મણિપુર ફરી સેનાના હવાલે, વરિષ્ઠ પોલીસકર્મીના અપહરણ પછી આસામ રાઈફલ્સની ચાર ટુકડી તહેનાત

200 લોકોએ પોલીસ કર્મીના ઘરે હુમલો કર્યા બાદ મામલો બિચક્યો : ધરપકડ કરાયેલા લોકોને છોડી મુકવા એક ગ્રૂપનું વિરોધ પ્રદર્શન, બીજીતરફ પોલીસ અધિકારીઓના અપહરણ મામલે મણિપુર પોલીસ કમાન્ડોએ પણ વિરોધ નોંધાવ્યો

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
મણિપુર ફરી સેનાના હવાલે, વરિષ્ઠ પોલીસકર્મીના અપહરણ પછી આસામ રાઈફલ્સની ચાર ટુકડી તહેનાત 1 - image


Manipur Violence : મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓને તહેનાત કરી દેવાઈ છે. જોકે પોલીસ અને સુરક્ષા દળોની કાર્યવાહી બાદ અપહ્યત અધિકારીને બચાવી લેવાયા છે. એવું કહેવાય છે કે, લગભગ 200 લોકોએ અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું હતું. બીજીતરફ મણિપુર પોલીસ કમાન્ડો (Manipur Police Commando)એ પણ અપહરણ મામલો વિરોધ નોંધાવ્યો છે.

અધિકારીના નિવાસસ્થાન પર આડેધડ ગોળીબાર

વાસ્તવમાં મંગળવારે સાંજે ઘટનાની માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, ‘અમિત કુમારે કથિત વાહન ચોરીના આરોપમાં અરામબાઈ તેંગગોલના કેડરના છ સભ્યોની ધરપકડ કરી હતી. જે મામલે કેડરના કેટલાક સભ્યો કુમારના નિવાસ સ્થાને ઘુસી આવ્યા હતા અને તોડફોડ મચાવ્યા બાદ વાહનો પર આડેધડ ગોળીબાર કરી ઓછામાં ઓછા ચાર વાહનોને નુકસાન કર્યું હતું.’

અપહ્યત અધિકારીને સુરક્ષિત બચાવાયા

ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે, ‘મણિપુર પોલીસના ઓપરેશન વિંગમાં તહેનાત અધિક પોલીસ અધિક્ષક અમિત કુમારને પોલીસ અને સુરક્ષા દળોએ સુરક્ષિત બચાવી લીધા છે. હાલ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.’

છ લોકોની ધરપકડ કરવાના મામલે અધિકારીના ઘરે હુમલો

કેડરના છ સભ્યોની ધરપકડ કરાયા બાદ મેઈતેઈ મહિલા ગ્રૂપ હેઠળના મીરા પૈબિસના એક ગ્રૂપ પણ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને ધરપકડ કરાયેલા છ લોકોને છોડી મુકવા રસ્તો જામ કરી દીધો હતો. પ્રદર્શન કરનારાઓની સંખ્યા વધુ હોવાના કારણે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, કુમારના નિવાસસ્થાને હુમલો કરવા આવેલા કેડરના સભ્યો સશસ્ત્રોથી સજ્જ હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીના અપહરણ મામલે મણિપુર પોલીસ કમાન્ડો હથિયારો નીચે મુકી વિરોધ નોંધાવ્યો છે.

હથિયારધારીઓએ ઘરમાં ઘુસી વાહનોને નુકસાન પહોંચાડ્યું

ઘટના અંગે અમિત કુમારના પિતા એમ.કુલ્લાએ જણાવ્યું કે, ‘કેટલાક લોકો હથિયારો સાથે અમારા ઘરમાં ઘુસી આવ્યા હતા. ત્યારે અને તેમની સાથે વાત કરાવનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા અને અચાનક વાહનો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન અમે લોકો તુરંત ઘરની અંદર ઘુસી ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો.’ ત્યારબાદ પિતાના નિવેદન મુજબ અધિકારીઓએ જણાવ્યું કે, ‘પિતાએ તુરંત દીકરા કુમારને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી. પછી તેઓ તુરંત ટીમ લઈ ત્યાં પહોંચ્યા, પરંતુ તેમનું અપહરણ કરી લેવાયું.

સ્થિતિ વણસતા રાજ્ય સરકારે સેનાની મદદ માંગી

અધિકારીનું અપહરણ કરી હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાંથી જરૂરી વિગતો મેળવી તુરંત કાર્યવાહી હાથ ધરી કેટલાક કલાકોમાં કુમારને છોડાવીને લઈ આવી હતી. ત્યારબાદ સ્થિતિ વધુ બગડતા રાજ્ય સરકારે સેનાની મદદ માંગી છે. અધિકારીઓએ કહ્યું કે, આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓની માંગ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં ઘટના બની ત્યાં તહેનાત કરાઈ છે.


Google NewsGoogle News