Get The App

મનમોહનસિંહે શાયરીઓમાં પણ જવાબ આપ્યો હતો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
મનમોહનસિંહે શાયરીઓમાં પણ જવાબ આપ્યો હતો 1 - image


ડો. મનમોહનસિંહે સંસદમાં અને સંસદ બહાર કેટલાક ભાષણો દરમિયાન પોતાની અંદર રહેલા શાયરનો પણ પરિચય કરાવ્યો હતો. લોકસભામાં ૨૩ માર્ચે ૨૦૧૧ના રોજ વોટના બદલામાં નોટોનો મુદ્દો ચર્ચામાં હતો. તત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહન સિંહ વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષના નેતા સુષ્માએ તેમના પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું - તું ઈધર ઉધર કી ન બાત કર, યે બતા કે કારવાં ક્યોં લૂટા, મુઝે રહજનો સે ગિલા નહીં, તેરી રહબરી કા સવાલ હૈ. આ દરમિયાન વડા પ્રધાન મનમોહન સિંહે જવાબમાં કહ્યું હતું - માના કે તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં, તુ મેરા શોક તો દેખ મેરા ઈંતજાર તો દેખ.' તેવી જ રીતે ઓગસ્ટમાં સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું. ૨૭ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ સંસદમાં સંબોધન દરમિયાન મનમોહન સરકાર પર કોલ બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો. મનમોહન સિંહે કહ્યું હતું કે, કોલ બ્લોક ફાળવણી અંગે કેગના રિપોર્ટમાં કરવામાં આવેલી ગેરરીતિઓના આરોપો તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ પાયાવિહોણા છે. લોકસભામાં પોતાનું નિવેદન આપ્યા બાદ તેમણે સંસદ ભવન બહાર મીડિયાને પણ નિવેદન આપ્યું હતું. તેમના 'મૌન' પર તેમને ટોણો મારનારાઓને જવાબ આપતાં તેમણે આ શેર સંભળાવ્યો, 'હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખી'.

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 2010માં ડૉ. મનમોહનસિંહ સ્કોલરશિપ સ્કીમ શરૂ કરી હતી

મનમોહનસિંહ રાજકારણી હોવા કરતા એક અર્થકારણી વધારે હતા. તેમણે દેશના અર્થતંત્રને જે વેગ આપ્યો છે અને પોતાના શિક્ષણ અને મહાવરાનો જે રીતે ઉપયોગ કર્યો છે તેના કારણે દેશ આર્થિક રીતે વધારે મજબૂત થયો છે. ડો. મનમોનહસિંહે પંજાબ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને પીજી કર્યા બાદ બ્રિટન અને અમેરિકા જઈને વિશેષ અભ્યાસ કર્યો હતો. તેમાંય કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે તેમનું વિશેષ જોડાણ હતું. ભારતને ૧૯૯૧ની આર્થિક કોટકટીમાંથી જે રીતે તેમણે બહાર કાઢ્યો ત્યારબાદ તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતા અર્થશાસ્ત્રીઓની હરોળમાં થવા લાગ્યું હતું. 

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ૨૦૧૦માં ડો. મનમોહનસિંહના સન્માનમાં ડો. મનમોહનસિંહ સ્કોલરશિપ આપવાનું શરૂ કર્યું હતું. આ સ્કોલરશિપ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ સેન્ટ જોન કોલેજમાં અભ્યાસ કરવા માટે જઈ શકે છે. આ કોલેજ દ્વારા મનમોહનસિંહે ઓનરરી ડિગ્રી પણ આપવામાં આવી છે. આ સ્કોલરશિપ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઈકોનોમિક્સ, સોશિયલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી શકે છે. આ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીને ઈન્ડિયાથી બ્રિટન જવાની એર ટિકિટ ઉપરાંત ત્યાં રહેવાનો, ભણવાનો અને મહિને સ્ટાઈપેન્ડ આપવાનો ખર્ચો પણ કેમ્બ્રિજ આપે છે. આ સ્કોલરશિપની રકમ અંદાજે ૩૫,૦૦૦ પાઉન્ડ થાય છે.  

19 સપ્ટેમ્બર 2023 : વ્હીલ ચેર પર બેસીને સંસદમાં પહોંચ્યા

મનમોહન સિંહ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વ્હીલ ચેર પર બેસીને સાંસદ તરીકે રાજ્યસભા પહોંચ્યા હતા. આ પહેલા ૭ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ તેઓ વ્હીલચેર પર સંસદની કાર્યવાહીમાં પણ હાજર રહ્યા હતા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પીએમ મોદીએ કહ્યું હતું - થોડા દિવસો પહેલા વોટિંગની તક હતી. જીત સત્તાધારી પક્ષની જ થશે તે બધા જ જાણતા હતા. તેમ છતાં સ્થિતિમાં એક મોટો તફાવત હતો કે, મનમોહન સિંહજી વ્હીલચેરમાં બેસીને પણ આવ્યા અને મતદાન કર્યું. એક સાંસદ પોતાની જવાબદારીઓ પ્રત્યે કેટલા પ્રતિબદ્ધ છે તેનું તેમણે ઉદાહરણ પૂરું પાડયું હતું. હું માનું છું કે તેઓ લોકશાહીને મજબૂત કરવા આવ્યા હતા.

મનમોહનસિંહે વાદળી પાઘડી જ પહેરી હતી

પૂર્વ વડાપ્રધાન  મનમોહન સિંહ ઘણીવાર વાદળી પાઘડી પહેરતા હતા. તેની પાછળ અનોખું કારણ રહેલું છે. આ અંગે તેમણે ૧૧ ઓક્ટોબર ૨૦૦૬ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેનો ખુલાસો કર્યો હતો. એડિનબર્ગના ડયુક પ્રિન્સ ફિલિપે તેમને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સ ફિલિપે ભાષણમાં કહ્યું હતું કે, 'તમે મનમોહનસિંહની પાઘડીના રંગ પર ધ્યાન આપો.' આ વિશે બાદમાં સંબોધન કરતા ડો. મનમોહન સિંહે કહ્યું કે વાદળી રંગ તેમના અલ્મામેટર કેમ્બ્રિજનું પ્રતીક છે. મારી પાસે કેમ્બ્રિજમાંના મારા દિવસોની ઊંડી યાદો છે. આછો વાદળી રંગ મારો પ્રિય છે તેથી તે ઘણીવાર મારી પાઘડી પર દેખાય છે.


Google NewsGoogle News