મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની ઓફિસ પર 400થી વધુ લોકોના ટોળાનો હિંસક હુમલો
દરમિયાન ટોળામાં સામેલ હિંસક લોકોએ સરકારી વાહનોને આગ ચાંપી
image : Twitter |
Manipur news | મણિપુરમાં ફરી એકવાર હિંસા વધવા લાગી છે. 400થી વધુ લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ તથા ડીસીના કાર્યાલયને ઘેરી લેતાં જોરદાર તોડફોડ મચાવી હતી. દરમિયાન ટોળામાં સામેલ હિંસક લોકોએ સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.
આ વખતે કેમ ભડકી હિંસા?
ખરેખર તો આખી હિંસા એક પોલીસ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાને કારણે થઈ હતી. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન અથડામણમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો અને 30 થી વધુ લોકો ઘવાયા હતા. જો કે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા પરિસ્થિતિને કાબૂ કરી લેવાઈ હતી.
300-400 લોકો સામેલ હતા હિંસક ટોળામાં
પોલીસે જણાવ્યું કે 300-400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જે બાદ આરએએફ સહિત અન્ય સુરક્ષા દળો તરત જ એક્ટિવ થઈ ગયા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી. ભીડને વેરવિખેર કરવા ટીયર ગેસના શેલ પણ છોડાયા હતા.
હથિયારધારી લોકો સાથે જોવા મળ્યો પોલીસ કર્મચારી
સમગ્ર વિવાદ એક પોલીસ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના કારણે શરૂ થયો હતો. પોલીસનું કહેવું છે કે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ સિયામલાલપોલ ગામના હથિયારધારી લોકો અને સ્વયંસેવકો સાથે બેઠેલા જોવા મળ્યો હતો. જેના કારણે ચુરાચંદપુરના એસપી શિવાનંદ સુર્વેએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે શિસ્તબદ્ધ પોલીસ દળના સભ્ય હોવાને લીધે આ એક ગંભીર ગુનો હતો.