોમી પણ બનાવી દીધી.
મનમોહનસિંહ ૧૯૯૧માં વડાપ્રધાન બન્યા ત્યારે આર્થિક હાલત ખરાબ હતી. ચંદ્રશેખરના સમયમાં રીઝર્વ બેંકમાં વરસોથી પડેલું દેશનું સોનુ ગિરવે મૂકવાનો વારો આવી ગયેલો ને સરકાર પાસે કર્મચારીઓના પગાર કરવાના પૈસા સુધ્ધાં નહોતા. ૧૯૯૧ના જાન્યુઆરીમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ૧ અબજ ડોલરથી ઓછું હતું. ક્રૂડની આયાત માટે પૂરતા ડોલર નહોતા એટલે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની મદદ માગી. આઈએમએફે ભારતને ૭૫.૫૦ કરોડ ડોલર આપ્યા તેનાથી કશું વળે તેમ નહોતું એટલે બીજા દેશો સામે હાથ લંબાવવો પડેલો. કોઈ દેશ મદદ માટે તૈયાર નહોતો તેથી દેશનું સોનું વેચવાની દરખાસ્ત મૂકાયેલી પણ ઉગ્ર વિરોધ થતાં દાણચોરો પાસેથી જપ્ત કરાયેલું ૨૦ ટન સોનું સ્વિત્ઝરલેન્ડની યુએસબી બેંકમાં ગિરવે મૂકીને ૨૦ કરોડ ડોલરની લોન લીધી હતી.
૧૯૯૧ના જૂનમાં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે ચંદ્રશેખર તેમને બળતું ઘર સોંપીને ગયેલા. નાણાં મંત્રી તરીકે ડો. મનમોહસિંહ પાસે સોનું ગિરવે મૂકવા સિવાય વિકલ્પ નહોતો તેથી રીઝર્વ બેંકે ૧૯૯૧ના જુલાઈમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનમાં કુલ ૪૬.૯૧ ટન સોનું ગિરવે મૂકીને ૪૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ડો. મનમોહનસિંહ કેટલા કાબેલ હતા તેનો પુરાવો એ છે કે, ૧૯૯૧ના ડીસેમ્બરમાં જ તેમણે ૪૦ કરોડ ડોલરની લોન ચૂકવીને ગિરવે મૂકાયેલું ૪૬.૯૧ ટન સોનું પાછું લઈ લીધું. બીજા ૨૦ કરોડ ડોલર ચૂકવીને યુએસબી બેંકમાં ગિરવે મૂકેલું સોનું પણ છોડાવી લીધું હતું.
મનમોહનસિંહે પોતાની આ કાબેલિયતનો પરચો વડાપ્રધાન હતા ત્યારે ૨૦૦૮માં પણ આપેલો. અમેરિકામાં લેહમેન બ્રધર્સ ઉઠી ગઈ પછી ખાનગી બેંકોના ડૂબવાની લાઈન લાગી ગયેલી. આખી દુનિયામાં મંદી ફરી વળેલી પણ ભારતને તેની અસર નહોતી થઈ. મનમોહનસિંહે એ વખતે વ્યાજ દર ઓછા કરાવી દીધેલા કે જેથી લોકો લોન લે અને ખર્ચ કરે તેથી માર્કેટમાં પૈસો ફરતો રહે. સરકારે મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરેલા કે જેથી લોકોને રોજગારી મળે અને વૈશ્વિક મંદીની અસર ના વર્તાય. વિદેશી રોકાણના નિયમો હળવા કરી દેવાયેલા તેથી મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ પણ આવ્યું. આ બધાં પગલાં દ્વારા મનમોહને ભારતીય અર્થતંત્રને મંદીમાં પણ સ્થિર રાખ્યું હતું.
મોદી સરકારની અત્યારની ઘણી યોજનાઓ ડો. મનમોહનસિંહના શાસનકાળમાં શરૂ થયેલી કે જેનાં નામ પછીથી બદલી નંખાયાં. આધાર અને જીએસટી સહિતની પહેલ પણ તેમના શાસનકાળમાં થઈ. અમેરિકા સાથે પરમાણુ કરાર કરીને વિદેશી નીતિને નવી દિશા આપવાનું ને બ્રિક્સની સ્થાપનાનું કામ પણ ડો. મનમોહનસિંહના સમયમાં થયું.
ડો. મનમોહનસિંહે ભૂતકાળમાં ભારતીય અર્થતંત્રની ખરાબ હાલત જોઈ હતી તેથી ફરી એ સ્થિતી ના સર્જાય એ માટે ભારતના સોનાના ભંડારને સમૃધ્ધ કર્યો. મનમોહનસિંહ ૨૦૦૪મા વડાપ્રધાન બન્યા ત્યારે રીઝર્વ બેંક પાસે ૧૦૦ ટનથી પણ ઓછું સોનું હતું. ડો. મનમોહનસિંહે થોડું થોડું સોનું ખરીદવા માંડેલું. ૨૦૦૯માં તેમણે એક સાથે ૨૦૦ ટન સોનું ૬.૭ અબજ ડોલરમાં ખરીદીને ભારતના સોનાનો ભંડાર મોટો કરી નાંખ્યો. ૨૦૧૪માં મનમોહન સરકાર વિદાય થઈ ત્યારે ભારત પાસે ૫૫૭ ટન સોનું હતું.
ડો. મનમોહનસિંહને મિડલ ક્લાસના હીરો માનવામાં આવે છે કેમ કે તેમણે મિડલ ક્લાસને પણ ધનિક વર્ગ જે સગવડો ભોગવે છે એ બધી સગવડો ભોગવતો કર્યો. મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણ દ્વારા કાર, કોમ્પ્યુટર્સ, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે બધું સસ્તું કરી દીધું. મોબાઈલ ટેકનોલોજી અને ઈન્ટરનેટની ભારતમાં એન્ટ્રી કરાવીને રોજગારની નવી દિશા ખોલી દીધી. આજે ભારતમાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનોલોજી આધારિત કરોડો નોકરીઓ છે તેનો યશ ડો. મનમોહનસિંહને જાય છે. બ્રાન્ડેડ શૂઝ, મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં, ઈન્ટરનેશન ફૂડ ફ્રેન્ચાઈઝી સહિતનું બધું લાવીને યંગસ્ટર્સને અહેસાસ કરાવ્યો કે, આપણે પછાત નથી. દુનિયાના બીજા વિકસિત દેશોમાં છે એ બધું ભારતમાં લાવીને મનમોહનસિંહે મિડલ ક્લાસની જીંદગી સુધારી નાંખી.
મનમોહનસિંહ પહેલાં સમાજવાદનું તૂત ચાલતું તેમાં મલ્ટિનેશનલ કંપનીઓને અહીં આવવાની છૂટ નહોતી. અર્થતંત્ર સરકારી અધિકારીઓના ભરોસે ચાલતું. ભારતમાં ૧૯૮૦ના દાયકાના અંત સુધીમાં યુવાનોમાં હતાશાનો માહોલ હતો કેમ કે નોકરીઓ જ નહોતી. બીજી તરફ હલકા રાજકારણીઓ અનામત સહિતની જ્ઞાાતિવાદી રમતોમાંથી બહાર નહોતા આવતા. આર્થિક સુધારાના કારણે જંગી પ્રમાણમાં રોજગારી પેદા થઈ ને દેશના યુવાનોમાં વ્યાપેલી હતાશા ખંખેરાઈ ગઈ. દેશમાં આર્થિક સમૃધ્ધિનો નવો યુગ શરૂ થયો ને તેનાં ફળ આપણે ચાખી રહ્યા છીએ.
ડો. મનમોહનસિંહને એક પત્રકારે એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ગણાવેલા પણ આ અકસ્માત દેશ માટે સુખદ સાબિત થયો હતો.
મનમોહનના પરિવારને કોઈ ઓળખતું નથી, કદી કોઈ ફાયદો જ ના લીધો
ભારતમાં રાજકારણીઓ સત્તા મળે પછી પોતાના પરિવારને ફાયદો કરાવવામાં કોઈ કસર છોડતા નથી ત્યારે ડો. મનમોહનસિંહ એવા રાજકારણી હતા કે જેમણે પોતાના પરિવારને કદી કોઈ ફાયદો ના કરાવ્યો. બલ્કે તેમનો પરિવાર કદી લાઈમલાઈટમાં જ ના આવ્યો. ૧૦ વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હોવા છતાં ભારતમાંથી મોટા ભાગનાં લોકો ડો. મનમોહનસિંહના પરિવાર વિશે જાણતા જ નથી. તેમનાં પત્નિ કે સંતાનો શું કરે છે તેની મોટા ભાગનાં લોકોને ખબર નથી.
મનમોહનસિંહ ૧૯૫૮માં લગ્ન કર્યાં ત્યારે પોતે ૨૬ વર્ષના હતા જ્યારે પત્નિ ગુરશરણ કૌર ૨૧ વર્ષનાં હતાં. આ લગ્નથી ઉપિન્દર, દામન અને અમ્રિત એમ ત્રણ દીકરીઓ થઈ. મનમોહનસિંહની ત્રણેય દીકરી હાઈલી એજ્યુકેટેડ છે અને પોતાની આગવી ઓળખ ધરાવે છે તેથી તેમને કદી કોઈ લાગવગની જરૂર જ ના પડી. ગુરશરણ કૌર પોતે સીખ ધાર્મિક ભજનો એટલે કે કિર્તનનાં ગાયિકા તરીકે જાણીતાં છે.
ઉપિન્દર સિંહ અશોક યુનિવર્સિટીમાં ઈતિહાસનાં પ્રોફેસર છે અને મોટું નામ ધરાવે છે. ઉપિન્દર સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં હિસ્ટરી ડીપાર્ટમેન્ટનાં હેડ પણ રહી ચૂક્યાં છે. ઉપિન્દર સિંહે પ્રાચીન દિલ્લી, ભારતનો ઈતિહાસ સહિત કુલ છ પુસ્તકો લખ્યાં છે. વચલાં દીકરી દામનસિંહ પણ લેખિકા છે અને તેમના પતિ આઈપીએસ ઓફિસર છે. બંનેને એક દીકરો રોહન છે. નાનાં દીકરી અમ્રિત સિંહ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનમાં વકીલ એટલે કે એટર્ની છે અને ન્યુ યોર્કમાં રહે છે.