મણિપુરના મુખ્યમંત્રી સામે મહિલાઓની 'મશાલ રેલી', બે સૈનિક શહીદ થયા પછી આક્રોશ
મોરેહમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે સૈનિક શહીદ થયા બાદ રેલીનુ આયોજન કરાયું હતું
Manipur Violence: મણિપુરમાં હિંસાને લઈને બુધવારે રાજધાની ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ 'મશાલ રેલી' યોજી હતી. આ દરમિયાન તેમણે ગત વર્ષથી રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી હતી. આ રેલી તેંગનોઉપલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર એક સરહદી શહેર મોરેહમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે સૈનિકોના શહીદ થયા બાદ આ રેલી કાઢવામાં આવી હતી.
મીરા પાઈબી (Meira Paibi) સંગઠન સાથે સંકળાયેલી આ મહિલાઓ માલોમ, કીશમપત અને ક્વાકીથેલ વિસ્તારોમાંથી આવી હતી અને તેઓએ રેલી દરમિયાન રાજ્યના સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દરમિયાન દેખાવો કરી રહેલી મહિલાઓએ મુખ્યમંત્રી સચિવાલયમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને અંદર જતા અટકાવી દીધા હતા.
SOO કરાર રદ કરો: દેખાવકાર મહિલાઓની માગ
દેખાવ કરતી મહિલાઓએ મોરેહ અને મણિપુરના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં જ થયેલા ગોળીબારની ઘટનાઓની નિંદા કરી અને ઉગ્રવાદી સંગઠનો સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SOO) કરારને રદ કરવાની માંગ કરી હતી. 22 ઓગસ્ટ 2008ના રોજ ઉગ્રવાદી જૂથો સાથે રાજકીય વાટાઘાટો શરૂ કરવાના હેતુથી આ કરાર કરવામાં આવ્યો હતો.
મોરેહમાં બે જવાનોની હત્યા
મોરેહના ચિકિમ ગામમાં 17 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 4 વાગ્યે પહાડી વિસ્તારમાં સશસ્ત્ર ઉગ્રવાદીઓઓ હુમલો કર્યો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે જવાનો સૂઈ રહ્યા હતા. ઉગ્રવાદીઓના આ હુમલામાં બે જવાનો શહીદ થઈ ગઈ હતા.