ભડકે બળતાં ભાજપ શાસિત રાજ્ય મણિપુરમાં મોડર્ન હથિયારો ક્યાંથી આવી રહ્યા છે?
Image: IANS |
Manipur Violence Update : છેલ્લાં 1 વર્ષ 4 મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુરમાં હજુ પણ જનજીવન સામાન્ય નથી થયું. દરરોજ ક્યાંકને ક્યાંક હિંસાની આગ જોવા મળી રહી છે અને તેમાં ઘણાં નિર્દોષ લોકો હોમાઈ રહ્યા છે.
જેમ-જેમ સમય વીતી રહ્યો છે, તેમ-તેમ હિંસાનું રૂપ પણ મોટું થઈ રહ્યું છે. કાલ સુધી જે લોકો હાથમાં દંડા લઈને તોડફોડ અને હિંસા કરતાં હતા તે લોકો હવે ડ્રોન અને રૉકેટ લૉન્ચરથી હુમલો કરી રહ્યા છે. જો કે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ વિદ્રોહીઓ પાસે મોડર્ન વેપન આવે છે ક્યાંથી? હાઇટેક શસ્ત્ર ભંડાર તેમને આપી કોણ રહ્યું છે?
મણિપુરમાં આકાશી આતંક
આકાશી આતંક સાંભળીને તમને નવાઈ લાગી રહી હશે, પરંતુ મણિપુર છેલ્લા ઘણાં દિવસોથી આ સહન કરી રહ્યું છે. ઇમ્ફાલ વેસ્ટમાં આવેલું કદમબન આ ડ્રોન હુમલા સહન કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે અહીં પહેલો ડ્રોન બોમ્બ એટેક થયો હતો.
સૌથી વધારે જોખમ KPI વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એક બાજુ નાગા વસ્તી રહે છે તો બીજી બાજુ કુકી વસ્તી અને ઉપરથી અટેક થઈ રહ્યા છે. આ જ વિસ્તારમાં કાંગપોપકી વિસ્તાર છે જ્યાં સિગાદમ ડેમ પણ છે. જેની બાજુમાં એલાઇડ પર્વત છે અને તેની ટોચથી ડ્રોન ઑપરેટ કરવામાં આવે છે. ડ્રોનને ઑપરેટ કરીને કદમબનને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પર્વતની ઉપર આતંકવાદનો ખોફનાક કિલ્લો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ
હુમલાખોરો પાસે છે ખતરનાક હથિયાર
ડ્રોન હુમલા સિવાય પણ વિદ્રોહીઓ પાસે ઘણાં ખતરનાક હથિયાર હાજર છે. L9A1 51 mm light mortar જેવા હથિયાર પણ આ હુમલાખોરો પાસે જોવા મળી રહ્યા છે, જે એક હાઇ એક્સપોલોસિવ બોમ્બ છે. હુમલાખોરોએ જણાવ્યું કે, તેઓને શિલોંગમાં નેપામાં જઈને પોલીસ ટ્રેનિંગ ઍકેડમીમાં ટ્રેનિંગ લીધી છે. A1-51 મોર્ટાર સિવાય તેમની પાસે AK-47, ઇંસાસ રાઇફલ, ઇસાપોર ફેકટરીમા& બનેલી 7.64 મિલિમીટરની સેલ્ફ લોડિંગ રાઇફલ્સ અને સ્ટેન કાર્બાઇન જેવા હથિયાર પણ છે. ઘણાં રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મણિપુરને હથિયાર ચીન અને મ્યાનમાર જેવા દેશો સપ્લાય કરી રહ્યા છે.
બચવા માટે લોકોએ લીધો બંકરનો સહારો
ડ્રોનથી થતાં વિસ્ફોટક હુમલાથી બચવા માટે લોકો બંકર બનાવી રહ્યા છે. સ્થાનિક લોકોએ આવા એક નહીં પરંતુ અલગ-અલગ વિસ્તારમાં ઘણાં બંકરો બનાવ્યા છે. રોટેશન વાઇઝ લોકો 24 કલાક ડ્યુટી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ક્યારે એટેક થશે તેનો કોઈ ભરોસો નથી. હુમલાનું જોખમ દરરોજ 24 કલાક રહે છે. બન્કરમાં એક માણસ 3-3 કલાક ડ્યુટી કરે છે.