મણિપુરમાં ઉગ્રવાદીઓએ એક જ પરિવારના 6 સભ્યોનું અપહરણ કર્યું, 3નાં મૃતદેહ મળતાં હડકંપ
Manipur Violence: મણિપુરના જીરબામમાં હિંસા યથાવત છે. શુક્રવારે (15મી નવેમ્બર) ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. મણિપુર-આસામ બોર્ડર પાસે બે શિશુ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અહેવાલો અનુસાર, કેટલાક દિવસો પહેલા પરિવારના છ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
મૈઇતી પરિવારના છ લોકોનું અપહરણ
પોલીસના જણાવ્યાનુસાર, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આ મૃતદેહો અપહરણ કરાયેલા લોકોના છે કે અન્ય કોઈના. હવે મૃતદેહોનો DMA ટેસ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે, મંગળવારે જ જીરીબામમાં જ સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 10 આતંકીવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓએ CRPFની ચોકી પર હુમલો કર્યો હતો. આ જ ગામમાં મૈતેઈ પરિવારના છ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, કારની ટક્કરમાં ટેમ્પો ખીણમાં ખાબકતાં યુપીમાં 7નાં દર્દનાક મોત
આતંકવાદીઓએ જ પરિવારનું અપહરણ કર્યું હતું. જીરબામના રહેવાસી લૈશરામ હેરોજિતે કહ્યું, 'મારી પત્ની, બે બાળકો, સાસુ, ભાભી અને તેના બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે સમયે હું પણ ઘરે હાજર હતો. હું દિલ્હી સરકારને મારા પરિવારને બચાવવા વિનંતી કરું છું.'
મણિપુરમાં હિંસા હજુ અટકી નથી
મણિપુરમાં ત્રીજી મે 2023થી હિંસાની ઘટનાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મણિપુરમાં વધારાના દળો પણ તહેનાત કર્યા છે. જો કે, હિંસા હજુ અટકી નથી. મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં શુક્રવારે મોટી સંખ્યામાં લોકો જિરીબામમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ સાથે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા.