મણિપુર હજુ પણ ભડકે બળે છે, આ વર્ષે પણ હિંસા જારી
મે ,૨૦૨૩માં મણિપુરના ઇમ્ફાલમાં જેમની બહુમતી છે તેવી મૈતેઈ જાતિ અને આજુબાજુ પર્વતમાળામાં રહેતી કુકી જાતિના સમુદાય વચ્ચે ભીષણ હિંસા શરૂ થઈ હતી જે આ વર્ષ દરમ્યાન વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરીને જારી રહી હતી. હવે તો રાજ્યની પોલીસ દળમાં પણ આ જાતિના હોઇ બે ભાગ પડી ગયા છે અને તેઓ જ એકબીજા પર ગોળીબાર અને આગજનીના બનાવોને જન્મ આપે છે. પોલીસ સ્ટેશનો અને હથિયારો લૂંટાય છે. લશ્કર પણ અહીંની ભૂગોળ જાણતું નહીં હોઇ સફળ નથી થતું અને આ જ કારણે માર પણ ખાય છે. બળાત્કાર પણ સામસામે હિસાબ ચૂકતે કરવા થાય છે. બિનસત્તાવાર રીતે ૫૦૦થી વધુના મૃત્યુ થયા છે.૫૦૦૦થી વધુ મકાનો અને દુકાનો ભસ્મીભૂત કરી દેવાઈ છે. દોઢ હજાર ઘાયલ થયા છે. મંદિરો, ચર્ચ પણ નુકશાન પામ્યા છે. મૈઇતી જાતિને અનામતનો ફાયદો મળે તેવો કોર્ટનો ચુકાદો આવ્યો અને બાકાત રખાયેલ કુકી જાતિ હિંસક આંદોલન સાથે વિરોધ કરવા રસ્તા પર આવીને તોફાન શરૂ થયા હતા. પોલીસ કોઈ ઘટનાની એફ.આઇ.આર. જ નથી કરતી. હજુ બધું અનિશ્ચિત અને ડામાડોળ છે. કેન્દ્ર સરકાર તેમના પક્ષના મુખ્ય પ્રધાનને ખસેડવાના મૂડમાં નથી. મણિપુરની લડાઈ ખ્રિસ્તી અને બીન ખ્રિસ્તી સ્તરે પણ પહોંચી ગઈ છે. ભાજપનું મૌન વિરોધ પક્ષોને ખૂંચે છે. જોઈએ ૨૦૨૫માં આ કોકડું ઉકેલાય છે કે કેમ.