મણિપુરમાં ફરી હિંસા ભડકતાં સૈન્યએ હેલિકોપ્ટર ઊતાર્યું, સુરક્ષાદળોના હથિયારો લૂંટવાના પ્રયાસ
Manipur Violence: મણિપુરમાં ફરી એકવખત હિંસાની આગ સળગી ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસમાં જિરીબામ જિલ્લામાં થયેલ હિંસામાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં એક વ્યક્તિની તો ઉંઘમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અમુક બદમાશોએ ઈમ્ફાલ પૂર્વીય જિલ્લામાં મણીપુર રાઈફલ્સની બે બટાલિયનોના શસ્ત્રાગારમાંથી હથિયારો લૂંટવાની કોશિશ કરી હતી, પરંતુ, સુરક્ષા બળોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. તેમજ રાઉન્ડ ફાયર કરી ભીડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના હથિયાર લૂંટવાનો પ્રયાસ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજે અમુક બદમાશોએ સાતમી અને બીજી મણિપુર રાઈફલ્સ બટાલિયન પાસેથી હથિયાર લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંયુક્ત સુરક્ષા દળો આ ટોળાને વિખેરવા સફળ રહી હતી. જો કે, બીજી તરફ બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે પોલીસ ઘાયલ થયા હતાં.
વરિષ્ઠ અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે ફરી એકવાર તમામને અપીલ કરી છે કે, તે કાયદાને પોતાના હાથમાં ન લે. આ પ્રકારના દુઃસાહસના કારણે બદમાશોની ટોળકીને આકરી સજા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ NDAના કદાવર નેતાનો ઊઠતો અવાજ દબાવી દેવા ભાજપનો પ્લાન! 'કાકા'ને મોટું પદ આપવાની તૈયારી
સૈન્ય હેલિકોપ્ટર તૈનાત
હિંસાના વધતી ઘટનાઓના કારણે હવાઈ દેખરેખ રાખવા માટે સૈન્ય હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે અને ઉગ્રવાદીઓના ડ્રોન તોડી પાડવા એન્ટી ડ્રોન પ્રણાલી પણ સજ્જ કરવામાં આવી છે.
હથિયાર અને દારૂગોળો જપ્ત
મણિપુરમાં ગતવર્ષે મેમાં જાતિય હિંસા ભડકાવ્યા બાદ, હિંસક ભીડે મણિપુર પોલીસના શસ્ત્રાગાર અને જિલ્લામાં અન્ય સુરક્ષા ચોકીઓમાંથી 4000થી વધુ અત્યાધુનિક હથિયારો અને લાખો દારૂગોળાઓ લૂંટી દીધા હતા. જો કે, સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં આ લૂંટાયેલા હથિયારો અને દારૂગોળાઓ જપ્ત કર્યા હતા.