જેલમાંથી બહાર આવતા જ મનીષ સિસોદિયાએ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું કરી દીધું એલાન
Image Source: Twitter
Manish Sisodia: દિલ્હી પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે કોર્ટથી સૌથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા 17 મહિના બાદ તેઓ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તેનાથી આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. દિલ્હીમાં આગામી 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મનીષ સિસોદિયાની મુક્તિ પાર્ટી માટે સંજીવની માનવામાં આવી રહી છે. હવે આ વચ્ચે જેલમાંથી બહાર આવતાં જ મનીષ સિસોદિયાએ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન કરી દીધું છે.
ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન
તેમણે આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા મિશનનું એલાન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ડિપોઝીટ જપ્ત થશે. આ માટે તેમણે AAP કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારી કરવા માટે કહ્યું છે. ભાજપને બતાવવા માંગુ છું કે, વોટ શોધતાં જ રહી જશો. આજથી જ આપણે કામે લાગી જવાનું છે. દિલ્હીના લોકો હરિયાણાના લોકો આ લડાઈ માત્ર તમારી જ નથી, આ લડાઈ સત્ય અને દેશને બચાવવાની છે. આ લડાઈ તાનાશાહીથી દેશને બચાવવાની છે.
AAPના દિગ્ગજ નેતાએ આગળ કહ્યું કે, ભાજપ માત્ર વિપક્ષના નેતાઓને જ હેરાન નથી કરી રહી. તેઓ ફંડના ધંધામાં મોટા-મોટા વેપારીઓને નોટિસ ફટકારીને જેલ હવાલે કરી દે છે. આ તાનાશાહી નથી તો શું છે? આપણે તેની વિરુદ્ધ લડવાનું છે. આ અગાઉ ગોપાલ રાયે કહ્યું હતું કે, મનીષ સિસોદિયાના જામીન આગામી વિધાનસભામાં ભાજપની ડિપોઝિટ જપ્ત થવાની શરૂઆત છે. મનીષ સિસોદિયાના જામીન એ વાતનું એલાન છે કે, તાનાશાહી કેટલી પણ મજબૂત કેમ ન હોય તેનો પરાજય થાય જ છે અને ભલે વિલંબ થાય પણ સત્યને જીત મળે જ છે.
સત્ય અને ઈમાનદારીની જીત થઈ
આ દરમિયાન સિસોદિયાએ વધુમાં કહ્યું કે, 'મને લાગતું હતું કે 7-8 મહિનામાં ન્યાય મળશે પરંતુ 17 મહિના પછી સત્ય અને ઈમાનદારીની જીત થઈ છે. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. તેઓએ મારા પર, સંજય સિંહ પર એવી, એવી કલમો લગાડવાનો પ્રયાસ કર્યો, જે આતંકવાદી અને ડ્રગ માફિયાઓ પર લગાડવામાં આવે છે. જેથી જેલમાં જ સડી જાય. પરંતુ તમારા આંસુની અસર એવી થઈ કે જેલના તાળા પણ ઓગળી ગયા. બજરંગ બલિના આશીર્વાદથી જ હું તમારી સામે છું.
મનીષ સિસોદિયાની ધરપકડ
મનીષ સિસોદિયાની ભ્રષ્ટાચારના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ અને EDએ 9 માર્ચ 2023ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.