VIDEO: મણિપુરમાં ફરી બબાલ, રાજભવન પર પથ્થરમારો, 20થી વધુ ઈજાગ્રસ્ત, સુરક્ષાકર્મીઓ ભાગ્યા
Manipur Violence : મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસાની ઘટના બની છે. મૈતેઈ સમુદાયના અનેક વિદ્યાર્થીઓએ રાજભવનમાં પથ્થરમારો કર્યો છે. અહેવાલો મુજબ આ ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પથ્થરમારામાં સુરક્ષા કર્મચારીઓએ પણ ભાગવાની નોબત આવી છે. એવું કહેવાય છે કે, રાજ્યમાં થોડા દિવસો પહેલા હિંસા થઈ હતી, તેના વિરોધમાં પથ્થરમારો કરનારાઓ બે દિવસથી દેખાવો કરી રહ્યા હતા. દેખવકારો કેન્દ્રીય દળોને પાછા ખેંચવા તેમજ મુખ્યમંત્રી એન.બીરેન સિંહને એકીકૃત દળોની કમાન સંભાળવાની માગ કરી રહ્યા છે.
ડ્રોન-મિસાઈલ હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓના દેખાવો
મળતા અહેવાલો મુજબ, મણિપુરમાં ડ્રોન અને મિસાઈલ હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ મુખ્યમંત્રી સચિવાલય અને રાજભવનના ગેટ પર દેખાવો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ હુમલા માટે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ આવી પરિસ્થિતિઓનો કડકાઈથી સામનો ન કરવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં મણિપુરમાં ડ્રોનથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોના મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
દરમિયાન દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ છે. આ દરમિયાન રબર બુલેટ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે, જેમાં 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં મે-2023થી સતત હિંસાની ઘટનાઓ બનતી રહી છે. આ દરમિયાન કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે ઘણી વખત અથડામણોના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી ઘટનાઓમાં છેલ્લા અઠવાડિયામાં આઠ લોકોના મોત થયા છે.
હુમલાઓને ધ્યાને રાખી સુરક્ષાના પગલાં વધારાયા
તાજેતરમાં મેતેઇ વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો અને પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર રોકેટ હુમલો કરાયો હતો. આ ઉપરાંત કુકી અને મેતેઈ લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ તમામ ઘટનાઓને ધ્યાને રાખી રાજ્ય સરકારે એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ તહેનાત કરી છે અને સુરક્ષાના પગલાં વધારી દીધા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત