મણિપુર યુદ્ધ ભૂમિ બની રહ્યું છે : અક્ષમ મુ.મં.ને દૂર કરો : ખડગેનો મોદીને અનુરોધ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
મણિપુર યુદ્ધ ભૂમિ બની રહ્યું છે : અક્ષમ મુ.મં.ને દૂર કરો : ખડગેનો મોદીને અનુરોધ 1 - image


- 'મણિપુર હિંસા માટે કેસરિયા પાર્ટી જવાબદાર છે'

- 148 દિવસથી મણિપુરના લોકો ત્રાસ વેઠી રહ્યા છે : પરંતુ, વડાપ્રધાનને મણિપુર જવાનો સમય નથી મળતો

નવી દિલ્હી : મણિપુરની હિંસા માટે 'કેસરિયા પાર્ટી' જવાબદાર છે તેમ કહેતાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહને તત્કાળ પદ ઉપરથી દૂર કરવા અનુરોધ કર્યો છે.

આ સાથે તેઓએ કહ્યું હતું કે, 'આ પૂર્વોત્તર રાજ્ય અત્યારે તો યુદ્ધભૂમિ બની રહ્યું છે. ૧૪૭ દિવસથી મણિપુરના લોકો ત્રાસ વેઠી રહ્યા છે પરંતુ વડાપ્રધાન મોદીને ત્યાં જવાનો સમય નથી મળતો. વિદ્યાર્થીઓની પણ થઈ રહેલી હત્યાના ભયંકર ફોટાઓ જોઈ સમગ્ર દેશને ફરી એકવાર આંચકો આપ્યો છે. હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે, મહિલાઓ અને બાળકો આ હિંસામાં નિશાન બની રહ્યા છે.'

પહેલા ટ્વિટર તરીકે ઓળખાતા X ઉપર લખતાં ખડગેએ આ સાથે ભાજપ ઉપર પ્રહારો કરતા ભાજપના જ મુખ્યમંત્રી એન. બિરેનસિંહને અક્ષમ કહ્યા હતા અને તેમને તત્કાળ પદ ઉપરથી દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો. મણિપુરના ચક્રવાતને થામવા માટેનું આ સર્વપ્રથમ પગલું બની રહેશે તેમ પણ તેઓએ X ઉપર જણાવ્યું હતું.

મણિપુરમાં મેતી પ્રજાના બે વિદ્યાર્થીઓ કેટલાક દિવસોથી ગુમ થઈ ગયા પછી તેમના મૃતદેહો મળી આવ્યા તે પછીથી રાજ્યમાં રમખાણો ફરી વ્યાપક બની રહ્યા છે. તેમજ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તે સામે જબરજસ્ત દેખાવો પણ શરૂ કરી દીધાં છે. દેખાવકારોની રેપિડ એક્શન ફોર્સ (આર.એ.એફ.) સાથે થયેલી અથડામણમાં ૨૫થી ૩૦ દેખાવકારોને ઈજા થઈ હતી.

દરમિયાન સીબીઆઇના ડીટેક્ટીવ અજય ભટનાગરના નેતૃત્વ નીચે સીબીઆઇની એક ટુકડી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યા અંગે તપાસ કરવા મણિપુર પહોંચી ગઈ છે.


Google NewsGoogle News