મણિપુરમાં ફરી હિંસા, બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે આડેધડ ફાયરિંગ, પોલીસ કાફલો ખડકાયો
પ્રતિકાત્મક તસવીર |
Manipur News : મણિપુરના ઈન્ફાલ ઈસ્ટ જિલ્લામાં બુધવારની સવારે સશસ્ત્ર જૂથો વચ્ચે આડેધડ ફાયરિંગની ઘટના સર્જાય હતી. પોલીસની જાણકારી મુજબ, કાંગપોકપી જિલ્લાના પહાડો પરથી હથિયારધારી લોકોએ સિનામ કોમ ગામને નિશાનો બનાવીને ગોળીબાર કર્યો હતો. આ પછી પહાડોની તળેટી પર તૈનાત વિલેજ વોલન્ટિયર્સે તેની સામે જવાબી કાર્યવાહી કરી હતી.
સમગ્ર ઘટના બાદ આ વિસ્તારમાં મોટાપાયે સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી મળી નથી. જ્યારે મંગળવારની રાત્રે પણ ઈન્ફાલ ઈસ્ટના થમનાપોકી અને નજીકના યૂયોક ચિંગમાં હથિયારધારી લોકો અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઈ હતી.
ગત વર્ષે થયેલી હિંસામાં 250થી વધુના મોત
ગત વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે જાતીય હિંસામાં 250 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હજારો લોકો ઘરવિહોણા થયા હતા. તેવામાં હવે ઈન્ફાલમાં સુશાસન દિવસ કાર્યક્રમ દરમિયાન મણિપુરમાં મુખ્યમંત્રીએ ભાજપને મણિપુર બચાવવા અને રાજ્યમાં તકરાર ઉકેલવામાં સક્ષમ હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એન. બીરેન સિંહે શું કહ્યું?
મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કહ્યું કે, 'આજે મણિપુરમાં થઈ રહ્યું છે, તેના અનેક કારણો છે. જે લોકો રાજ્યના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ પૂછી રહ્યા છે કે સરકાર શું કરી રહી છે... તેઓ સત્તાના ભૂખ્યા છે.' તેમણે કહ્યું કે, 'કોઈ વિશેષ સમુદાય વિરુદ્ધામાં નથી, ભાજપનું વલણ સ્પષ્ટ છે. અમે સાથે રહેવાના વિચારોમાં વિચાર રાખીએ છીએ. ફક્ત ભાજપ જ મણિપુરને બચાવી શકે છે. ભાજપના નેતાઓમાં રાષ્ટ્રીયતા અને સામાજિક ન્યાયની ઊંડી સમજ છે. તેઓ રાષ્ટ્રના હિતમાં વાસ્તવિક રાજનીતિ કરે છે... જો મને ભાજપમાંથી ટિકિટ નહી મળે તો પણ હું પાર્ટીની સાથે રહીશ. '