Get The App

ભાજપની મણિપુર સરકાર થઇ લાચાર! મૈતેઈ-કૂકીના ઝઘડામાં 2નાં બદલામાં 11 કેદીઓને મુક્ત કર્યા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ભાજપની મણિપુર સરકાર થઇ લાચાર! મૈતેઈ-કૂકીના ઝઘડામાં 2નાં બદલામાં 11 કેદીઓને મુક્ત કર્યા 1 - image


Manipur: મૈતેઈ સમુદાયના 2 યુવકોને કૂકી સમુદાયના ઉગ્રવાદીઓએ 6 દિવસ પહેલા બંધક બનાવી લીધા હતા. હવે તેમની મુક્તિ માટે મણિપુર સરકારે લાચાર થઈને 11 વિચારાધીન કેદીઓને મુક્ત કરવા પડ્યા છે. આ બંને યુવકો જ્યારે પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા અને રસ્તો ભટકી ગયા હતા ત્યારે તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. હાલમાં આ બંને મૈતેઈ યુવકોને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ આ અંગે માહિતી આપી છે.

27 સપ્ટેમ્બરના રોજ મૈતેઈ સમુદાયના ત્રણ યુવાનો અચાનક ગુમ થઈ ગયા હતા. બાદમાં એક યુવક પોલીસને મળી ગયો હતો અને બે યુવકોની તલાશ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ જાણ થઈ કે, બંને યુવકોની કુકી સમુદાયના ઉગ્રવાદીઓએ બંધક બનાવી લીધા છે અને પોતાના ઠેકાણા પર લઈ ગયા છે. આ મામલો સામે આવતા જ સરકાર એલર્ટ થઈ અને કુકી સમુદાયના ઉગ્રવાદીઓ સાથે વાતચીત કરી. 

બંને યુવકોને મુક્ત કર્યા

ગુરુવારે સવારે 6:00 વાગ્યે મૈતેઈ સમુદાયના બંને યુવકો થોકચોમ થોઈથોઈબા અને ઓઈનમ થોઈથોઈને મુક્ત કરી દેવામાં અને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. કાંગપોકપી જિલ્લાના એસપી ઓફિસમાં આસામ રાઈફલ્સ અને સીઆરપીએફ પણ હાજર રહ્યા હતા.

કુકી સમુદાયે કેદીઓની મુક્તિની તસવીરો શેર કરી

મણિપુર પોલીસે જણાવ્યું કે, આ બંને યુવકો પહાડી જિલ્લામાં કુકી સમુદાયના સૌથી મોટા સંગઠન કમિટી ઓફ ટ્રાઈબલ યુનિટીની કસ્ટડીમાં હતા. આ સંગઠને તેમને બંધક બનાવી રાખ્યા હતા. બંને મૈતેઈ યુવાનોની મુક્તિ બાદ કુકી સંગઠન ITL એ તસવીરો શેર કરી છે અને કહ્યું કે, આજે સવારે જ ઘાટીની જેલમાંથી 11 કુકી સમુદાયના આરોપીઓને પહાડી જિલ્લા ચુરાચંદપુર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

બંને યુવકો પરીક્ષા આપવા માટે ગયા હતા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને મૈતેઈ યુવકોને ઈમ્ફાલ લઇ જવામાં આવી રહ્યા છે. 27 સપ્ટેમ્બરના રોજ બંને યુવકો પોતાના અન્ય મિત્ર જોનસન સાથે ન્યુ કીથેલમેનબીમાં એસએસસી જીડી ભરતીની પરીક્ષા આપવા માટે ગયા હતા. તેઓ કાંગપોકપી જિલ્લામાં તેમનો રસ્તો ભટકી ગયા હતા. જ્યારે જોનસનને સેનાએ બચાવીને પોલીસને સોંપી દીધો હચો. બીજી તરફ બંને યુવાનો હથિયારબંધ લોકોની કેદમાં રહ્યા હતા. રાજ્ય સરકારે કેન્દ્રની મદદથી બંને યુવાનોની મુક્તિ માટે વાટાઘાટો કરી હતી.

CMએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, 27 સપ્ટેમ્બરના રોજ કાંગપોકપીમાં અપહરણ કરાયેલા બે યુવકોને સુરક્ષિત મુક્ત કરી દેવામાં આવ્યા છે. હું રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ અધિકારીઓના પ્રયાસોની પ્રશંસા કરું છું જેમણે તેમના સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી હતી. તમારા પ્રયાસોને ઊંડાણપૂર્વક મહત્વ આપવામાં આવ્યું છે. 

પોલીસે જણાવ્યું કે, 11 કેદીઓને ગઈકાલે રાત્રે 2:00 વાગ્યે સપરમીના પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. 11 કેદીઓને એક મહિના પહેલા જ જામીન પર મુક્ત કરવાના હતા, પરંતુ હવે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પોલીસે દાવો કર્યો કે જામીન મળ્યા બાદ તેઓ જેલમાં હતા. આ અગાઉ 2 ઓક્ટોબરના રોજ મણિપુરના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસે બંને યુવાનોની સુરક્ષિત મુક્તિની માગ કરી હતી.


Google NewsGoogle News