17 મહિના બાદ જેલમાંથી છૂટ્યાં મનીષ સિસોદિયા, ભાવુક થઈ કહ્યું- બાબા સાહેબનો ઋણી રહીશ
Manish Sisodia Bail : દિલ્હી પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે કોર્ટથી સૌથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા 17 મહિના બાદ તેઓ તિહાડ જેલમાંથી છૂટ્યા છે.
બહાર આવતા જ થઈ ગયા ભાવુક
મનીષ સિસોદિયાનું જેલ બહાર સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઑ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આતિષી સહિતના દિગ્ગજ નેતાઓ પણ તિહાડ જેલ બહાર ઉપસ્થિત હતા. જેલથી બહાર આવ્યા બાદ સિસોદિયા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, કે 'દેશનું બંધારણ નિર્દોષ લોકોને બચાવશે. તાનાશાહી સરકારથી આ બંધારણ જ બચાવશે. જલ્દી જ કેજરીવાલ પણ જેલથી બહાર આવશે. આજે મને બંધારણની શક્તિનો અનુભવ થયો છે. હું સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરું છું.'
AAP નેતાઓએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું, કે ED-CBIની પોલ ખૂલી ગઈ છે. 17 મહિના સુધી એવા વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો જેણે શિક્ષણ વ્યવસ્થાને એક નવી દિશા આપી. અમે તો પહેલા દિવસથી કહી રહ્યા હતા કે કોર્ટમાં આ કેસ એક દિવસ પણ નહીં ટકે.
નોંધનીય છે કે નવ માર્ચ, 2023ના રોજ EDએ દારૂ નીતિ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરીએ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.